ઘણો સમય ઘરમાં પુરાઈ રહ્યા બાદ બહાર નીકળવાનો સમય આવ્યો. લગભગ બે-ત્રણ મહિનાથી ન્યુ નોર્મલ બની ગયેલી ઝીંદગીમાં આપણે ઘરથી બહાર નીકળ્યા નહોતા. ઘરમાં રહેવું અને શક્ય હોય તો કામ કરવું નહીંતર નેટફ્લિક્સ, ટીવી, રામાયણ અને મહાભારત જોઈને સમય પસાર કરવો આપણી સજ્જનતા મનાતી. પરંતુ હવે સૌની અપેક્ષા છે કે આપણે બહાર નીકળીએ, પોતપોતાના કામ ધંધે જઈએ. કોરોનાનો ઈલાજ તો મળ્યો નથી પરંતુ તેનાથી સાવચેત રહેતા આપણને આવડી ગયું છે તેવી આશા સાથે ચાલો નીકળી પડો અને બચતાં બચતાં પોતાના કામે લાગો. નોકરી વાળા માટે કદાચ ફરજીયાત બને. ધંધાદારી વર્ગ તો પોતાની મરજીનો માલિક છે એટલે જરૂર હોય તો જાય. 


લાંબા સમયના ગુફાવાસ બાદ ખુલ્લામાં નીકળતા હોઈએ તેવો અહેસાસ થઇ રહ્યો હશે. એક જાતનો ઉત્સાહ પણ હશે અને એક પ્રકારની મૂંઝવણ પણ. આ પરિસ્થિતિ હૂબહૂ પ્રવાસી પક્ષીઓમાં જોવા મળતા Zugunruhe જેવી છે. તે એક જર્મન શબ્દ છે જેનું ઉચ્ચારણ ‘ઝૂગુનરૂહ’ થાય છે. પક્ષીવિદ્યામાં – ઓર્નિથોલોજીમાં – ઉપયોગમાં આવતી આ સંકલ્પના પ્રવાસી પક્ષીઓના ઉડાન પૂર્વેના વર્તનને દર્શાવે છે. વિદેશથી ઉડ્ડયન કરીને આવતા પ્રવાસી પક્ષીઓ જયારે તેમનો પાછા ફરવાનો સમય આવે ત્યારે ઉડ્ડયન પહેલા એક વિશેષ પ્રકારની વર્તણુક અપનાવે છે. ઉડતા પહેલા પાંખો ફફડાવે છે, આમ તેમ ફરે છે, શારીરિક ચેષ્ટાઓ કરે છે અને એક મૂંઝવણભર્યું વર્તન કરે છે. તેને જ ઝૂગુનરૂહ કહે છે. 


ઘણાલોકોની કઈંક આવી જ સ્થિતિ થઇ રહી હશે. તેમનામાં બહાર જવાનો ઉત્સાહ પણ હશે અને મૂંઝવણ પણ. ઘણા સમયથી જે સ્થળ પર બધો સમય વિતાવવાની આદત કેળવી તેને છોડીને જવું પડે તેનો વસવસો? અજાણ્યા સ્થળે તો નથી જ જવાનું. જેમ પક્ષીઓ જે પ્રદેશમાં પાછા ફરવાના હોય તે પરિચિત હોય છે તેમ જ આપણા કામનું સ્થળ અજાણ્યું નથી. આપણે તેનાથી પરિચિત છીએ. તેમ છતાં હવે ત્યાં જવામાં શા માટે પાંખો ફફડાવવી પડે છે? તેનું કારણ એ જ ને કે જે પ્રવાસી પક્ષીઓમાં હોય છે?


આમ તો જોઈએ તો કોઈ પણ નવા રૂટિનમાં સેટલ થઇ જઈએ તો તેમાંથી વિચલિત થવું ગમતું નથી. ભલે ને પછી તે જેલ હોય. વિસ વર્ષની જેલ વિતાવ્યા પછી કેદીને મુક્ત કરવામાં આવે તો તેને પણ એક વિચિત્ર પ્રકારનો મુક્તિનો ડર લાગે છે. જેલમાં સવારથી રાતની દિનચર્યા સેટ થઇ ગયેલી. એ બંધનમાં પણ એક પોતાનાપણું લાગવા માંડેલું. હવે કેવી રીતે નવી દુનિયામાં – ભલે તે મુક્ત હોય – સેટ થઈશું? આ પ્રશ્નને કેદીને થાય છે. મહિનાઓ સુધી એક સ્થળે સ્થિત થયેલા પક્ષીઓને પણ ઋતુ બદલતા પોતાના ઘર તરફ પ્રયાણ કરવાનું થાય ત્યારે આ સેટ થઇ ગયાનો અહેસાસ સતાવતો હશે. તેવું જ કદાચ આપણા લાંબા લોકડાઉનના અખતરા પછી બહાર નીકળતા થાય. 


વિકસિત દેશોમાં તો કેટલાય લોકોએ લોકડાઉનને કારણે ઉભી થયેલી માનસિક અસરો અંગે કાઉન્સેલિંગ પણ શરુ કર્યું છે. જો કે જે લોકો ઘરમાં રહીને કંટાળ્યા હશે તે બહાર નીકળવાની આઝાદીને એવી વધાવશે કે જાણે ફુગ્ગો ફૂટતા ભડાકે હવા નીકળે તેમ બહાર નીકળશે. જયારે અમુક લોકો બહાના કરશે અને થોડા દિવસ બહાર નીકળવાનું ટાળશે. કેટલાક લોકો આ ઝૂગુનરૂહને અવગણીને ચાલ્યા જશે. કેટલાક તેના વિષે ચિંતન કરશે. કેટલાક મૂંઝવણ અનુભવશે અને પાંખો ફફડાવશે.  પરંતુ જે કઈ પણ થશે તે એક સામાન્ય જૈવિક પ્રક્રિયાના ભાગરૂપે થશે. આ જ કુદરતનો નિયમ છે અને તે માત્ર મનુષ્યમાં જ નહિ પરંતુ પશુ પક્ષીઓમાં પણ થાય છે. 


આખરે એકવાત યાદ રાખવી ઘટે કે આપણે માત્ર એટલું જ અનુભવીએ છીએ જે આપણી પાંચેય ઇન્દ્રિયોના ઈન્પુટથી મગજને પહોંચે છે. વિચારો પણ તેના દ્વારા જ ઘડાય છે અને ઉદભવે છે. માર્યાદિત સમજને કારણે આપણે મગજનું અનુકૂલન પરિસ્થિતિ સાથે સાધી લઈએ છીએ. આ અનુકૂલનમાં અડચણ આવે તો કપરું લાગી શકે. જે લોકોએ લોકડાઉન સાથે અનુકૂલન સાધી લીધું હશે તેઓને બહાર નિકાવાનું થોડું અઘરું પડશે. જે લોકોને ઘરમાં રહેવું અઘરું પડ્યું હશે તેઓ કદાચ આરામથી બહાર નીકળી શકશે. પરંતુ બન્નેએ એ વાતનું ધ્યાન રાખવું કે બહાર એ જ વાઇરસ હજી ફરે છે જેનાથી બચવા એટલો લાંબો સમય ઘરમાં ઘૂસીને બેસવું પડેલું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s