ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે. આ મહિનામાં તો કેટલાય મહાનપુરુષોની જન્મતિથિ આવી રહી છે. બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધીની જન્મતિથિ અને તે પણ આ વર્ષે તો ૧૫૦મી – એટલે વિશ્વભરમાં ખુબ ધામધૂમથી ઉજવાઈ રહી છે. આ જ દિવસે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. લાલબહાદુર શાસ્ત્રીની જન્મતિથિ પણ છે. આ મહિનાના અંતમાં, ૩૦મી ઓક્ટોબરે ડો. જહાંગીર હોમીભાભાની જન્મજયંતિ આવી રહી છે. ડો. હોમીભાભાનો જન્મ ૧૯૦૯માં બોમ્બેમાં થયેલો. તેઓ ભારતના ખુબ મહાન ભૌતિક વિજ્ઞાનિક હતા અને તેમણે પરમાણુ વિજ્ઞાન અને ક્વોન્ટમ થીઅરી ક્ષેત્રે ખુબ મહત્વપૂર્ણ યોગદાન આપેલું.

તેઓએ ભારતમાં ન્યુક્લિઅર વિજ્ઞાન ક્ષેત્રે ખુબ મહત્વપૂર્ણ કામગીરી કરી. ડો ભાભા મુંબઈ નજીક ટ્રોમ્બે ખાતે આવેલા એટોમિક રિસર્ચ સેન્ટરના ડાઈરેક્ટર હતા જેનું નામ તેમના સમ્માનમાં ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર કરવામાં આવ્યું છે. તેમને ભારતીય ન્યુક્લિયર વિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે.

આ મહાન વૈજ્ઞાનિકે તેમનો અભ્યાસ બોમ્બેની એલ્ફિન્સ્ટન કોલેજ ખાતે કર્યા બાદ યુકેની કેમ્બ્રિજ યુનિવર્સીટીમાં આગળનું શિક્ષણ લીધું. આ સમયે વિશ્વભરમાં અણુ વિજ્ઞાનની બોલબાલા હતી. તેમણે પણ આ ક્ષેત્રમાં જંપલાવ્યું. કેમ્બ્રિજ યુનિવર્સીટીમાં તેમણે ‘ધ અબ્સોર્પશન ઓફ કોસ્મિક રેડિએશન’ નામનો શોધનિબંધ તૈયાર કરીને ૧૯૩૩માં ડોક્ટરેટની ડિગ્રી મેળવી. કેમ્બ્રિજ ખાતેના તેમના અભ્યાસ દરમિયાન ડો. હોમી ભાભાને સોલોમન્સ સ્ટુડન્ટશીપ પણ મળેલી.

૧૯૩૯માં ભારત વેકેશન કર્યા આવ્યા બાદ તેઓ ત્યાં જ રહી ગયા અને નોબેલ પારિતોષિક વિજેતા ડો. સી. વી. રામનની અધ્યક્ષતા હેઠળ ચાલતી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં રીડર બન્યા. ૧૯૩૯માં બ્રિટિશ સરકારે તેમને ફેલો ઓફ રોયલ સોસાયટી બનાવ્યા અને ત્યારબાદ ૧૯૪૨માં કેમ્બ્રિજનું ખુબ વિખ્યાત એવું એડમ્સ પ્રાઈઝ પણ તેમને આપ્યું.

તેમના પ્રયત્નોથી કોસ્મિક રે રિસર્ચ યુનિટની સ્થાપના બેંગ્લોરમાં થઇ. તેઓએ ૧૯૪૫માં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચની સ્થાપના માટે પણ મહત્વનો ભાગ ભજવ્યો. ભારત વસવાટ દરમિયાન તેમણે જવાહરલાલ નેહરુને ન્યુક્લિઅર કાર્યક્રમ શરુ કરવા સમજાવ્યા અને તેમના પ્રયાસથી જ એટોમિક એનેર્જી કમિશનની સ્થાપના ૧૯૪૮માં થઇ જેના તેઓ પ્રથમ ચેરમેન બન્યા.

ભારતીય પરમાણુ કાર્યક્રમ ક્ષેત્રે ખુબ મહત્વપૂર્ણ યોગદાન માટે તેમણે ભારતના ઉચ્ચતમ નાગરિક સમ્માન પૈકીનું પદ્મ ભૂષણ તેમણે ૧૯૫૪માં એનાયત થયું. તેમણે ૧૯૫૧માં અને ત્યારબાદ ૧૯૫૩-૫૬માં ભૌતિક વિજ્ઞાનના નોબેલ પારિતોષિક માટે પણ નામાંકિત કરવામાં આવેલા.

૧૯૬૬ના જાન્યુઆરી મહિનામાં ડો. ભાભા ઇન્ટરનેશનલ એટોમિક એનેર્જી એજન્સીની મિટિંગમાં જવા નીકળેલા ત્યારે વિયેના પાસે વિમાન અકસ્માતમાં તેમનું મૃત્યુ નીપજ્યું. કેટલાક પત્રકારોએ તેમના મૃત્યુને ભારતીય ન્યુક્લિઅર પ્રોગ્રામને અટકાવવાના એક ષડયંત્રનો ભાગ પણ ગણાવ્યો છે.

Don’t miss new articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *