રવિવારે રિજેન્ટ સ્ટ્રીટ પર મોટર શો યોજાયો. ઓક્સફર્ડ સર્કસ અને પિકાડીલી સર્કસ જેવા બે મુખ્ય ચોક – સર્કસ એટલે એવો ચોક કે જ્યાં ચાર પાંચ રસ્તા મળતાં હોય – વચ્ચે દોઢેક માઈલ સુધીનો રોડ રિજેન્ટ સ્ટ્રીટ કહેવાય છે. બંને બાજુઓ પર શોપિંગ માટે અનેકવિધ પ્રલોભનો પીરસતી બ્રાન્ડના શોરૂમ્સથી ઝગમગતી આ સ્ટ્રીટ પર રોજ લાખો પાઉન્ડની લેવડ-દેવડ થાય છે. તે પુરી થતા જ ઓક્સફર્ડ સ્ટ્રીટ શરુ થાય અને ત્યાં પણ વિશ્વભરની બેસ્ટ શોપિંગ બ્રાન્ડ્સ આપણને આવકારો દઈને બોલાવતી હોય તેવું લાગે.
રિજેન્ટ સ્ટ્રીટ પર સવારે અગિયાર વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી વાહનોની અવરજવર રોકી દેવામાં આવી. લોકો પગપાળા ચાલે અને બંને બાજુના રસ્તાઓ પર પ્રદર્શન માટે મુકવામાં આવેલી મોટરકાર જુએ તેવી વ્યવસ્થા કરવામાં આવેલી. જુના સમયની ઘોડાગાડી જેવી દેખાતી મોટરકારના નમૂનાથી લઈને આધુનિક ટેસ્લા જેવા કાર અહીં મોજુદ હતી. હર્લી ડેવિડસન અને ટ્રાઇમફ જેવી તાકાતવર મોટરસાઇકલ પણ રાખવામાં આવી હતી.
ત્યાં ઓસ્ટિન & હેલીની બનાવેલી જુના જમાનાની બે સીટ વાળી ગાડીઓ, ફોર્ડની શરૂઆતની લાંબા બોનેટ વાળી કારના મોડેલ્સ, ઊંચા પૈડાં વાળી, ઉપરથી ખુલ્લી, રેસની બે સીટવાળી, રીક્ષા જેવો અવાજ કરીને ચાલનારી અને ત્રણ પૈડાંવાળી ગાડીઓ પણ જોવા મળી. ઈ.સ. ૧૯૦૧ની બનેલી કાર પણ અહીં હતી. ઈંગ્લીશ સ્ટાઈલની જૂની ગાડીઓ સાથે પારંપરિક કહી શકાય તેવા ઈંગ્લીશ કપડાં પહેરીને સ્ત્રી પુરુષો પણ આવેલા. મેમ સાહેબો ફુલવાળા ગાઉન અને હેટ તથા પુરુષો ઓવરકોટ, લાંબા બુટ, મૂછો અને હાથમાં છત્રી સાથે આપણી હિન્દી ફિલ્મોમાં બતાવવામાં આવતા બ્રિટિશ જેવી ઇમેજ ઉભી કરતા હતા. ઓછામાં પૂરું, જૂની ફિલ્મોના કલાકારો જેવા બેલબોટમ, ટૂંકા શર્ટ અને શોર્ટ જેકેટ, હેટ, ધતુરીની પાઇપ વગેરે લઈને આવેલા લોકો પણ ત્યાં ફરતા દેખાયાં. રેટ્રો – પુરાના સમયની હેલી ફરી વળી હોય તેવું લાગ્યું. મ્યુઝિક અને ડાન્સ પરફોર્મન્સ પણ રોડના કિનારે ગોઠવેલા. ઈંગ્લીશ સંગીતને માણવા લોકો ટોળે વાળીને ઉભા રહેલા.
કોઈ પણ મહત્વનો કાર્યક્રમ ચાલતો હોય, ઈંગ્લીશ વેધર કહે મારુ કામ હું કરીને જ રહું. ઝરમરીયાથી લઈને વરસાદના છાંટા શરુ થઇ ગયા. અહીં તો લોકોને વરસાદની આદત જ છે. લોકો પાસે છત્રી તો હાથવગી જ હોય એટલે કોઈ ડરે નહિ. પણ જેવા છાંટા આવ્યા કે ડાન્સ કરવા માટે તૈયાર યુવતીઓ ભાગીને વેનિટી વાનમાં જતી રહી કારણ કે પરફોર્મન્સ માટે લગાવેલું મેક-અપ ખરાબ થાય અને સ્વેટર ન પહેર્યું હોવાથી ભીના થવાય તો બીમાર પડે. થોડીવારમાં વરસાદ થોભ્યો એટલે ફરીથી બધા જેવા હતા તેમ છત્રી બંધ કરીને પોતપોતાની પ્રવૃત્તિમાં મશગુલ.
અહીંના લોકો રોજ સવારે વેધર એપમાં જોઈને નીકળે કે વરસાદના ચાન્સ કેટલા? અને મોટાભાગે એ વેધર એપની આગાહી સાચી હોય. આમેય ઠંડીની શરૂઆત થઇ ગઈ છે એટલે કેટલાક લોકો વિન્ટર અને રેઇન બંનેમાં કામ લાગે તેવા ઓવરકોટ પહેરીને ફરતા શરુ થઇ ગયા છે. દિવસ પણ જલ્દી આથમે છે અને દિવસ ટૂંકો થવા લાગ્યો છે. પાનખરની શરૂઆત થઇ રહી છે એટલે વૃક્ષોના પાંદડા હવે પીળા અને લાલ થવા મંડ્યા છે. ધીમે ધીમે બધા ઝાડ ઠુંઠા થવા માંડશે. કેમ કે વિન્ટર ઇઝ હીઅર!