બ્રેક્ઝિટે આખરે ધમાલ મચાવી જ દીધી. યુકેમાં ચૂંટણીની જાહેરાત થઇ ગઈ છે. ૧૨ મી ડિસેમ્બરે મતદાન યોજાશે. કન્ઝર્વેટિવ અને લેબર બે મુખ્ય પાર્ટીઓ આમને સામને મેદાનમા છે. પરંતુ લિબરલ ડેમોક્રેટ, ગ્રીન પાર્ટી અને એવી બીજી નાની પાર્ટીઓ પણ આ વખતે તેમની સીટ વધારવા મહેનત કરી રહી છે. બ્રેક્ઝિટનાં મુદ્દા પર ગરમાગરમી છે.
આ સમય દરમિયાન યુકેમાં દિવાળીનું પર્વ ભારતીય સમુદાયના લોકોએ ખુબ ધામધૂમથી ઉજવ્યું. અનેક ધાર્મિક અને સામુદાયિક સંગઠનો દ્વારા, બિઝનેસ ઓર્ગેનાઇઝેશન દ્વારા અને સરકાર દ્વારા પણ દિવાળીની ઉજવણી થઇ. ટ્રફાલગર સ્કવેર પર લંડન મેયરે દર વર્ષની જેમ દિવાળીનો કાર્યક્રમ રાખેલો જેમાં હજારો લોકો આવેલા. કેટલાય સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયેલા.
ઠંડીનો સમય આવી ગયો છે અને સાડા ચારથી પાંચ વાગ્યા સુધીમાં દિવસ આથમી જાય છે. સવારે પણ સુરજ મોડો નીકળે છે. થોડા દિવસમાં એવી હાલત થઇ જશે કે ઓફિસ જાવ ત્યારે પણ અંધારું અને પાછા આવો ત્યારે પણ અંધારું. જો કે સ્ટ્રીટ લાઇટને કારણે અને લોકોની અવરજવરને કારણે લગભગ બધી જ પ્રવૃતિઓ જેમની તેમ ચાલ્યા કરતી હોય છે.
યુકેમાં ઓક્ટોબરના છેલ્લા રવિવારે સવારે બે વાગ્યાથી – હા, રાત્રે બે વાગ્યાથી – ઘડિયાળ એક કલાક પાછળ થઇ જાય છે. એટલે કે બે વાગ્યા હોય ત્યારે તેને એક વગાડી દેવામાં આવે છે. તેને ડે લાઈટ સેવિંગ ટાઈમ કહેવાય. ઘડિયાળ પાછળ કરી દેવાનું કારણ એ હોય છે કે સવાર એક કલાક મોડું પડે. તેનાથી બધી જ પ્રવૃતિઓ એક કલાક મોડી શરુ થાય. લોકોએ પહેલા જેટલા વહેલું ન ઊઠવું પડે. થોડું અજવાળું થાય પછી પ્રવૃતિઓ શરુ થાય.
માર્ચ મહિનાના છેલ્લા રવિવારે રાત્રે એક વાગ્યે – હા, સવારે એક વાગ્યે – ઘડિયાળ ફરીથી એક કલાક આગળ કરી દેવામાં આવશે. તેનાથી દિવસ એક કલાક વહેલો શરુ થાય અને લોકો વહેલા પોતપોતાની પ્રવૃત્તિએ વળગે. જો કે આમ તો ઉનાળામાં દિવસ અથમવામાં પણ મોડું થતું હોય છે. પરંતુ તડકો ન ચડી જાય અને લોકો સૂરજના કુમળા કિરણોમાં જ કામે નીકળી જાય તેવો ઉદેશ્ય કદાચ આ રીતે ઘડિયાળ આગળ કરવાનો હોઈ શકે.
ઉનાળામાં સમય આગળ કરી દેવો અને શિયાળામાં પાછળ કરી દેવો એ કન્સેપટ ઘણા દેશોમાં છે. તેનાથી વીજળીની બચત થાય છે અને લોકોને કુદરત સાથે થોડું વધારે તાદાત્મ્ય સાધવા મળે છે. જો કે એક બે દિવસ તો આપણા શરીરની ઘડિયાળ – બાયોલોજીકલ ક્લોક – જલ્દી સેટ થતી નથી. અહીં માત્ર એક કલાકનો ફરક પડતો હોવાથી થોડું સહેલું છે પરંતુ ઈરાનમાં તો બે કલાકનો સમય આગળ – પાછળ કરવામાં આવતો જેને એડજસ્ટ કરવામાં એકાદ સપ્તાહ લાગી જતું. આપણા દેશમાં આવી રીતે શિયાળા અને ઉનાળામાં સમય બદલવાનો કન્સેપટ નથી. તમને શું લાગે છે, આપણે પણ એવું કરવું જોઈએ?