દિવાળીનું પર્વ લન્ડનમાં ખૂબ ધામધૂમથી ઉજવાયું. દિવાળીના દિવસે સવારે અનુપમ મિશન દ્વારા સંચાલિત સ્વામિનારાયણ મંદિરમાં અન્નકૂટ, આરતી અને પ્રસાદનો લ્હાવો મળ્યો. જયારે સાંજે સ્ટેન્મોરમાં આવેલા ભક્તિધામ મનોર સ્વામિનારાયણ મંદિર ખાતે જવાનું થયું.

સેંકડોની સંખ્યામાં ભક્તોએ મન્દિરમા લક્ષ્મી પૂજન કર્યું, પ્રસાદ લીધો અને પછી લગભગ 30 મિનિટ સુધી ભવ્ય આતશબાજીનો આનંદ માણ્યો. હજારો લોકો આ આતશબાજી જોવાં આવ્યા હતા. ભુજથી આવેલા કોઠારી સ્વામીએ સૌને દિવાળીના આશીર્વાદ પાઠવ્યા. મોટાભાગના ભક્તો ગુજરાતી હતા. ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ તે કવિ ખબરદારની પંક્તિ અહીં તો સાક્ષાત સાચી થયેલી જણાઇ.

મંદિર તરફથી આયોજિત કરવામાં આવેલા આતશબાજીનો થીમ પણ ભારતીય રાષ્ટ્રધ્વજના ત્રણ રંગો દર્શાવતો હતો. કેસરી, સફેદ અને લીલા રંગથી આકાશ દિપિ ઉઠ્યુ. વંદે માતરમ અને અન્ય દેશભક્તિ ગીતોની ધૂન પર આકાશમાં ઝગમગતા ફટાકડાથી બનતો તિરંગો પ્રકાશ જાણે વિદેશમા પણ ભારતની ઉપસ્થિતિનો સાક્ષી બની રહ્યો. ફટાકડાનો અવાજ તો આસમાનમા જાણે ભારતીય સંસ્કૃતિનો જયઘોષ હતો. રાવણના પરાજય બાદ રામ અયોધ્યા પરત આવ્યા ત્યારે કેવી રીતે નગરી શણગારાઈ હશે તેનુ અનુમાન લગાવતા લોકોને રામાયણની કથાથી પરિચિત કરાવવા આતશબાજી શરુ થાઈ તે પહેલા જ મોટી સ્ક્રીન પર પૂરી રામાયણને એનિમેટેડ ફોર્મમા બતાવવામા આવી. પાંચેક મિનિટનો વિડિયો સૌને ગમ્યો. યુકેમા જન્મેલા બાળકો માટે તે ખુબ ઉપયોગી બન્યો હશે તેવુ માનુ છુ.

અને કુદરતની મહેરબાની જુઓ કે આકાશ એકદમ સાફ. દિવસ દરમિયાન પણ સુરજદેવની કૃપા રહી. એટલે બધા જ કાર્યક્રમો ખુબ સરસ રીતે થયા. આયોજકોએ ખુબ મહેનત કરી અને આટલા મોટા કાર્યક્રમને સમ્પન્ન કર્યો તથા મુલાકાતીઓએ ભક્તિભાવથી દિવાળીના પર્વ નિમિતે મંદિરે જઈને ભારતીય પરંપરા અને રીતરિવાજો જાળવી રાખ્યા તે બાબત જાણે ભારત અને યુકે વચાળે એક સેતુબંધ રચાયો હોય તેવી અનુભૂતિ કરાવે છે. એમ જ કહોને કે જાણે થેમ્સ અને ગંગાના જળનો પવિત્ર સંગમ સંસ્કૃતિક રીતે થઈ ગયો.

દિવાળીનો આનંદોલ્લાસ અને ઉજાસનો પર્વ ભારતમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યો હતો ત્યારે એક મહત્વપૂર્ણ વાત યાદ આવે છે કે હવે ભારતના દરેક ગામડે વીજળી પહોંચી ગઈ છે. એટલે કે એકેય ગામ એવું રહ્યું નથી જ્યાં વીજળીનું કનેક્શન ન હોય. ગામડે ગામડું વીજળીના દીવાથી ઝગમગાટ થતું હોય તેવી દિવાળી ખરેખર જ દેશવાસીઓ માટે ખુશીનો માહોલ લાવી છે.

આપ સૌ વાંચકોના જીવનમાં પણ સુખ, સમૃદ્ધિ, આનંદ, ઉલ્લાસ અને તંદુરસ્તી બની રહે તેવી પ્રાર્થના. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *