બ્રહ્માંડની વિશાળતા અને અનંતતા આપણને પોતાના અસ્તિત્વની ક્ષણભંગુરતા અને નિરર્થકતાનો અહેસાસ કરાવે છે. જયારે પણ ખાગોરીશાસ્ત્રમાં બ્રહ્માંડ વિષે વાંચીયે ત્યારે ત્યારે યાદ આવે છે કે આટલી મોટી સૃષ્ટિમાં આપણે અતિ તુચ્છ, નજીવું અસ્તિત્વ ધરાવીએ છીએ. આ વર્ષનું ભૌતિકવિજ્ઞાનનું નોબેલ પારિતોષિક પણ ખગોળશાસ્ત્ર અંગે શોધખોળ કરનારા ત્રણ વૈજ્ઞાનિકોને સંયુક્ત રીતે આપાયું છે.

 નોબેલ કમિટી દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર જેમ્સ પીબલ્સ, મિશેલ મેયર અને ડિડીઅર ક્લોઝ નામના ત્રણ વૈજ્ઞાનિકોને “બ્રહ્માંડના ઉત્ક્રાંતિ અને બ્રહ્માંડમાં પૃથ્વીના સ્થાન વિશેની આપણી સમજમાં ફાળો આપવા બદલ” નોબેલ પુરસ્કાર એનાયત કરાયો છે. બ્રહ્માંડની ઉત્પત્તિથી લઈને તેનો વિસ્તાર, આપણા સૌરમંડળ ઉપરાંતના બીજા ગ્રહમંડળો અંગે માહિતી મેળવવા આ અભ્યાસ ઉપયોગી છે તેવું નોબેલ કમિટીનું કહેવું છે.

આપણા ગ્રહની બહાર આવેલી અપાર્થિવ ચીજો વિષે માહિતી પ્રાપ્ત કરવા માટે જે પ્રયત્નો થઇ રહ્યા છે અને તેમાં જે સફળતા આપણને મળી છે તે માનવજાતની જિજ્ઞાસા અને જ્ઞાનપિપાસા દર્શાવે છે. પરંતુ વધતા જતા માહિતીના અંબાર સાથે આપણને એ અહેસાસ થવો જોઈએ કે આજે આપણે જે સ્થિતિમાં છીએ તે લગભગ 14 અબજ વર્ષો પહેલા બિગ બેંગ ની ઘટના બની ત્યારબાદ સતત ચાલેલી પ્રક્રિયાનું પરિણામ છે.

ઉચ્ચ ઘનતા ધરાવતા એક ગોળામાં થયેલા વિસ્ફોટને કારણે તે ફંગોળાયો ત્યારથી બ્રહ્માંડ વિસ્તૃત થઈ રહ્યું છે. વધારે વિસ્તાર થતા તે મોટું અને ઠંડુ બન્યું. તેના અંગેના આટઆટલા અભ્યાસ પછી પણ આ સમગ્ર અવકાશનો માત્ર ૫% ભાગ મુશ્કેલીથી આપણે જાણી કે સમજી શક્ય છીએ. બાકીનો ૯૫% ભાગ હજુ આપણા માટે અકળ છે, બ્લેક મેટર છે. દીર્ઘ ઉત્પત્તિકાળ અને અનંત વિસ્તાર ધરાવતા આ બ્રહ્માંડની ઉત્પત્તિ, વિસ્તાર અને પ્રકાર અંગે જેટલીએ જાણકારી મેળવીએ તેટલી ઓછી છે.

આ વૈજ્ઞાનિકોએ આપણા સૌરમંડળની બહારનો પ્રથમ ગ્રહ ૧૯૯૫માં શોધી કાઢ્યો. આવા ગ્રહોને એક્ઝોપ્લેનેટ કહે છે. ત્યારથી કરીને આજ સુધીમાં ૪,૦૦૦ થી વધુ એક્ઝોપ્લેનેટની શોધ થઈ છે. આ એક્ઝોપ્લેનેટ એવા ગ્રહો છે જે આપણા સૌરમંડળની બહાર છે. પરંતુ તે આપણી જ ગેલેક્ષી – દૂધગંગા – નો ભાગ છે. વળી તેમનું પોતાનું અલગ સૌરમંડળ પણ છે. આપણું સૌરમંડળ તો દુધગંગા ગેલેક્ષીના કેન્દ્રથી ૩૦,૦૦૦ પ્રકાશવર્ષ દૂર આવેલું છે. એટલે આપણા જેવા કેટલાય સૌરમંડળો હશે અને તેમાં કેટલાય ગ્રહો અને ઉપગ્રહો હશે. આટલા મોટા બ્રહ્માંડમાં આપણી પૃથ્વીનો કઈ ખાસ પ્રભાવ નથી. એવા કેટલાય ગ્રહો હોઈ શકે જેના પર કોઈ પ્રકારનું જીવન અસ્તિત્વ ધરાવતું હોય. એટલે કે એલિયનની – પરગ્રહ વાસીઓની વાર્તાઓ, ફિલ્મો કદાચ સાચી પણ નીકળે.

આ અનંત બ્રહ્માંડમાં આપણું અસ્તિત્વ, એક વ્યક્તિ તરીકે શું માયને રાખતું હશે તેના અંગે શું અનુમાન કરી શકાય? કેટલા લોકોને પોતાના જ્ઞાન, હોદા, ધન કે તાકાતનું અભિમાન હોય છે. પણ આ સમગ્ર રમતમાં તેની ગણતરી ક્યાં થાય? કેટલાય લોકોને દુનિયા બદલવી હોય, પોતાનું નામ કરવું હોય, સમાજમાં પરિવર્તન લાવવું હોય – ખરેખર કોને શું ફરક પડતો હશે? હજારો વર્ષોથી કેટલાય લોકો આ બદલતી દુનિયામાં આવ્યા અને ગયા, કેટલાયે સુલતાન, સમ્રાટ પોતાના અસ્તિત્વને અમર કરવાને સારું કેટલાય પ્રયત્નો કરી ગયા. પણ કેટલા વર્ષો સુધી તેમના અસ્તિત્વનો પ્રભાવ રહ્યો? એમાંના કેટલાક વાર્તાઓમાં એક પાત્ર બનીને રહી પણ જાય તોય શું?

તેમ છતાંય, સૌને એક હરીફાઈમાં દોડવું છે. કોઈનાથી આગળ નીકળવું છે. સતત ભ્રમણ કરતી આ પૃથ્વીમાં આપણે વાસ્તવિક રીતે, સાપેક્ષ અંતર કાપી શકીએ ખરું? કોઈનાથી આગળ નીકળીએ તો કેટલા સમય માટે? ક્યાં ક્ષેત્રમાં? તેના અંગે ક્યારેય વિચાર્યા વિના આપણે જે સ્પર્ધાત્મક દુનિયામાં ઝંપલાવ્યું છે તે પાતાળચુંબી સાગરના ઊંડાણની સપાટી પર છબછબિયાં કરવાથી વધારે કઈ જ નથી.

આ વાતનો અહેસાર સતત રહે, પોતાની ક્ષણભંગુરતા અને પોતાના નજીવા અસ્તિત્વનું ભાન થયા કરે એટલા માટે આપણે સૌએ સમયે સમયે ખગોળશાસ્ત્ર વાંચતા રહેવું જોઈએ. જો આ વાસ્તવિકતાને ભૂલીને આપણે કઈ ઉહાપોહમાં રાચતા હોઈએ તો પાણી ભરેલી ટાંકીમાં સળવળતા પુરા અને અનાયાસે ચાલી જતી દુનિયામાં દોડમદોડ કરતા માનવીઓ વચ્ચે શું ફરક છે? 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s