ફરવા જવા માટે જાતે મુસાફરી કરવી જરૂરી છે? ઘરમાં બેસીને અમેરિકા જોઈ શકાય? ઈચ્છા થાય તે શેરીમાં ફરી શકાય? ટીવીમાં જોવાની વાત નથી. ટીવીના કેમેરા ફરે તે પ્રમાણે દુનિયા તો આપણે જોતા આવ્યા છીએ. પરંતુ હવે ટેક્નોલોજી એટલી આગળ વધી રહી છે કે આપણે ઘરે બેઠા બેઠા વિશ્વના કોઈ પણ ખૂણામાં ફરતા હોવાનો અનુભવ કરી શકીશું. ડિજિટલ ટેલિપોર્ટેશનના નામે ઓળખાતી આ ટેક્નોલોજી અત્યારે તેના એડવાન્સ સ્તરે છે.

વર્ચ્યુઅલ રિયાલિટી અને ઓગમેન્ટેડ રિયાલિટી જેવી તકનીક, કેમેરા ફિટ કરેલા ડ્રોન અને 5G ઈન્ટરનેટના સમન્વયથી આપણે ઘરે સોફા પર બેઠા હોઈએ, આપણું ડ્રોન અમેરિકાની શેરીમાં કે એમેઝોનના જંગલમાં ઊડતું હોય, તેમાં લાગેલા 3D કેમેરામાં ઝડપાતી તસવીરો અને માઇક્રોફોનથી પકડાતા અવાજ તરત જ 5G ની સ્પીડથી આપણા વર્ચ્યુઅલ રિયાલિટી સેટમાં આપણી આંખો અને કાનમાં પ્રવેશતા હોય તેવું જલ્દી બની શકશે. ઉપરાંત ડ્રોનનું રિમોટ આપણા હાથમાં હોવાથી જે ખૂણામાં જોવું હોય, જેટલા ઊંચા ઉડીને જોવું હોય, જેટલી વાર અને જેટલી નજીકથી જે કઈ જોવું કે સાંભળવું હોય તે પણ આપણે નિયંત્રિત કરી શકીશું. આવી ટેક્નોલોજીને કારણે વર્ચ્યુઅલ ટ્રાવેલ એટલે કે આભાષી પ્રવાસ શક્ય બનશે.

એક સ્થળે બેઠા બેઠા પૂરગ્રસ્ત વિસ્તારો કે અન્ય આફતગ્રસ્ત વિસ્તારોનું પરીક્ષણ કરી શકાય તેવું જલ્દી બનશે. ઈઝરાઈલના સૈનિકો તો આવા ડ્રોનનો ઉપયોગ કરીને ગાઝાના વિસ્તારોમાં દેખરેખ રાખે છે તેવું સમાચારોમાં આવ્યું છે. સૈનિકોએ જાતે જીવને જોખમમાં મૂકીને તપાસ કરવા જવું પડે, શોધખોળ કરવી પડે તે સમય જતો રહ્યો. હવે તેમના હાથમાં રહેલા રિમોટથી કેમેરા ફિટ કરેલા ડ્રોન દુશ્મનના ક્ષેત્રો પર ઉડાડીને ત્યાંની પરિસ્થિતિનું અવલોકન કરી શકે છે. આવા જ ડ્રોનથી દુશ્મનોનો ખાત્મો પણ બોલાવવામાં આવી રહ્યો છે.

આવી ટેક્નોલોજી જે રીતે વિકસી રહી છે તે જોતા આપણે ઘણા કામ કરવા માટે જાતે મહેનત નહિ કરવી પડે. રિમોટ વાળા રોબોટ કે ડ્રોનની મદદથી આપણે પોતાના કામ કરી શકીશું. ડ્રોન દ્વારા ફૂડ અને અન્ય વસ્તુઓની ડિલિવરી કરવાનો વિચાર અમેઝોન કરી રહ્યું છે. રોબોટ દ્વારા ઘરના કામ કરાવવાનું તો શરૂ થઇ ચૂક્યું છે. રોબોટિક વેક્યુમ ક્લીનર જાતે જ ઘર સાફ કરી નાખે છે અને રોબોટિક ગ્રાસ કટર જાતે બગીચાનું ઘાસ સરસ રીતે કાપી શકે છે.

પરંતુ આવી સ્વયંસંચાલિત, સ્વયંબુદ્ધિશાળી ઉપકરણો અને તેને સંબંધિત ટેક્નોલોજીનો આટલી ઝડપથી વિકાસ થઇ રહ્યો હોવા છતાં ઘણી એવી સમસ્યા છે જેના પર કાબુ કરવામાં આપણે પાછા પડીએ છીએ. એમેઝોનના અને ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગ અને તેને કાબુમાં લેવામાં મળેલી નિષ્ફળતા કુદરત સામે માનવશક્તિની મર્યાદા સૂચિત કરે છે. આટઆટલા આધુનિક અને મહાશક્તિશાળી મશીન અને ટેક્નોલોજી હોવા છતાં આ બન્ને જંગલોમાં લાગેલી ભીષણ આગને નિયંત્રણ કરવામાં આખા દેશ નહિ વિશ્વને નિષ્ફળતા મળી તેવું કહી શકાય. કારણ કે આ સમસ્યા માત્ર જે તે દેશની છે તેવું નથી. પૃથ્વીના ફેફસા જેવા આ જંગલો સળગતા રહ્યા અને તેમાં લાખો પશુ પક્ષીઓ રાખ થઇ ગયા તો પણ આપણે કઈ ન કરી શક્યા.

બીમારીઓ અને કુદરતી આફતો સામે લાડવા આપણે જેટલા સજ્જ થઈએ છીએ તેટલી જ કારમી પરિસ્થિતિ આપણી સામે અવારનવાર આવી ઊભે છે અને કુદરત સામે માનવશક્તિની ન્યુનતાનો અહેસાસ કરાવે છે. આ દરેક ઘટનાઓમાં થતો જીવસંહાર એ બાબતની પ્રેરણા આપે છે કે આપણું પ્રથમ લક્ષ માનવજીવનને સલામત અને સમૃદ્ધ બનાવવાનું હોવું જોઈએ. જ્યાં સુધી એકેય જીવને બચાવવામાં આપણે કાચા પડીશું ત્યાં સુધી આપણી પ્રગતિ અને સામર્થ્ય તરફ પ્રશ્ન ઉઠતો રહેશે.

એવું નથી કે ટેક્નોલોજીનો વિકાસ થવાથી આપણે અમર થઇ જવાના છીએ. પરંતુ તેનાથી આપણું પરિસ્થિતિઓ પર નિયંત્રણ વધારે મજબૂત બનશે. તેમ છતાં આવા વિરોધાભાષ જોતા એવું લાગે છે કે આપણી પ્રાથમિકતા ક્યાંક ખોટી દિશામાં તો નથી વળી ગઈને? શું આપણે માનવ જીવન કરતા વધારે મહત્વ વ્યાપાર વાણિજ્યને આપતા થયા છીએ? જો હા, તો આપણે ચોક્કસ ખોટી દિશામાં આગળ વધી રહ્યા છીએ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s