હોલીવુડની ફિલ્મ ‘જોકર’ ઓક્ટોબરની શરૂઆતમાં રિલીઝ થઇ ત્યારથી જ ધૂમ મચાવી રહી છે. ૨૦૦૮માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ડાર્ક નાઈટ’માં પ્રથમ વખત જોકરની એન્ટ્રી સોનેરી પરદા પર થયેલી. ઓસ્ટ્રેલિયન એક્ટર હીથ લેજરે ડાર્ક નાઈટમાં જોકરનું પાત્ર બખૂબી નિભાવીને શાનદાર અભિનય આપેલો. દુઃખદ વાત એ રહી કે હીથ લેજરનું અવસાન પણ ૨૦૦૮માં જ થઇ ગયું અને આ ફિલ્મ તેના મરણોપરાંત રિલીઝ થયેલી. પરંતુ ત્યારથી જોકરનું પાત્ર હોલીવુડ માટે અમર બની ગયું.

ઓરિજિનલી ૧૯૮૮માં પ્રસિદ્ધ થયેલ કોમિક નોવેલ ‘બેટમેન: ધ કિલિંગ જોક’ ના પાત્ર પરથી જ આ જોકરનું કેરેક્ટર લેવામાં આવેલું છે. ૪ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ રિલીઝ થઈને વિશ્વભરમાં ધૂમ મચાવી રહેલી આ ‘જોકર’ ફિલ્મમાં મુખ્ય કિરદાર એટલે કે જોકરનું પાત્ર અમેરિકન પ્રસિદ્ધ એક્ટર જેકલીન ફિનિક્સ દ્વારા નિભાવવામાં આવ્યું છે. ફિનિક્સ અત્યાર સુધીમાં એક ગ્રેમી એવોર્ડ અને એક ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીતી ચુક્યો છે. ત્રણ વખત તેનું એકેડમી એવોર્ડ માટે નામાંકન પણ થયું છે.

જોકર ફિલ્મની પ્રસંશા કરવામાં બધા જ ફિલ્મ વિવેચકો એકસાથે થઇ ગયા હોય તેવું લાગે છે. દર્શકોએ પણ ફિલ્મને ખુબ વધાવી છે. હજુ બે અઠવાડિયાની અંદર અંદર જ આ ફિલ્મે ૬૦૦ મિલિયન ડોલરની કમાણી કરી લીધી છે અને હજી વધારે કરશે તેમાં કોઈ શંકા નથી. શક્ય છે કે એક બિલિયનનો આંકડો પણ વટાવી જાય. તેને બનાવવાનો ખર્ચ માત્ર ૫૫-૭૦ મિલિયનની વચ્ચે થયો હોવાનો અંદાજ છે. લો બજેટ ગણાવી શકાય તેવી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર હાઉસફૂલના પાટિયા લગાડી દીધા.

જેકલીન ફિનિક્સનો અભિનય સૌએ વખાણ્યો અને તેણે જે રીતે એક નિષ્ફળ કોમેડિયન, માનસિક રોગથી પીડાતા અને સમાજથી કચડાયેલા વ્યક્તિનું પાત્ર ભજવ્યું તે ફિલ્મ દરમિયાન સ્પૃહા જન્માવે છે. ફિલ્મમાં જોકર દયનિય છે. પરંતુ ‘ડાર્ક નાઈટ’ની સ્ટોરીના સાતત્યમાં જોકર દ્વારા સર્જવામાં આવતી અરાજકતાને પણ આ ફિલ્મમાં સાંકળવામાં આવી છે. ગોથામ શહેરના ધનાઢ્ય ઉદ્યોગપતિ વાઈન કોર્પોરેશનના માલિકને મેયરની ચૂંટણી માટે રસ ધરાવતો બતાવવામાં આવે છે. એક તુચ્છ ગણાવી શકાય તેવો ડિપ્રેશનની ગોળીઓ લેતો અને માંડ માંડ ગુજરાન ચલાવીને પોતાની માં સાથે રહેતો જોકર આખરે અરાજકતાનો સરતાજ બની જાય છે. અસંતુષ્ટોની પ્રેરણા બની જાય છે.

આ ફિલ્મ અંગે કેટલાક વિવેચકોની ફરિયાદ છે કે તેનાથી વાસ્તવિક જીવનમાં લોકો અરાજકતા તરફ ધકેલાઈ શકે. તેમની વાત સાચી છે. આ ફિલ્મમાં તાકાત છે લોકોને સ્થાપિત તંત્ર સામે અવાજ ઉઠાવવા વિચારતા કરી મુકવાની. સ્થાપિત હિતો નીચે કેવી રીતે એક વર્ગ હંમેશા કચડાય છે અને લોકો તેની નોંધ પણ નથી લેતા તે ભયાનક હકીકતને જોકરમાં અસરકારક રીતે દર્શાવવામાં આવી છે.

ફિલ્મ કોમર્શિયલ ધોરણે રિલીઝ થઇ તે પહેલા ૩૧ ઓગસ્ટના રોજ તેનું ૭૬માં આંતરરાષ્ટ્રીય વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર કરવામાં આવેલું અને તેમાં આ ફિલ્મને ગોલ્ડન લાયન એવોર્ડ પણ મળેલો. મુખ્ય અભિનેતા તરીકે જેકલીન ફિનિક્સ એક ક્ષણ માટે પણ કાચો પડતો નથી. સાથે રોબર્ટ ડી નીરો જેવો સબળ અભિનેતા છે જે ફિલ્મને વધારે મજબૂતી આપે છે. ડાર્ક નાઈટમાં પણ હીથ લેજર જેવા જબરદસ્ત અભિનેતાએ જોકરના કિરદારને અમર બનાવી દીધેલું અને હવે જેકલીન ફિનિક્સની અસર પણ કઈ ઓછી અંકાય તેવી નથી.

જો કે જેવું મોભાદાર પાત્ર જોકરનું ડાર્ક નાઈટમાં હતું તેવું જોકરમાં નથી. ડાર્ક નાઇટનો જોકર પાવરફુલ છે, તે ફિલ્મના બધા જ પાત્રોને ઝાંખા પડી દે છે. તેના ડાઈલોગ લોકો આજે પણ ક્વોટેશન તરીકે ઉપયોગમાં લે છે. ‘ગો ટુ હેલ’ જેવો એટીટ્યુડ અને ‘આઈ એમ એવરીથીંગ’નો જે મોભો ડાર્ક નાઈટના જોકરે ઉભો કરેલો તે આ ફિલ્મનો જોકર કરી શકતો નથી. પરંતુ પુરી ફિલ્મ દરમિયાન એવું લાગ્યા કરે છે કે ડાર્ક નાઇટનો જોકર જાગશે ખરો. અને આખરે જાગે પણ છે. ફિલ્મના અંતે લાગે છે કે હવે પછીની સિક્વલમાં જોકર વધારે પાવરફુલ હશે. આ ફિલ્મમાં તેને જે સ્ટેટસ મળ્યું છે, શહેરીજનોએ જે રીતે તેના અરાજકતાના કોલને ઝીલ્યો છે તે હવે પછીના ભાગમાં વધારે જામશે તેવા આશાર છે.

ટોડ ફિલિપ્સ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ટોડ ફિલિપ્સ અને સ્કોટ સિલ્વરે મળીને લખી છે. ૨૦૧૪-૧૫માં જેકલીને લો બજેટની કેરેક્ટર સ્ટડી ફિલ્મ કરવામાં રસ દેખાડેલો અને આ ફિલ્મમાં તેને તે ચાન્સ મળી ગયો. સાઈકોલોજિકલ થ્રિલર – મનોવૈજ્ઞાનિક રોમાંચક કથાની શ્રેણીમાં આ ફિલ્મને મૂકી શકાય પરંતુ થોડી ડાર્ક સાઈડ એટલે કે છાયાવાદી વલણ વધારે દેખાય છે. આ ફિલ્મના નિર્દેશન, વાર્તા લેખન, અભિનય વગેરે ક્ષેત્રની પ્રશંસા થઇ રહી છે અને તે સારા એવા એવોર્ડ જીતે તેવી શક્યતા છે.

One thought on “જોકર : ફિલ્મ રિવ્યુ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s