રંગ બદલે છે આસમાન,
સુર્યાસ્ત જ્યારે થાય છે,
મને તું યાદ આવે છે…
ખૂબ રડે છે હ્રદય :
તુજ યાદ જ્યારે ઘેરાય છે,
મને તું યાદ આવે છે…
કદમ મારાં વશમાં નથી,
એકાંત તરફ જ્યારે જાય છે,
મને તું યાદ આવે છે…
ફૂલોને જોઇ અકળાઉ છું,
ફોરમ જ્યારે ફેલાય છે,
મને તું યાદ આવે છે…
હરિયાળી પ્રત્યે પ્રેમ નથી,
પાનખર જ્યારે છવાય છે,
મને તું યાદ આવે છે…
તારા અવાજની જ વાત નથી,
સૂર જ્યારે સંભળાય છે,
મને તું યાદ આવે છે…
ઊંઘ નથી તો સ્વપ્ન શાં ? છતાં
આંખ જ્યારે મિંચાય છે,
મને તું યાદ આવે છે…
– રોહિત વઢવાણા (1997)