સાતત્ય એવી સંકલ્પના – કંસેપ્ટ – છે જે ક્ષમતાથી આગળ નીકળી જાય છે. શક્તિ અને ક્ષમતા હોય તો સફળ થવાય એ વાત સૌ માને. પરંતુ એ બંનેની ગેરહાજરીમાં પણ જો સાતત્ય હોય તો સફળ થઇ શકાય તે વાત કેટલી સાચી છે તેનો અંદાજ ભાગ્યે જ કોઈને હોય છે. જો કોઈ અઘરું કામ હાથ ધરવું હોય તો લોકો કહે છે કે તાકાત હોય તો શરુ કરજો. કોઈ ક્ષેત્રમાં કસોટીનો સમય હોય ત્યારે સૌ આપણને શું સલાહ આપે છે? શક્તિ વિકસાવવાની કે ક્ષમતા કેળવવાની. ભાગ્યે જ કોઈ કહે છે કે સાતત્ય જળવાઈ રહેશે તો સફળતા જરૂર મળશે. કાચબા અને સસલાની રેસમાં કાચબામાં ક્યાં તાકાત હતી? તેનામાં ક્યાં ક્ષમતા હતી કે તે સસલા સાથે રેસ પણ લગાવી શકે. પરંતુ તેની જીતનું કારણ માત્ર અને માત્ર એક જ હતું – સાતત્ય. ડેવિડ અને ગોલિઆથની લડાઈમાં ટચુકડા ડેવિડે મહાકાય ગોલિઆથને એટલે જ હરાવ્યો કેમ કે તેણે સાતત્ય જણાવ્યું. હાર ન માની. નળમાંથી ટપકતા પાણીના ટીપાને કારણે નીચે રહેલા પથ્થરમાં પણ ખાડો પડી જાય તેનું એકમાત્ર કારણ સાતત્ય. જો આ સાતત્ય ન જળવાય તો સફળતા ન મળે. પરિણામ હાથ ન લાગે.
ભણવામાં નબળો વિદ્યાર્થી કે જે વારંવાર નાપાસ થતો હોય તે જો નિશ્ચય કરી લે કે રોજના માત્ર બે કલાક વાંચશે, અને તેમાં સાતત્ય જાળવે તો તેને પાસ થતા કોઈ ન રોકી શકે. ભલે પછી તેને ગણિતમાં કોઈ ગતાગમ ન પડતી હોય પરંતુ જો તે રોજ ચોપડી લઈને એક કલાક બેસી રહે, ન આવડે તો પણ લાગ્યો રહે, ઉદાહરણ જુએ, શિક્ષકની નોટ જુએ અને જરૂર પડે તો યુટ્યુબના વિડિઓ જોઈ લે કે પછી મિત્રને ફોન કરીને પૂછી લે તો ગણિતની તાકાત નથી કે તે વિદ્યાર્થીના મગજમાં ન બેસે. એવો કોઈ વિષય નથી કે જેની પાછળ લાગ્યા રહીએ તો આપણને તે ન સમજાય. એવું કોઈ કામ નથી કે જેને કરવા સતત મહેનત કરીએ તો તે પૂરું ન થાય. એકવાર શરુ કરેલું કામ જ્યાં સુધી તેના નિશ્ચિત અંતે ન પહોંચે ત્યાં સુધી કોઈપણ સંજોગોમાં તેની પાછળ થોડી થોડી મહેનત કરતા રહેવાથી જ ઈચ્છીત પરિણામ મળે છે. કહેવાનું એમ છે કે પ્રયત્નો પર એક શ્રદ્ધા રાખીને જો થોડા થોડા એફર્ટ લગાડવામાં આવે તો કોણ તમને રોકી શકે?
કેટલીય લડાઈ માણસ એટલા માટે જ હારી જાય છે કેમ કે જીતવાની ઘડી આવે તેની બસ એક ક્ષણ પહેલા હાર માની લે છે. બોક્સિંગની રિંગમાં એક મુક્કો વધારે ખાવાની હિંમત રાખીને જે ખેલાડી ઉભો રહે તેનો વિરોધી હાર માની લેતો હોય છે. વાત માત્ર એક પળ વધારે સાતત્ય જાળવી રાખીને, હિંમત કરીને ટકી રહેવાની છે. જીવન આ જ અડીખમ ઊભા રહેવાની રમત છે. નિષ્ફળતાનો વરસાદ થતો હોય, દુઃખના ડુંગરા ખડકાતા હોય ત્યારે પણ પરિણામની પરવા કર્યા વિના જે ભાયડો પોતાને કરવાનું હોય તે કામ કર્યા કરે તેને કોઈ માયનો લાલ પરાજિત ન કરી શકે. પૂછી લેજો તમારા અંતરમનને કે તાકાત છે પ્રયત્નોનું સાતત્ય જાળવવાની? હિંમત છે અનેક નિષ્ફળતાઓ છતાંય પ્રયાસ ન છોડવાની? જો જવાબ હા મળે તો કોઈ પણ કામ કરવામાં લાગી જજો. કોઈ જ સમસ્યા તમને ડગાવી નહિ શકે, કોઈ વાવાઝોડું તમને ફગાવી નહિ શકે.
કવિશ્રી દિવ્યકાંત ઓઝાએ લખ્યું છે કે “શ્રધ્ધા જ લઈ ગઈ મંઝિલ પર મને, હું રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ”. શ્રધ્ધા અને સાતત્ય જ આખરે માણસને તેના નિર્ધારિત ધ્યેય સુધી પહોંચાડે છે. શ્રદ્ધા સાતત્યનું ઇંધણ છે. જો વ્યક્તિને પોતે જે પ્રવૃત્તિ કરી રહ્યો છે તેના પર જ શ્રદ્ધા ન હોય, તેને પોતે અપનાવેલો માર્ગ યોગ્ય ન લાગતો હોય તો તેની પ્રવૃત્તિમાં તેનું મન લાગતું નથી. આવી સ્થિતિમાં તે પ્રવૃત્તિ ત્યજવાનું કોઈને કોઈ બહાનું શોધે છે. જેથી કરીને સાતત્ય જોખમાય છે. અને જો સાતત્ય ન જળવાય તો સફળતા ન મળે. આ રીતે સાતત્યની આખી શૃંખલા ટકી રહેવાનું કે તૂટવાનું કારણ જ માણસના મનમાં રહેલ આત્મવિશ્વાસ છે, પોતે કરી રહેલ છે તે કામ યોગ્ય હોવા અંગેની શ્રદ્ધા છે. જયારે આ વિશ્વાસ ડગમગી જાય તો માનવીનું મન પણ કમજોર થઇ જાય છે. તેના મનમાં કેટલાય વિચારો આવે છે, તરફેણમાં ઓછા અને વિરુદ્ધમાં વધારે. આવા વિચારો અને મનમાં ચાલતી દલીલો માણસના પ્રયત્નોની અખંડતા ખોરવી નાખે છે. ખંડિત પ્રયત્નોથી મળી શકે તેવું જ પરિણામ આખરે માણસ મેળવે છે અને તેને સંપૂર્ણ સફળતા તો ન જ કહી શકાય.
જો આપણે કેમેય કરીને સાતત્ય જાળવી રાખીએ, અખંડ પ્રયત્ન કરતા રહીએ તો કપરો સમય પણ બદલાય છે, પ્રતિકૂળ પરિસ્થિતિ પણ અનુકૂળ બને જ છે અને મનધારી સફળતા પ્રાપ્ત થાય જ છે.