લંડન એટલે મ્યુઝિયમ અને થિયેટરનો ગઢ. અહીં એટલા સમૃદ્ધ સંગ્રહાલયો છે કે એક એક સંગ્રહાલય જોવામાં ઘણા દિવસો નીકળી જાય. જો કે આ વાત મને તો કોઈ પણ સંગ્રહાલય માટે સાચી લાગે છે. જ્યાં પણ જઈએ ત્યાં માનવ સંસ્કૃતિ, ઇતિહાસ, કલા અને સર્જનાત્મકતા વિષે એટલું બધું જાણવા મળે છે કે ત્યાંથી ખસવાનું મન ન થાય.
લંડનનું એક ખુબ વિખ્યાત અને મોટું સંગ્રહાલય છે – વિક્ટોરિયા એન્ડ આલબર્ટ મ્યુઝિયમ. આમ તો તે ૧૮૫૨થી કાર્યરત છે પરંતુ સંગ્રહાલય તરીકે સન ૧૮૯૯માં મહારાણી વિકોરીયાના હાથે તેનું ઉદ્ઘાટન કરવામાં આવેલું. તેમાં ત્રેવીશ લાખ પ્રદર્શન કૃતિઓ છે જે માનવીની ૫૦૦૦ વર્ષની સર્જનાત્મકતા દર્શાવે છે. આર્કિટેક્ચર, ફર્નિચર, ફેશન, ટેક્સટાઇલ્સ, ફોટોગ્રાફી, શિલ્પ, પેઇન્ટિંગ, જ્વેલરી, ગ્લાસ, સિરામિક્સ, બુક આર્ટ્સ, એશિયન કળા અને ડિઝાઇન, થિયેટર અને પ્રદર્શનનો સમાવેશ આ મ્યુઝિયમમાં થાય છે. ત્યાં દક્ષિણ એશિયાની અનેક કલાકૃતિઓ રાખવામાં આવી છે જેમાં ભારતની પણ ઝાંખી મળે છે.

ઇસ્લામિક આર્ટના વિભાગમાં ઈરાનના અર્દેબિલમાં બનેલી, હજુ પ્રાપ્ય હોય તેવી વિશ્વની સૌથી પ્રાચીન કાર્પેટ રાખવામાં આવી છે. ઇસ્લામિક હિજરી અનુસાર આ કાર્પેટ ૯૪૬ માં બનાવવામાં આવી છે, જે ઈ.સ. ૧૫૩૯-૪૦ નો સમય દર્શાવે છે. ઈરાનમાં કાર્પેટ બનાવનારનું નામ, તે ક્યાં વિસ્તારમાં અને કઈ સ્ટાઈલમાં બનાવવામાં આવી છે તેનું વિવરણ અને બન્યાની તારીખ કે વર્ષ લખવામાં આવે છે. આ કાર્પેટ ૧૮૪૩ સુધી શેખ સાફી -અલ-દિનની દરગાહમાં રહી અને ત્યારબાદ ભૂકંપથી તે દરગાહ જર્જરિત થતા માન્ચેસ્ટરની એક કંપનીએ તેને ખરીદી. મ્યુઝિયમે ૧૮૯૩માં આ કાર્પેટ £ ૨૦૦૦ માં ખરીદી અને ત્યારથી અહીં જ છે.

આવો જ એક બીજો માનવામાં ન આવે તેવો સુંદર વિભાગ છે ફર્નિચરનો. હા, મ્યુઝિયમમાં એક મોટો વિસ્તાર ફર્નિચરને માટે રાખવામાં આવ્યો છે. પ્રાચીનકાળથી લઈને આજ સુધી કેવા કેવા પ્રકારની ખુરશીઓ, ટેબલ કે અન્ય ફર્નિચર બનતા, ક્યાં બનતા, તેમના નમૂનાઓ અને ઇતિહાસ વિષે સુંદર માહિતી અહીં મળે છે. કાશ્મીરની હાથ નક્શી વાળી ખુરસીનો નમૂનો પણ અહીં છે. પરંતુ થોરનેટ નામના આર્ટિસન દ્વારા બનાવવામાં આવેલી લાકડાની સામાન્ય દેખાતી ખુરસીઓ કે જે આપણને આજે પણ ઘણા ધાબા અને રેસ્ટોરન્ટમાં જોવા મળે છે તેની માહિતી સૌથી રસપ્રદ છે. ૧૮૬૦ થી ૧૯૩૦ ના સમયમાં આ ખુરસી સૌથી વધારે લોકપ્રિય રહી ગણાવી શકાય. થોરનેટના કારખાનાએ ૫ કરોડથી વધારે ખુરસીઓ વિશ્વભરમાં વેચી. પછી તો બીજા લોકો પણ તેની નકલ કરતા થયા. ત્યારે ફર્નિચર માત્ર લાકડાનું જ બનતું. કેવી રીતે વરાળની ભામ્પથી લાકડાને નરમ કરીને તેને વાળીને આ ખુરશી બનાવવામાં આવતી તેનું વર્ણન પણ મ્યુઝિયમમાં મળે છે.
મ્યુઝિયમની ખાસિયત એ છે કે તેની કલાકૃતિઓના સુંદર વિવરણ આપવા અને મુલાકાતીઓને સમજાવવા દર કલાકે અલગ અલગ ગાઈડ ફ્રી ટુર કરાવે છે. તેઓ મ્યુઝિયમના એક-બે વિભાગ પર વધારે ભાર આપે છે અને ૪૫ મિનિટથી ૧ કલાકની આ ટુરમાં તે વિભાગની રસપ્રદ માહિતી પીરસે છે.