સાંજે ટીવી જોતા જોતા સોફા પર બેઠા હોઈએ, પગ પર પગ ચડાવ્યો હોય, હાથમાં રિમોટ હોય અને એક પગ થરકતો હોય તેવી સ્થિતિને સુખ, શાંતિ કે વૈભવની નિશાની ગણાવી શકાય. જેમ જેમ મન મનોરંજનમાં પરોવાતું જાય, આનંદની લહેરો શરીરમાં દોડવા લાગે તેમ તેમ પગની ગતિ વધવા માંડે. આ સ્થિતિ જોઈને કોને એવો વિચાર આવે કે તે એક બીમારી હોવાની શક્યતા છે!

આપણને નાની મોટી ઘણી બીમારીઓ વિષે ખબર હોય, પરંતુ કેટલીક એવી બીમારીઓ પણ છે કે જેના વિષે આપણે ભાગ્યે જ ધ્યાન આપ્યું હોય. કયારેક આવી બીમારીઓને આપણે આદત ગણીને ટાળી દઈએ છીએ. આવી જ એક બીમારી કે ક્ષતિ છે – રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ. તેમાં માણસને પોતાના પગ હલાવવાની તાલાવેલી રહે છે. વ્યક્તિ પોતાના પગ હલાવ્યા કરે છે અને વધારે ઝંખના થાય તો જમીન પર ઘસડાવાની ઈચ્છા પણ થઇ શકે!

આવી પગ હલાવવાની આદત પણ કાંઈ બીમારી હોઈ શકે? હા, આપણે ઘણીવાર તેને અવગણતા હોઈએ છીએ અને આપણને લાગે છે કે તે તો આપણા નિયંત્રણની વાત છે. પરંતુ આ આદત છે કે આપણી જાણ બહાર આવી ગયેલી બીમારી? આવી ઝંખના શા માટે થાય છે તેના પણ કારણો હોય છે.

રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમના અનેક કારણો પૈકીનું એક કારણ છે વંશપરંપરાગત બીમારી. આ બીમારી જો વારસાગત થવાની હોય તો તે ચાલીસ વર્ષની ઉમર સુધીમાં દેખાય જાય છે. માતા-પિતાની આનુવંશિક અસરથી પણ આ બીમારી થઇ શકે છે.

બીજું કારણ છે ડોપામાઇનની કમી. માનવીનું મગજ સ્નાયુઓના હલનચલનને નિયંત્રણ કરવા કેટલાક પ્રકારના કેમિકલનું ઉત્સર્જન કરે છે. તે પૈકીનું એક છે ડોપામાઈન. ડોપામાઇનનું ઉત્સર્જન ઓછું થવાથી સ્નાયુ પર નિયંત્રણ ઘટે છે અને રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ થઇ શકે છે. તેને પરિણામે સ્નાયુમાં ઝટકા આવવા કે સ્નાયુનું અનિયંત્રિત હલનચલન થવા જેવી ઘટના બની શકે છે. આમેય સાંજ પડતા કુદરતી રીતે જ ડોપામાઈન ઘટવા માંડે છે અને તે જ કારણ છે કે જેને રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ હોય તેના પગની ગતિ રાત્રે વધારે જોવા મળે છે.

આ ઉપરાંત એક કારણ છે એનેમીયા. લોહીમાં આયરનની, લોહતત્વની કમી હોવાથી પણ રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ થઇ શકે. એક રીતે તો લોહતત્વની કમીથી ડોપામાઇનું ઉત્સર્જન પણ ઘટે છે અને પરિણામે આ બંને કારણો એકબીજા સાથે સંકળાયેલા છે. બીજી કેટલીક બીમારીઓ, જેમ કે કિડનીની ખામી, પાર્કિન્સનનો રોગ, ડાયાબિટીસ, થાઇરોઇડ ગ્રંથિની નિષ્ક્રિયતા વગેરે પણ આ સિન્ડ્રોમ માટે જવાબદાર ગણાવાય છે.

આવા કારણોથી પણ સાંજે ટીવી જોતા જોતા આપણા પગ થરકતા હોઈ શકે છે. એટલે એકવાર પગને નાચતા અટકાવીને ચકાસી લેવું જોઈએ કે આપણે તેને થરકાવીએ છીએ કે તે આપમેળે જ, અનિયંત્રિત રીતે થરકી રહ્યા છે? જો એવું બની રહ્યું હોય તો આ પૈકીનું કોઈ કારણ તો જવાબદાર નથી ને તેની ખાતરી કરવી જોઈએ. આ બીમારી જીવલેણ નથી. તેનાથી અન્ય કોઈ ખતરનાક અસર ઉભી થતી નથી પણ તેને કારણે નીંદ્રાવિક્ષેપ થઇ શકે કે વ્યક્તિ હતાશામાં જઈ શકે તેવું બને છે.

આવી નજીવી બીમારીઓનો શિકાર આપણે ક્યારે બની જઈએ તેની ખબર પણ નથી હોતી. ક્યારેક આપણે એવી આદતો પાડી લેતા હોઈએ છીએ જે આપણને બિનહાનિકારક જણાતી હોય પરંતુ તેની કોઈ છુપી અસરો થઇ શકે છે. એટલા માટે સલાહનીય તો એ છે કે બિનજરૂરી આદતો કેળવવી નહિ અને શરીરને જેટલું બને તેટલું સરળ રીતે રહેવા દેવું. સ્ટાઇલ માટે પણ આવી બેકાર આદતો ન પાડવી.

આજે સાંજે ટીવી જોતા જોતા તમારા પગ થરકે છે કે કેમ તે જરા જોઈ લેજો.  

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s