વર્ષ ૨૦૨૦ યુકે માટે ખુબ મહત્ત્વપૂર્ણ તેમજ પડકારરૂપ રહ્યું છે. ૩૧મી જાન્યુઆરી ૨૦૨૦થી યુકેનો બ્રેક્ઝિટ માટેનો ટ્રાન્ઝિટ પીરીઅડ શરુ થયેલો અને આખું વરસ બ્રેક્ઝિટ ડીલ થશે કે નહિ તેના અંગે અટકળો ચાલતી રહી. બંને પક્ષ વચ્ચે વાતચીતમાં પણ ચડ ઉતર દેખાતી રહી. એક સમયે તો બંને પક્ષે ડીલ અંગેની વાતચીત પણ બંધ કરી દીધેલી. પરંતુ આખરે ક્રિસમસ ઇવ એટલે કે ૨૪મી ડિસેમ્બરે સાંજે યુકેના પ્રઘાનમંત્રી બોરિસ જોહ્ન્સને જાહેર કર્યું કે યુકે અને ઇયુ વચ્ચે બ્રેક્ઝિટ ડીલ થઇ ગઈ છે. જો કે આ સંપૂર્ણ કરાર નથી, કેટલાય મુદ્દાઓ પર હજી સહમતી સાધવાની બાકી છે પરંતુ ક્રિસમસ પર લોકોને ભેંટ રૂપે આ ડીલ સરકારે આપી છે.
યુકેમાં કોરોનાને કારણે મૃત્યુદર ખુબ ઊંચો રહેલો અને તેને કારણે ૨૩મી માર્ચે યુકેમાં સંપૂર્ણ લોકડાઉન લગાવાવમાં આવેલું. ત્યારબાદ ધીમે ધીમે કોરોના પર નિયંત્રણ આવ્યું અને સરકારે શાળા અને બિઝનેસ શરુ કરવાની પરવાનગી આપી. ઓગસ્ટ મહિનામાં તો ચાન્સલર ઓફ એક્સચેકર રિશી સુનકે ‘ઈટ આઉટ તો હેલ્પ આઉટ’ સ્કીમ કાઢીને રેસ્ટોરન્ટમાં ૫૦% નું બિલ સરકાર તરફથી આપવાની યોજના બનાવી. જે લોકોના ધંધામાં ખોટ આવી રહી તેઓ કામદારોને ઘરે બેસાડે તો ૮૦% પગાર સરકાર આપે તેવી યોજના પણ બનાવી. નાના-મોટા બિઝનેસને લોન આપવાની અને મકાનના કે દુકાનોના ભાડામાં છૂટછાટ આપવાની સરકારી યોજનાઓ બનાવીને રિશી સુનક લોકપ્રિય બની ગયા હતા.
કોરોના સામેની લડતમાં સરકારે અને લોકોએ પોતપોતાનાથી બનતા ખુબ પ્રયત્નો કર્યો અને કેટલાક લોકોએ આ સ્થિતિમાં ફાયદો ઉઠાવ્યો તો કેટલાકે લોકો માટે યોગદાન પણ આપ્યું. ૯૯ વર્ષના નિવૃત કેપ્ટન મૂરે એવું જાહેર કર્યું કે તેઓ પોતાના ૧૦૦માં જન્મદિવસ સુધીમાં પોતાના ગાર્ડનના ૧૦૦ ચક્કર લગાવશે અને તેના દ્વારા સરકારી આરોગ્ય સેવા માટે એક હજાર પાઉન્ડનું કન્ટ્રીબ્યુશન ભેગું કરશે પરંતુ આ વૃદ્ધ વ્યક્તિના પ્રયત્નોની લોકોએ ખુબ સરાહના કરી અને તેમના ૧૦૦ ચક્કર પુરા થયા ત્યાં સુધીમાં લોકોએ ઓનલાઇન ૩૨ મિલિયન પાઉન્ડ કન્ટ્રીબ્યુટ કર્યા. તેમની આ અતિવિશિષ્ટ સેવા માટે કવિન દ્વારા તેમને નાઇટહૂડ આપવામાં આવ્યું એટલે કે ‘સર’નું બિરુદ મળ્યું અને તેમને કર્નલનો માનદ રેન્ક પણ અપાયો.
ધીમે ધીમે કોરોના ફરીથી માથું ઊંચકવા લાગ્યો અને નવેમ્બરમાં એક મહિનાનું લોકડાઉન લગાવીને સરકારે એવી આશા સેવી હતી કે ડિસેમ્બર મહિનામાં નાતાલના તહેવારોમાં ફરીથી લોકોને છૂટછાટ મળશે. પરંતુ થયું એવું કે યુકેમાં કોરોનાનો નવો સ્ટ્રેઇન મળ્યો અને તે ખુબ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાથી યુકે ફરીથી આકરા લોકડાઉનમાં ગયું. ક્રિસમસની રજાઓ લોકોએ પોતપોતાના ઘરોમાં વિતાવી. લોકો પોતાના પરિવારને પણ મળી શક્યા નહિ. નવું વર્ષ પણ લોકોનું પોતપોતાના ઘરમાં જ વીતી રહ્યું છે. કેટલાય દેશોએ યુકે આવતી જતી ફ્લાઇટ બંધ કરી દીધી છે. એ વાત નોંધનીય છે કે ફાઇઝરની વેક્સિનને મંજૂરી આપનાર યુકે પ્રથમ દેશ બન્યો અને ૨જી ડિસેમ્બરથી અહીં રસી આપવાનું શરુ થઇ ગયું છે. ત્યારબાદ ૩૦મી ડિસેમ્બરે યુકે સરકારે ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની વેક્સિનને પણ મંજૂરી આપી દીધી છે અને તેના ૧૦૦ મિલિયન ડોઝ ઓર્ડર કરી દીધા છે. એ વાત પણ જાણવા જેવી છે કે ઓક્સફર્ડની આ રસીનું ઉત્પાદન પૂનામાં આવેલી ભારત સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં થઇ રહ્યું છે. કોરોના દરમિયાન ભારતમાં બનતી દવાઓ અને માસ્ક તથા બીજા કોરોનાને લગતા ઉત્પાદનો લગભગ ૧૫૦ દેશોમાં મોકલવામાં આવ્યા છે અને તેમાં યુકે પણ એક છે જેના માટે યુકેની સરકાર ભારતનો આભાર વ્યક્ત કરવાનું ચુકી નથી.
આ વર્ષમાં જ યુકેની રાજાશાહીને મોટો ઝાટકો લાગેલો જયારે પ્રિન્સ હેરી અને તેની પત્ની મેગન માર્કલે એવી જાહેરાત કરી કે તેઓ રાજપરિવારની બધી સત્તા અને જવાબદારી છોડી દેશે. બ્રેક્ઝિટનાં માહોલમાં મેગનની એક્ઝીટની આ પ્રક્રિયા મેગ્ક્ષીટ તરીકે ઓળખાઈ. ત્યારબાદ પ્રિન્સ હેરી અને મેગાન કેનેડા રહેવા જતા રહ્યા અને ત્યાં ૧૧ મિલિયન ડોલરનો બંગલો લેવા માટે ફરીથી ચર્ચામાં આવ્યા. ત્યારબાદ આ દંપતીએ જાહેર કર્યું કે તેઓએ નેટફ્લિક્સ સાથે ૭૫ મિલિયન ડોલરનો પાંચ વર્ષનો કોન્ટ્રાકટ કર્યો છે જેના અંતર્ગત તેઓ અનેક પ્રોગ્રામ નેટફ્લિક્સ માટે બનાવશે.
સ્કોટલેન્ડ આમ તો સ્કોચ વીસ્કી માટે જાણીતું છે અને ત્યાંની કુદરતી સુંદરતાને કારણે લોકો પ્રવાસ માટે આવતા હોય છે પરંતુ આ વર્ષ દરમિયાન સ્કોટલેન્ડમાં સરકારે મહિલાઓને માસિકધર્મને લગતા ઉત્પાદનો – સેનેટરી પ્રોડક્ટ – ફ્રી આપવાની જાહેરાત કરી છે. આ રીતે સ્કોટલેન્ડ વિશ્વનો સૌથી પહેલો દેશ બન્યો જ્યાં સેનેટરી પ્રોડક્ટ મહિલાઓને ફ્રી આપવામાં આવશે.