નવું વર્ષ આવવાની તૈયારીમાં છે. દર વર્ષે તો આપણે એવું કહેતા હોઈએ છીએ કે આ વર્ષનું સરવૈયું કરીએ અને વર્ષ દરમિયાન કેટલી પ્રગતિ થઇ તેની નોંધ કરીએ. આવનારા વર્ષના ટાર્ગેટ સેટ કરવા તથા ગયેલા વર્ષનો હિસાબ માંડવો તે વર્ષના છેલ્લા અઠવાડિયામાં જરૂર થવું જોઈએ. પરંતુ ૨૦૨૦નું વર્ષ તો એવું અલગ હતું કે તેના અંગે કેવી રીતે હિસાબ માંડી શકાય? જો તેનો હિસાબ કરીએ તો તેના માપદંડ શું હોવા જોઈએ? કોરોનાના સમયમાં આપણે જે પરિસ્થિતિમાંથી પસાર થયા છીએ તેને કારણે ભાગ્યે જ એવો કોઈ બિઝનેસ કે નોકરી હશે જેને અસર નહિ પડી હોય. કોઈનું કામ ઠપ્પ થઇ ગયું તો કોઈનું કામ અતિશય વધી ગયું. કોઈને ફાઇનાન્સિયલ લોસ તો કોઈને અણધાર્યો ફાયદો થયો છે. એટલા માટે આ વર્ષના માપદંડ અલગ જ રાખવા જરૂરી છે.

તો ચાલો આપણે ગયેલા વર્ષ ૨૦૨૦નો હિસાબ કરવાના માપદંડ અને હવે પછી ક્યારેય પણ ગોલ સેટ કરીએ, કે નવા ટાર્ગેટ નક્કી કરીએ ત્યારે પૃષ્ઠભૂમિમાં રાખવા જેવા પરિમાણો અંગે વિચાર કરીએ.

૧. જીવતા હોવાની હકીકતને પણ એક રીતે ઉજવવા જેવી છે: જે રીતે કોરોનાઅને કારણે વિશ્વભરમાં લાખો લોકોના જીવ ગયા છે તે જોતા એવું લાગે છે કે જીવન ખરેખર જ ક્ષણભંગુર છે. આપણે જીવતા છીએ તે પણ એક રીતે એક સફળતા છે, સિદ્ધિ છે. તેની પણ ઉજવણી થવી જોઈએ. તેને તો સૌથી મોટી એચીવમેન્ટ માનવી જોઈએ. તો તમારી ડાયરીમાં ૨૦૨૦ની સિદ્ધિઓ લખો ત્યારે સર્વાઇવલ અંગે, જીવતા હોવા અંગે જરૂર લખજો.

૨. તંદુરસ્તી જાળવવી એ પ્રાથમિકતા હોવી જોઈએ: શારીરિક તંદુરસ્તીને ઘણીવાર આપણે પ્રગતિ કરવાના ચક્કરમાં પાછળ છોડી દેતા હોઈએ છીએ. તેવું ન થવું જોઈએ તે આપણને કોરોનાના સમયે શીખવ્યું છે. પહેલું સુખ તે જાતે નર્યા તે વાત અત્યારથી વધારે આપણા જીવનમાં ક્યારેય વધારે સારી રીતે સાબિત નહિ થાય. આ વર્ષ દરમિયાન જેમની રોગપ્રતીકારકતા સારી હતી તેઓ વધારે સારી રીતે પોતાનો બચાવ કરી શક્યા છે. ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ વારંવાર એ વાત પર ભાર મુક્યો છે કે રોગપ્રતીકારકતા જાળવી રાખો. શારીરિક તંદુરસ્તી સાચવો અને તંદુરસ્ત રહો.

૩. માનસિક શાંતિ અને સંતોષ વિના બધી જ સિદ્ધિ નકામી છે: આપણે સમગ્ર વિશ્વને મનના ચક્ષુઓથી જોઈએ છીએ. જો મન ગમગીન હોય તો આસપાસ બનતું બધું જ દુઃખદાયી લાગે. જો મન પ્રફુલ્લિત હોય તો આપણે સારી રીતે જીવનને સર્વાંગી રીતે માણી શકીએ છીએ. એટલા માટે મનને હંમેશા સારા વિચારોનો ખોરાક આપ્યો કરવો અને તેને લીલા રંગના ચશ્મા પહેરાવીને રાખવા જરૂરી છે જેથી હંમેશા હરિયાળી નજરે ચડે. માનસિક શાંતિ માટેના બનતા બધા જ ઉપાયો તો કરવા જ જોઈએ પરંતુ તેની સાથે સાથે જીવનમાં સંતોષ મેળવવાનો પ્રયત્ન પણ આદરવો જ જોઈએ.

૪. સંપત્તિ અને ધનનું મહત્ત્વ જીવનમાં છે તે સ્વીકારવું રહ્યું: જયારે કોરોનાનો સમય આપણી સામે આવીને ઉભો અને લોકોના નોકરી ધંધાને અસર પાડવા લાગી ત્યારે આપણને સમજાયું કે જે લોકો પાસે બચત હતી, થોડાઘણા પૈસા હતા અને તેને સાચવી રાખેલા તેઓની ગાડી ચાલી ગઈ પરંતુ જેને બેદરકારી કરીને જરાય બચત કરી નહોતી તેમને ખુબ મુશ્કેલી પડી. જેમને કામધંધા પર ધ્યાન ન આપ્યું હોય તેઓને પણ સમજાયું હશે કે સારું જીવન જીવવા માટે, પોતાની અને પરિવારની જરૂરિયાતો પુરી કરવા માટે પૂરતા પ્રમાણમાં ધન અને સંપત્તિ હોવા જરૂરી છે. લક્ષ્મી ગ્રાહ્ય છે, ત્યાજ્ય નથી તે વાત આપણે સમજવી પડશે અને તેને પૂજ્ય માનવી પડશે. જેથી કરીને આપણે કે પરિવારના લોકોને કોઈની સામે હાથ ફેલાવવાનો વારો ન આવે.

૫. આપણે કોઈની સાથે રેસમાં નથી: જીવન જેટલું અનિશ્ચિત છે તે આપણે ૨૦૨૦ દરમિયાન જોઈ લીધું. આપણે કોઈનાથી આગળ નીકળવા માટે દોડવાની જરૂર નથી. આપણી પોતાની પ્રાથમિકતાઓ શું છે તેના પર ધ્યાન આપવું જરૂરી છે. કોઈની પાછળ રહી ગયાનો વસવસો કે કોઈનાથી આગળ નીકળી ગયાનો આનંદ ક્ષણિક જ હોય છે. ક્યારેક તે રેસને કારણે આપણે ઘણો સમય અને એનર્જી વેડફી નાખીએ છીએ ત્યારે સમજાય છે કે તે નકામું હતું. આટલા અનિશ્ચિત અને કદાચ ટૂંકા જીવનમાં આપણે પોતાના અને પરિવાર માટે જીવવાનું છે તે મનમાં ગાંઠ વાળવા જેવું જ્ઞાન છે.

આવનારું વર્ષ સારું જાય અને તેમાં આપણે તંદુરસ્ત, પ્રફુલ્લિત, સંતુષ્ટ, સમૃદ્ધ અને સ્વકેન્દ્રી જીવન જીવીએ તેવા પ્રયત્નો કરવાના છે. તેના માટે જે કોઈ રીતે પણ ટાર્ગેટ સેટ કરો, ગોલ બનાવો, પ્લાંનિંગ કરો, તેની પાછળ આ પાંચેય પરિબળો હાજર હોવા જોઈએ.

Don’t miss new articles