કેન્યાના પાંચમા રાષ્ટ્રપતિ ડો. વિલિયમ રુટોએ મંગળવારે પદભાર માટે શપથ લઇ લીધા. તેમની સાથે સાથે ઉપરાષ્ટ્રપતિએ પણ પદભાર કરવાના સપથ ગ્રહણ કર્યાં. આ શપથવિધિ માટે દેશવિદેશમાંથી અનેક મહેમાન આવેલા. ૧૯ દેશના રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન ઉપરાંત કેટલાય દેશના મંત્રીઓ પણ આ સમારોહમાં શામેલ થયા. હજારોની સંખ્યામાં જનમેદની અહીંના એક મોટા સ્ટેડિયમમાં એકથી થયેલી અને તેમની સૌની સમક્ષ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સામે શપથ ગ્રહણ કર્યાં. અહીંના બંધારણ અનુસાર જયારે ચૂંટણીનું પરિણામ માન્ય જાહેર થાય તેના સાત દિવસ પછીના પ્રથમ મંગળવારે રાષ્ટ્રપતિ પોતાની શપથ લે છે. ઉપરાંત બંધારણમાં એવી પણ જોગવાઈ કરવામાં આવી છે કે શપથ વિધિ ૧૦ વાગ્યાથી ૨ વાગ્યાની વચ્ચે યોજવી જોઈએ. આ સમારોહમાં પૂર્વ રાષ્ટ્રપતિ કે જેણે સતા છોડવાની હોય તે પણ હાજર રહે છે અને સમારોહ દરમિયાન તેઓ સત્તાના કેટલાક પ્રતીક જેમ કે સુરક્ષાબળોનુ નૈતૃત્વ દર્શાવતી તલવાર અને એક સૂટકેસ કે જેમાં કેટલાક કાગળ હોય છે તે સૌની સમક્ષ હસ્તાંતર કરવામાં આવે છે. આ બધી પ્રક્રિયા પુરી થાય પછી સુપ્રીમ કોર્ટ દ્વારા હસ્તાંતરને માન્ય જાહેર કરવામાં આવે છે.
આ સમારોહ માટે ભારતથી વિદેશ મંત્રાલયના મિનિસ્ટર ઓફ સ્ટેટ શ્રી વી. મુરલીધરન પણ આવેલા. તેમને એક દિવસના કેન્યાના પ્રવાસ દરમિયાન દિવસ દરમિયાન શપથવિધિમાં હાજરી આપી અને બપોર પછી સ્ટેટ હાઉસમાં યોજાયેલ ભોજન સમારોહમાં ભાગ લીધો. સાંજે તેમણે ભારતીય ઉચ્ચાયોગ દ્વારા ગોઠવાયેલ સાંસ્કૃતિક અને સામુદાયિક કાર્યક્રમમાં હાજરી આપી. આ કાર્યક્રમમાં ૩૫૦ થી વધારે લોકો હાજર રહેલા અને કથક, ભરતનાટ્યમ અને મોહિનીઅટ્ટમ જેવા નૃત્યોની પ્રસ્તુતિ કેન્યામાં રહેતા ભારતીય બાળકોએ કરેલી. એક બીજા સંકૃતિક સમૂહ દ્વારા કેન્યાના આફ્રિકન બાળકો દ્વારા કન્નડ ભાષાના એક લોકગીત પર પ્રસ્તુતિ પણ કરવામાં આવી. બંને કાર્યક્રમો ખુબ રસપ્રદ રહ્યા અને હજાર રહેલા સૌ લોકોને ખુબ પસંદ આવ્યા. મંત્રીશ્રીએ પોતાના વક્તવ્ય દરમિયાન સ્વાહિલી ભાષાના કેટલાક શબ્દો અને વાક્યો ઉચ્ચારીને સૌને ખુશ કરી દીધા. તેમણે ઉપસ્થિત લોકોના યોગદાન અને પ્રગતિને વધાવતા ભારતમાં થઇ રહેલી આર્થિક વૃદ્ધિ અને સરકારની અનેક નીતિઓ અંગે પણ માહિતી આપી. તેમણે સૌની સાથે બેસીને ભોજન પણ લીધું અને મીડિયા સમક્ષ ઇન્ટર્યુ પણ આપ્યા. તેમની ટૂંકી અને સફળ મુલાકાત બાદ મંત્રીશ્રી ઇરિટ્રિયા દેશની રાજધાની અસમારા જવા માટે રવાના થયા.
આ સપ્તાહ દરમિયાન હિન્દી દિવસ પણ કેન્યામાં સારી રીતે ઉજવાયો. હિન્દી ભાષા બોલનારા અને સમજનારા લોકો અહીં ઘણા છે અને ભારતીય મૂળના લોકો પોતાની ભાષા અને સંસ્કૃતિને ખુબ પ્રેમ કરે છે. ભાષાના જતાં, સંવર્ધન અને પ્રચાર પ્રસાર માટે ભારતીય ઉચ્ચાયોગ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં પણ ૧૭૦ જેટલા લોકો હાજર હતા. લોકોએ કવિતાપઠન, વાર્તાવાંચન અને દોહપઠન કરીને હિન્દીની મહિમા વિષે વાતો કરી. વિદેશમાં રહેતા સૌને પોતાની ભાષા તેમજ સંસ્કૃતિ અંગે પ્રેમ જાગે છે અને તે ભારતમાં રહેતા લોકો કરતા વધારે તીવ્ર હોય છે તે વિદેશમાં રહીને મેં જોયું છે.
કેન્યાનું અર્થતંત્ર ભાવવધારા સામે લડી રહ્યું છે અને જનતાને થોડી રાહત મળે એટલા માટે સરકારે પેટ્રોલ ડીઝલના ભાવ તેમજ ખાદ્ય પદાર્થોના ભાવ પર થોડું નિયંત્રણ રાખેલું. પરંતુ નવા રાષ્ટ્રપતિએ આવીને આ નિયંત્રણ ઓછું કર્યું હોવાથી પેટ્રોલના એક લિટરના ભાવ બે દિવસમાં ૧૫૯ શિલિંગથી વધીને ૧૭૯ શિલિંગ થઇ ગયા છે. ડોલર સામે શિલિંગ નબળો પડે તેવી શક્યતા પણ લોકો બતાવી રહ્યા છે. નવી સરકાર સબસીડી ઘટાડીને ઉદ્યોગીકરણને પ્રોત્સાહન આપવા અને ઉત્પાદનનો ખર્ચ જ ઓછો થાય તેવી નીતિ અપનાવશે તેવું રાષ્ટ્રપતિએ પોતાના પ્રથમ વક્તવ્યમાં જ જાહેર કરેલું.