લંડનમાં થતા આંતરરાષ્ટ્રીય સ્તરના અનેક એક્ઝિબિશન, કોન્સર્ટ અને દેખાવોની વચ્ચે વળી બીજું કૈક નવું બન્યું. ગયા શનિ-રવિવારે અમારી શેરીમાં – હિલ સ્ટ્રીટમાં – વેસ્ટમિન્સ્ટર કાઉન્સિલે પાર્કિંગ અને રસ્તા પરની અવરજવર પર નિયંત્રણ લગાવેલું. ના, એક્સટીનકસન રિબેલિયનને કારણે નહિ. તે તો હજુ ચાલે જ છે અને તેને કારણે ઘણા મુખ્ય રસ્તાઓ બંધ કરી દેવાયા છે. પરંતુ આ નિયંત્રણ હતું ફિલ્મના શુટિંગ માટે.

૧૦૧ દાલમાટિએન્સ ૧૯૯૬માં બનેલી એક હોલીવુડની ફિલ્મ છે. જેમાં ૧૦૧ દાલમાટિએન્સ પ્રકારના કુતરા હોય છે. ફિલ્મમાં એક વિલન હોય છે જે આ ૧૦૧ કુતરાઓને લેવા માટે આવે છે અને કેવી રીતે કુતરા પોતાનો બચાવ કરતા રહે છે તેના આધારિત કોમેડી અને Drama ચાલ્યા કરે છે. તે વખતે ફિલ્મ ખુબ સફળ રહેલી. ૭૫ મિલિયન ડોલરમાં બનેલી આ ફિલ્મે ૩૨૦ મિલિયનની કમાણી કરેલી. તેનો બીજો ભાગ પણ બનાવવામાં આવેલો જે ૮૫ મિલિયનમાં બનેલો અને કમાણી ૧૮૬ મિલિયન થયેલી. હવે તેનો ત્રીજો ભાગ બનાવવામાં આવી રહ્યો છે.

આ કૂતરાની જાતિ ક્રોએશિયાના દાલમંતિયા વિસ્તારમાં ઉદ્ભવી હોવાનું માનવામાં આવે છે. તે સફેદ રંગના અને કાળા ટપકા વાળા હોય છે. અમેરિકામાં તેમનો ઉપયોગ અગ્નિશામક દળોમાં પણ કરવામાં આવે છે. વર્ષ ૧૯૫૬માં બ્રિટિશ લેખક દોડી સ્મિથ દ્વારા લખાયેલ ‘હન્ડ્રેડ એન્ડ વન દાલમાટિએન્સ’ નામની નોવેલની લોકપ્રિયતાથી આ કુતરા બ્રિટનમાં પ્રખ્યાત બન્યા છે. આ નોવેલ પરથી ડિઝની દ્વારા ૧૯૬૧માં એનિમેશન ફિલ્મ પણ બનાવાયેલી. ૧૯૯૬માં પ્રોપર કોમર્શિયલ ફિલ્મ બની. તેની સફળતાને કારણે સિક્વલ ૧૦૨ દાલમાનટિએન્સ પણ બની.

હવે આ ફિલ્મનો ત્રીજો ભાગ આવવાનો છે. તેના શુટિંગ માટે શેરીની એક બિલ્ડીંગ ઉપયોગમાં લેવાઈ રહી છે. ઘણીબધી વાન, ક્રેન અને ક્લાસિક બ્રિટિશ દ્રશ્ય ઉભું કરવા માટે જુના મોડેલની ગાડીઓ આવી છે. જો કે તેમ છતાં લોકોને સમસ્યા ઉભી ન થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. લોકોની અવરજવર પર કોઈ પ્રતિબંધ નથી. વાહનો પણ આવે જાય છે – વચ્ચે પાંચેક મિનિટ માટે રોકવામાં આવે છે. મેઈન રોડ ન હોવાને કારણે એટલો ટ્રાફિક હોતો નથી. રવિવારનો દિવસ પસંદ કરવાનું પણ એ જ કારણ છે કે લોકોને અગવડ ઉભી ન થાય.

આ વિસ્તારમાં વસતા લોકોને બે સપ્તાહ આગાઉથી ઘરે પત્ર દ્વારા અને પાર્કિંગ પોલ્સ પર નોટિસ દ્વારા સૂચના આપી એવામાં આવેલી કે શનિવાર અને રવિવારે રેસિડેન્શિયલ પાર્કિંગ સસ્પેન્ડેડ રહેશે માટે લોકોએ બીજી શેરીમાં પોતાની કાર પાર્ક કરી દેવી.

ફિલ્મના એક્ટર્સ શુટિંગ માટે શેરીના ફૂટપાથ પર ઉભા હોય છે. લોકો સામે નાક ચડાવતા નથી અને લોકો પણ તેમને ઘેરી વળતા નથી. ગ્લેન ક્લોઝ જેવી પ્રખ્યાત એક્ટ્રેસ આ ફિલ્મમાં છે. તેને ૩ પ્રાઈમ ટાઈમ એમ્મી એવોર્ડ્સ, ૩ ટોની એવોર્ડ્સ અને ૩ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ મળેલા છે અને તે સાત વખત એકેડેમી એવોર્ડ માટે નામાંકિત થઇ છે. જો કે અહીં લોકો શુટિંગ જોવા ટોળે વળતા નથી. એક્ટર્સ પણ કોઈની સામે નાક ચડાવતા નથી કે લોકો તેમને ઘેરતા નથી. સૌ એકબીજાને સહજ સ્મિત આપીને પસાર થઇ જાય છે.

પરંતુ સૌને આકર્ષે છે દાલમાટિએન્સ – અમુક દાલમાનટિએન્સને વાનમાં લાવવામાં આવ્યા છે. તેમને બોક્સમાં રાખ્યા છે. શુટિંગમાં તેમનો સીન હોય ત્યારે બિલ્ડિંગમાં લઇ જવામાં આવે છે. તેમને જોઈને લોકો જરૂર આકર્ષાય છે અને તેમને ફોટા પણ વધારે પડે છે. નાના બાળકોને તો આ ફિલ્મ ખુબ પસંદ આવશે. જો ભારતમાં પણ રજુ થાય તો તે સારું એવું ફેમિલી ફન બની શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *