ઊર્ધ્વગમન, નવગુજરાત સમય, 29 સપ્ટેમ્બર 2019, રવિવાર
તમે એક સપ્તાહમાં કેટલા કલાક કામ કરો છો? આ પ્રશ્ન હવે મહત્વનો બનતો જાય છે પરંતુ તેનો જવાબ આપવો મુશ્કેલ છે. જયારે ઉત્પાદન, મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ ખુબ તેજી પર હતો અને લોકો કારખાનામાં કામ કરવા જતા ત્યારે કામ અલગ પ્રકારનું હતું. માણસ દુકાન ચલાવતો હોય તેનું કામ પણ અલગ પ્રકારનું હોય છે. કેમ કે આવા વ્યવસાયમાં જયારે કાર્યસ્થળ છોડો ત્યારે તમારું કામ પૂરું થઇ જાય. કારખાનામાં રહ્યા એટલા કલાક કામ કર્યું એટલે આઠ કલાકની નોકરી સમય સાથે પુરી થઇ જતી.
સર્વિસ ઇન્ડસ્ટ્રી જેમ જેમ વિકસતી ગઈ, ટેક્નોલોજી વિકસતી ગઈ તેમ તેમ લોકોના કામના કલાકો ગણવા મુશ્કેલ થતા ગયા. લોકો ઘરે આવીને પણ મોબાઈલમાં ઇમેઇલ કે વોટ્સએપ દ્વારા પોતાના કામ સાથે સંકળાયેલા રહે છે. જેને કારણે તેમનું કામ માત્ર ઓફિસ પૂરતું માર્યાદિત ન રહેતા તેની વ્યક્તિગત જિંદગીમાં પણ પગપેસારો કરી ગયું છે. જેને પરિણામે વર્ક-લાઈફ બેલેન્સ બગાડવા માંડ્યું. કેટલાય યુવાન યુગલો કે જેમાં પતિ-પત્ની બંને કામ કરતા હોય તેઓ બેડરૂમમાં પણ પોતપોતાના લેપટોપમાં ગૂંચવાયેલા હોય તેવું શક્ય છે.
આ નવા ટ્રેન્ડને કારણે હવે કામના કલાકો નિશ્ચિત કરવાની ઝુંબેશ યુરોપમાં અને અન્ય વિકસિત દેશોમાં વધારે ને વધારે વેગ પકડી રહી છે. તાજેતરમાં યુકેમાં કરાયેલા એક સર્વે અનુસાર એવરેજ કર્મચારી સપ્તાહ દરમિયાન ૪૨ કલાક કામ કરે છે. ભારતની સરખામણીમાં આ હજુય ઓછા કહેવાય. પરંતુ જે રીતે તણાવગ્રસ્ત પરિસ્થિતિ સર્જાઈ રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે બધા લોકોએ પોતાના કામના કલાકો અંગે થોડું જાગૃત બનવું જોઈશે.
આપણા માટે બીજો મહત્વનો પ્રશ્ન એ છે કે આપણે કામ માટે જેટલો સમય વિતાવીએ છીએ તે પૈકી ખરી રીતે પરિણામદાયક સમય કેટલો હોય છે. આ સર્વે અનુસાર વધારે કલાકો કામમાં વિતાવતા પ્રતિ કલાક ઉત્પાદકતા ઓછી થતી જાય છે. તેમાં યુકેની સરખામણી અન્ય દેશો સાથે કરવામાં આવી છે. તેના તારણ અનુસાર યુકે કરતા જર્મનીમાં કર્મચારી સરેરાશ ૧.૮ કલાક પ્રતિ સપ્તાહ ઓછું કામ કરે છે પરંતુ તેની ઉત્પાદકતા – પ્રોડક્ટિવિટી – પરિણામ યુકેના કર્મચારી કરતા ૧૪.૬% વધારે છે. તેવી જ રીતે ડેનમાર્ક, કે જ્યાં સૌથી ઓછા કામના કલાકો છે ત્યાં યુકે કરતા પ્રતિ સપ્તાહ ૪ કલાક કામ ઓછું કરીને પણ કર્મચારી ૨૩.૫% વધારે પ્રોડક્ટિવ છે.
હવે કેટલાક દેશોમાં ચાર દિવસનું સપ્તાહ કામ માટે નિર્ધારિત કરવાની ઝુંબેશ પણ ચાલવા માંડી છે. ગયા વર્ષે ન્યુઝીલેન્ડના એક ટ્રસ્ટ ફંડ ‘પર્પેચ્યુઅલ ગાર્ડિઅન’ દ્વારા ચાર દિવસનું કાર્યસપ્તાહ પ્રાયોગિક ધોરણે શરુ કરવામાં આવ્યું. તેમના ૨૪૦ કર્મચારીઓ માટે કામના દિવસો પાંચથી ઘટાડીને ચાર કરી દેવામાં આવ્યા. પગારમાં કોઈ ઘટાડો ન કરાયો. પરિણામ એવું આવ્યું કે અઠવાડિયામાં સરેરાશ ૭.૫ કલાક ઓછું કામ કરવા છતાં કર્મચારીની ઉત્પાદકતા – પ્રોડક્ટિવિટીમાં વધારો નોંધાયો હતો. ઉત્પાદકતા ઉપરાંત કર્મચારી પોતાના કામ પ્રત્યે વધારે સંલગ્નતા અનુભવતો થયો, તેની વધારે સારી સમજ કેળવાતો થયો અને તેમનું વર્ક-લાઈફ બેલેન્સ વધારે સારું બન્યું હોવાનું નોંધાયું. તેમનો તણાવ ઓછો થયો, તેમના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળ્યો અને તેમના પારિવારિક સંબંધો પણ વધારે સારા બન્યા. જયારે વ્યક્તિને પૂરતી આવક, નોકરીની સુરક્ષા અને વ્યક્તિગત સમય મળી રહે ત્યારે આવા અનેક ફાયદા કામના કલાકો ઓછા થવાથી મળી શકે.
સમય પ્રમાણે સમાજ બદલાય, અર્થતંત્ર બદલાય અને સરકારી નિયમો પણ બદલાય. આપણો સમાજ અલગ તબક્કે છે જ્યાં આવા વિચાર અંગે મિશ્ર પ્રતિભાવ મળવાના. પરંતુ જયારે તબક્કો બદલાશે ત્યારે આપણે ત્યાં પણ મોટા ભાગના લોકો કામ ઉપરાંત અન્ય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરતા થશે. યુરોપ અને અન્ય વિકસિત દેશોમાં લોકો હવે ખાવા, પીવા અને રહેવાની ચિંતાથી દૂર થયા હોવાથી તેમનું ફોકસ શારીરિક અને માનસિક તંદુરસ્તી તથા આનંદ તરફ વળ્યું છે. આપણે ત્યાં પણ હંમેશા જીવનને સમતુલિત રાખવાની, સર્વાંગી વિકાસની બાબતને મહત્વ આપવામાં આવ્યું છે.