ગુજરાતીમાં ભણીને મોટા થયા અને માતૃભાષામાં લખવાનો શોખ બાળપણથી જ. પુસ્તકોમાં ભણેલા પાઠ અને કવિતાના લેખકોના નામ વાંચીને થતું કે હું પણ લખું. ડાયરીમાં લખવાનું શરુ કર્યું. શરૂઆત તો કવિતા અને ટૂંકી વાર્તાથી કરી. પછી નિબંધ ક્ષેત્રે પણ લસરકા માર્યા.
ફુલછાબની ‘બાળમેળો’ પૂર્તિમાં કવિતા મોકલી આપી અને તે છપાઈ એટલે થોડો ઉત્સાહ વધ્યો. વધારે લખાતું રહ્યું પરંતુ સાચવવાનું કે છપાવા મોકલવાનું ક્યારેય સુજ્યું નહિ. એવું ઘણું લખાણ સચવાયું નથી, જો કે તેનો કઈ અફસોસ પણ નથી. લખવું એક સતત ચાલતી પ્રક્રિયા છે અને તે ચાલ્યા કરશે.
નિયમિત રીતે લખવાની શરૂઆત જીપીએસસી માટે મેગેઝીનમાં આર્ટિકલ લખવાથી થઇ. શૈક્ષણિક ક્ષેત્રે લખવાનું વધારે રહ્યું. યુપીએસસીની તૈયારી દરમિયાન ઇંગ્લીશમાં પણ ખુબ લખાયું – શૈક્ષણિક અલબત્ત. ગુજરાતી અને ઇંગ્લીશમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે અનેક પુસ્તકો લખ્યા અને સંપાદિત પણ કર્યા. તે પૈકી અનેક પુસ્તકો આજે ઉપલબ્ધ નથી કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં લખાયેલું ઘણું સાંપ્રત પ્રવાહો સંબંધિત હોય છે. સમય સાથે તેની ઉપલક્ષતા ઘટી જાય છે.
તૈયારી દરમિયાન જ સંદેશની રવિવારની પૂર્તિમાં ‘સાંપ્રત સમસ્યા’ નામે એક કટાર શરુ થઇ. તેમાં જે તે સમયની સમસ્યાઓ અંગે વિવરણ કરતા આર્ટિકલ લખ્યા. પરંતુ ત્યાં તો યુપીએસસીની મુખ્ય પરીક્ષા આવી ગઈ અને એટલે એ કટાર લખવાનું બંધ કર્યું.
એ સમય પછી જીપીએસસીને લગતા કેટલાક પુસ્તકો લખ્યા અને સંપાદિત કર્યા.
પ્રીતિ પબ્લિકેશન શરુ કરેલું અને મોટા ભાગના ગુજરાતી પુસ્તકો તેમાં જ પ્રકાશિત થયા.
સિલેક્શન બાદ, ફુલછાબમાં ‘સિવિલ સર્વિસ ગાઈડન્સ’ નામે 2014 માં એક કટાર શરુ થઇ જેમાં જીપીએસસી, યુપીએસસી જેવી પરીક્ષાઓ માટે માર્ગદર્શક આર્ટિકલ લખવાનું શરુ થયું તે આજે પણ ચાલે છે.
નવગુજરાત સમયમાં ‘ઊર્ધ્વગમન’ કટાર 2016 ના અંતમાં શરુ થઇ જે દર રવિવારે છપાય છે. તે પૈકીના ઘણા આર્ટિકલ ‘ઊર્ધ્વગમન’ કેટેગરીમાં મુક્યા છે.
ભારતીય ઉચ્ચાયોગ, લંડનમાં પોસ્ટિંગ થયા બાદ ઓગસ્ટ ૨૦૧૯થી ‘યુકે ડાયરી’ નામની કટાર શરુ થઇ છે જે પૈકીના કેટલાક આર્ટિકલ પણ આ બ્લોગ પર મુકું છું.
થેમ્સ-ગંગા સેતુબંધ કટાર પણ લંડન આવ્યા બાદ ગુજરાત સમાચાર, યુકેમાં શરુ થઇ. તેમાં મુખ્યત્વે ભારતીય સમુદાયના લોકો, તેમની સંસ્થાઓ, તેમના યોગદાન અને ભારત-યુકેને જોડાતા વ્યક્તિઓ કે પ્રતિકો અંગે લખું છું.
ટૂંકી વાર્તા અને નવલકથા પણ ગુજરાતીમાં લખાઈ છે અને લખાતી રહેશે.