કેટલીય વાત આપણે ચાન્સ પર છોડી દઈએ છીએ, થાય તો ઠીક અને ન થાય તો પણ ઠીક. ઘણા પરિણામો આપણા પ્રયત્નોથી નહિ પણ અનાયાસે બનતી કોઈ આકસ્મિક ઘટનાથી આવી જતા હોય તેવું બને. કોઈ મુરતિયો એક છોકરી જોવા ગયો હોય પણ પ્રેમ થઇ જાય તેની કામવાળી સાથે, તેવું પણ બની શકે ને? ચાન્સની વાત છે, બધું જ શક્ય છે. આવા ચાન્સ – ઘટનાઓ માત્ર રોજિંદા જીવનની સામાન્ય વાતોમાં જ બને છે તેવું નથી. સૌથી વધારે પદ્ધતિસર ગણાવી શકાય તેવા વિજ્ઞાનના આવિષ્કાર પણ અચાનક બનતી ઘટનાઓથી કે ચાન્સથી થાય છે. ન્યુટનના માથા પર સફરજન પડવું પણ એક ચાન્સ જ હતો ને?

તબીબી વિજ્ઞાનની આવી જ એક મહત્વની શોધ છે – ક્લોરોફોર્મ – જેનું વૈજ્ઞાનિક નામ છે ટ્રાઇક્લોરોમીથેન. હા, એજ ક્લોરોફોર્મ જેનાથી માણસ બેહોશ થઇ શકે છે. તેને સૂંઘાડીને ચડતી તંદ્રાએ તો માનવજાતની પીડા હરી લીધી છે. જો ક્લોરોફોર્મ જેવા એનેસ્થેટિકની શોધ ન થઇ હોત તો આજે પણ આપણે દર્દ સહન કરતા હોત, પીડાથી તડપતા હોત. પરંતુ આ પદાર્થને કારણે મોટા મોટા ઓપરેશન પણ દર્દના નહિવત અહેસાસ સાથે થઇ જાય છે.

રસપ્રદ વાત છે કે ક્લોરોફોર્મ બનાવવાની ઘટનામાં પણ આકસ્મિકતા છે. તે એકસાથે અનેક વૈજ્ઞાનિકોએ, રસાયણશાસ્ત્રીઓ સ્વતંત્ર રીતે બનાવ્યું જણાય છે. જર્મનીનો મોલ્ડેનહાવર નામનો ફાર્માસીસ્ટ ૧૮૩૧ માં ક્લોરોફોર્મ બનાવે છે. તે જ સમયે સેમ્યુઅલ ગુથરી નામનો અમેરિકન તબીબ પણ ક્લોરોફોર્મ બનાવી લે છે. જર્મન વૈજ્ઞાનિક જસ્ટસ વોન લીબિગ અને ફ્રેન્ચ વૈજ્ઞાનિક યુજેન સોબેઇરાન પણ અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરીને ક્લોરોફોર્મ બનાવી કાઢે છે. ઉપરાંત ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી જીન બાપ્ટિસ્ટ ડુમસ પણ આધુનિક ઢબે ૧૮૩૪માં આ પદાર્થ બનાવે છે. કેવી આશ્ચર્યની વાત કહેવાય, એક જ પદાર્થ અલગ અલગ લોકોએ સ્વતંત્ર રીતે બનાવ્યો. પરંતુ વધારે અચરજ પમાડે તેવી વાત એ છે કે આ પૈકી કોઈનેય ક્લોરોફોર્મની એ લાક્ષણિકતાની ખબર નહોતી કે તેનાથી જીવને બેભાન કરી શકાય અને તેનો ઉપયોગ એનેસ્થેસિયા તરીકે થઇ શકે.

તે મહત્વપૂર્ણ કામ કરવાનું શ્રેય સ્કોટલેન્ડના ડોક્ટર સર જેમ્સ સિમ્પસનને જાય છે. સ્કોટલેન્ડના ફર્સ્ટ બેરોનેટ સર સિમ્પસન ૧૮ વર્ષની વયે ડોક્ટર બની ગયેલા પરંતુ લઘુતમ વયમર્યાદાને કારણે તેને પ્રેક્ટિસ કરવા માટે બે વર્ષ રાહ જોવી પડેલી. તેઓ પ્રસૂતીશાસ્ત્રના નિષ્ણાત હતા. પ્રસુતિ વખતે મહિલાઓએ સહેવા પડતા દર્દને ઘટાડવા સર સિમ્પસન અલગ અલગ તરીકા અજમાવતા. સાથે સાથે તેઓ કોઈ એવા પદાર્થની શોધમાં હતા કે જેનાથી આ દર્દ ઘટાડી શકાય. એક રસપ્રદ વાત એ છે કે પહેલાના સમયમાં સગર્ભાને લેબર પેઈન લાવવા માટે એરંડિયાનું તેલ પીવડાવવામાં આવતું! આજે આવી પદ્ધતિ પર કોઈ ડોક્ટર હસી કાઢે, પણ ત્યારનો સમય અલગ હતો. આવા સમયમાં સર સિમ્પસન પોતાના બે સાથીદારો સાથે રોજ સાંજે દવાખાનાનું કામ પૂરું કર્યા બાદ અલગ અલગ રસાયણોની ચકાસણી કરતા – પોતાના પર પ્રયોગ કરીને!

એવી જ એક સાંજે સર સિમ્પસન અને તેના બે સાથીઓએ ઘણા સમયથી લાવી રાખેલું પણ ક્યારેય ન ચકાસેલું રસાયણ ક્લોરોફોર્મ લીધું અને ત્રણેયે સુંઘયું. શરૂઆતમાં તો તેમને દિવ્ય આનંદની અનુભૂતિ થઇ હોય તેવું લાગ્યું પણ પછી તેઓ બીજા દિવસે સવારે જ ઉઠ્યા. જયારે ઊંઘ ખુલી ત્યારે સર સિમ્પસન સમજી ગયા હતા કે તેમને એવો પદાર્થ મળી ગયો છે જે દર્દીની પીડા ઘટાડવા, તેને બેહોશ કરવા ઉપયોગી થશે. ત્યારબાદ તેમણે પોતાની ભત્રીજી પર પણ ક્લોરોફોર્મનો પ્રયોગ કર્યો. આ બધું ચાન્સથી જ થયુંને? ચાન્સ તો એટલા માટે કહી શકાય કે જો ઓછી માત્રામાં સુંઘયું હોત તો સર સિમ્પસન અને તેના સાથીઓ ક્લોરોફોર્મને નશીલો પદાર્થ ગણાવીને છોડી દેત! જો વધારે સુંઘાઈ ગયું હોત તો સર સિમ્પસન સીધા સ્વર્ગવાસી જ થઇ ગયા હોત! અને લોકોએ ક્લોરોફોર્મને ઝેરી ગણાવ્યું હોત. પણ કેવું માપસર સુંઘાયું કે જેથી બીજા દિવસે સવારે સરસ મજાની ઊંઘમાંથી ઉઠતા હોય અને રાત્રે માતાજી સપનામાં આવીને ક્લોરોફોર્મનાં ગુણધર્મો સમજાવી ગયા હોય તેમ સર સિમ્પસને આ પદાર્થને ઓળખી લીધો, તેનું મહત્વ જાણી લીધું.

સર સિમ્પસને પછી તો ક્લોરોફોર્મનો ઉપયોગ ખુબ પ્રચલિત બનાવ્યો અને આજે આપણે જેટલા પણ પીડામુક્ત થયા છીએ તેનો ફાળો સર સિમ્પસનને જાય છે, તેમણે લીધેલા ચાન્સને જાય છે. શું ખબર, ચાન્સથી તમે પણ આવી કોઈ શોધ કરી રાખી હોય, કોઈ આવિષ્કાર કરી રાખ્યો હોય જેનો તમને ખ્યાલ પણ ના હોય!

Don’t miss new articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *