ઊર્ધ્વગમન કૉલમનો આ ૨૦૦મો આર્ટિકલ છે. ૨૦૦ આર્ટિકલ સુધી આપણે આ કોલમના માધ્યમથી લગભગ દર રવિવારે રૂ-બ-રૂ થતા રહ્યા છીએ અને વિચારોનું આદાનપ્રદાન કરતા રહ્યા છીએ. ઊર્ધ્વગમન એટલે આરોહણ, ઊંચાઈ તરફ ગતિ કરવી તે, સફળતા પામવા તરફ પ્રયાણ કરવું તે. તે બાબતને અનુસરીને આપણે વૈચારિક ઊંચાઈઓ સિદ્ધ કરવાના મંત્રને હંમેશા વળગી રહ્યા છીએ અને એટલા માટે જ આ કોલમના વાંચકો પ્રત્યે અનેરા માન અને આદરની લાગણી વ્યક્ત કર્યા વિના રહી શકાય તેમ નથી. પ્રેરણા, મોટિવેશન, સફળતા અને વ્યક્તિત્વ વિકાસ તો આપણી કોલમના મહત્ત્વના ટોપિક્સ રહ્યા જ છે અને તેનાથી આપણો બંનેનો વિકાસ થોડાઘણા અંશે થયો હશે તેવું માનવા હું પ્રેરાયો છું. આપણી આ સહિયારી સફર સારી રીતે ચાલે અને તેનાથી આપણે વૈચારિક ઊર્ધ્વગમન કરીએ તેવી ઈચ્છા છે.

આમ જોઈએ તો આપણી સાડા પાંચસો થી છસો શબ્દની કોલમમાં કોઈ પણ વિષયને વધારે ઊંડાણથી ચકાસી શકાય નહિ પરંતુ આપણો એવો કોઈ ઈરાદો પણ નથી. એકબીજાની બુદ્ધિમત્તા અંગે ઉચ્ચ અભિપ્રાય રાખીને વિષય તરફ અંગુલિનિર્દેશ કરી આગળ વધવાનો સિલસિલો આપણે ચલાવ્યો છે અને તે આપણા બંને માટે સારું છે તેવું પણ માની લઈએ. શબ્દાવલીના ફૂલ બાંધવા જેટલી મોકળાશ આપણને ન મળે તે ખરું પરંતુ તેનાથી કઈ આપણા વિષય વૈવિધ્યને કોઈ મર્યાદા નડી નથી.

આ કોલમમાં કેટલાય વિષયોને આવરી લઈને આપણે ઘણી ચર્ચા કરી છે અને કેટકેટલીય માહિતીની આપ-લે પણ કરી છે. ફિલસૂફીથી માંડીને અર્થશાસ્ત્રની થિઅરીઓ પણ આપણે આ કોલમમાં વાગોળી છે. ક્યારેક બાળકના શિક્ષણ અંગે તો ક્યારેક વૃદ્ધોની માનસિકતા અંગે, ક્યારેક સમાજનું ખામીઓ કે ખૂબીઓ અંગે તો ક્યારેક વ્યક્તિગત ક્ષમતાઓ અને સફળતાઓ અંગે આપણે દર રવિવારે સવારે ચાની ચુસ્કી લેતા લેતા – એકાદ આર્ટિકલ આપણે ચા અંગે પણ કરેલો – એક અનોખા તાદાત્મ્યથી તેમ છતાં એક હેલ્ધી ડિસ્ટન્સ રાખીને વાતચીત કરતા રહ્યા હોઈએ તેવો અનુભવ લઇ રહ્યા છીએ.

લેખક અને વાંચકનો સંબંધ અનેરો હોય છે. તેઓ એકબીજાને મળતાં ન હોવા છતાં નજીકથી ઓળખે છે. એકબીજાથી એટલા દૂર હોય છે કે તેમના ગમાઅણગમા અંગે કોઈ ફિકર કરવાની જરૂર ન હોવા છતાં તેમની પસંદ નાપસંદ ખુબ મહત્ત્વ ધરાવે છે. લેખકને ગમતું હોય પણ વાંચકને ન ગમે તેવું લખે તો સંબંધ તૂટે. વાંચકને ગમતું હોય પણ લેખકને પસંદ ન હોય તો સંબંધ બંધાય જ નહિ. પરંતુ તેમ છતાંય તેઓ એકબીજા પર અનેરો પ્રભાવ પાડતા હોય છે. ધીમે ધીમે તેમની પસંદ નાપસંદ અને ગમાઅણગમમાં પરિવર્તન આવે છે. તેઓ એકબીજાનું સંસ્કાર સિંચન કરે છે અને તેમાં લેખકની જવાબદારી ખુબ મોટી છે તેવું સૌ કહે છે. પરંતુ મને આ લાંબી સફરમાં એ સમજાયું છે કે વધારે મોટી જવાબદારી વાંચકની છે. લેખકના વિચારોને પ્રસ્તુત કરવા દેવાની તક આપવા વાંચક જવાબદાર છે. કોઈ વિચાર અંગે લેખકની રજૂઆત, તેના મંતવ્યો અને તેની પાછળ રહેલો દ્રષ્ટિકોણ ખુલ્લા મને મુકવા દેવાની પરવાનગી આપવા વાંચક બંધાયેલો છે.

જો કૂપમંડૂકતાને કારણે લેખક કે વાંચક અમુક વિષયોને ન સ્પર્શે અથવા તો તેમને અયોગ્ય માનીને વખોડી નાખે તો તેમનો બંનેનો દ્રષ્ટિકોણ સીમિત રહી જાય છે. એટલા માટે જ આપણે અહીં એવા એવા મુદ્દાઓ પણ ચર્ચ્યા છે જેને સમાજમાં પૂરતી સ્વીકૃતિ મળી નથી. વ્યક્તિની લિંગ અને જાતીયતા પસંદગી કરવાના હકથી લઈને સજાતીય સંબંધોને આપણે અહીં સમાવ્યા છે. ક્યારેક રાજનૈતિક અને ક્યારેક ધાર્મિક ઉદારવાદની તરફેણ કરતા આર્ટિકલ પણ લખ્યા છે અને ક્યારેક પરિવારમાં લોકોની જવાબદારી અને તેમાં થતી ચૂક અંગે પણ ખુલ્લી વાત કરી છે.

આવનારા સમયમાં આપણે વધારે ખુલ્લા મનથી, વિચારોને મોકળાશ આપીને, માહિતીની તરસ જાળવી રાખીને ઊર્ધ્વગમન કરતા રહીએ અને આજે છીએ તેનાથી વધારે સારા માનવી બનતા રહીએ તેવી પ્રાર્થના સાથે આપણે નવગુજરાત સમય સમાચારપત્ર, તેના સંચાલકો, તંત્રીશ્રી અજય ઉમટ સાહેબ, મયંક વ્યાસ સાહેબ અને તેમની ખુબ જ સક્ષમ અને સફળ ટીમનો પણ આભાર માનીએ.

લાસ્ટ જંપ:

“માનવીની પ્રગતિ અને સમૃદ્ધિ માટે વિચારો જવાબદાર છે – તેમના વિના આપણે હજી પણ પ્રાગૈતિહાસિક સમયમાં જીવતા હોત. કોઈ જ વિચાર ક્ષુલ્લક નથી, અને દરેક પ્રકારના વિચારોમાં વિશ્વને, સમાજને બદલવાની સંભાવના છે.” – રિચાર્ડ બ્રાન્સન