વિરોધ, પ્રદર્શન કે આંદોલનની શક્તિને ઇતિહાસે સમયે સમયે જોઈ છે. ગાંધી ચિંધ્યા સત્યાગ્રહ અને અહિંસાના માર્ગને વિશ્વભરમાં સ્વીકૃતિ મળી. તેના પ્રયોગોનો અમલ ભારતની આઝાદીની લડત ઉપરાંત આફ્રિકાની ચળવળોમાં પણ થયો. નેલસન મંડેલા જેવા ઉત્કૃષ્ટ નેતાએ ગાંધીવાદી રીત અપનાવી અને દક્ષિણ આફ્રિકા પરનું બ્રિટિશ સામ્રાજ્ય અસ્ત થયું. અમેરિકામાં માર્ટિન લ્યુથર કિંગ જુનીઅરની પદ્ધતિ પણ અહિંસાયુક્ત રહેલી. વિશ્વભરમાં એ બાબતને સ્વીકારવામાં આવી રહી છે કે દરેક ચળવળ માટે હથિયાર ઉઠાવવાની જરૂર નથી. દરેક લડાઈ માટે લોહી રેડવું પડતું નથી.

અમેરિકામાં જ્યોર્જ ફ્લોઇડના મૃત્ય બાદ થયેલા ‘બ્લેક લાઇવ્સ મેટ્રેસ’ના આંદોલનોને વિશ્વભરમાં સમર્થન મળ્યું છે. કેટલાય દેશોમાં બ્લેક લાઈવ મેટર્સનું આંદોલન શરુ થયું અને હજુ ચાલુ છે. આવા આંદોલનોની અસર કેટલી સચોટ હોય છે તે અમેરિકા અને યુકેમાં દેખાઈ રહ્યું છે. અમેરિકામાં પોલીસના વડાએ જાહેરમાં માફી માંગી અને જે પોલીસ ઓફિસરના બળપ્રયોગને કારણે જ્યોર્જ ફ્લોઇડનું મૃત્યુ થયું તેના વિરુદ્ધ કાર્યવાહી પણ થઇ રહી છે. જેમને ખબર ન હોય તે લોકોની માહિતી માટે કહી દઈએ કે જ્યોર્જ ફ્લોઇડ નામના અશ્વેત વ્યક્તિને પોલીસ અધિકારીએ તેને ઘૂંટણ નીચે દબાવ્યો હતો. ગરદન પાસે ઘૂંટણનું વજન આવવાથી ફ્લોઇડને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તે કહેતો રહ્યો કે મારાથી શ્વાસ નથી લેવાતો, શ્વાસ નથી લેવાતો પરંતુ સતત નવ મિનિટ સુધી તેને એ રીતે દબોચી રાખવામાં આવતા આખરે તેણે દમ તોડી દીધો. આવી ગેરવર્તણુક ફરી ન થાય એ માટે સમાજ અને સરકારી તંત્રએ જાગૃતિ દર્શાવવાની જરૂર છે.

યુકેમાં લંડનના મેયર શાદીક ખાને કહ્યું કે લંડનની શેરીઓના નામ વિક્ટોરિયન સમયની ખ્યાતિ દર્શાવે છે. તેને સમય સાથે સંલગ્ન બનાવવા તેના અંગે પુનઃવિચારણા કરવામાં આવશે. તેનો સંદેશ કદાચ એવો હતો કે વિક્ટોરિયન યુગના બ્રિટિશ મહાનુભાવો ઉપરાંત બીજા લોકોએ પણ સમયે સમયે લંડન અને યુકેના જનજીવનમાં જે પ્રદાન કર્યું હોય તેને યોગ્ય સ્થાન અને માન લંડનમાં મળવું જોઈએ. શાદીક ખાન પાકિસ્તાની મૂળના રાજકારણી છે. તેનામાં આશ્રિત તરીકે આવેલા બહારના નોન-બ્રિટિશ લોકો પ્રત્યે પણ આદરભાવ હોય તે સમજી શકાય.

અમેરિકા અને યુકેમાં વિદેશથી આવેલા લોકોની, અશ્વેત કહી શકાય તેવી જાતિના લોકોની સંખ્યા અન્ય દેશોની સરખામણીમાં વધારે છે. તેમનું યોગદાન પણ બંને દેશોની પ્રગતિમાં અમૂલ્ય રહ્યું છે. પરંતુ શું તેમને સમપ્રમાણ માનમરતબો મળ્યા છે?  આ પ્રશ્ન બંને દેશના લોકોએ ઉઠાવ્યો છે. ત્યાંના સમાચારપત્રો અને ટીવી ચેનલ્સમાં આ બાબત પર ચર્ચાઓ શરુ થઇ છે.

સમાજમાં સમરસતા લાવવી આસાન નથી. એક જાતિને એવું લાગે કે તે બીજા કરતા ચડિયાતી છે ત્યારે ભેદભાવ વધતા જાય અને તેમની વચ્ચે તફાવત રહે. આખરે તે વિગ્રહમાં પરિણમે. પુરુષ એવું મને કે તે સ્ત્રીથી ચડિયાતો છે ત્યારે સ્ત્રીઓમાં રોષ પેદા થાય. આખરે ફેમિનિઝમ – મહિલાવાદ જેવા આંદોલનનો જન્મ થાય. કોઈ જાતિ રંગ ને કારણે તો કોઈ ધર્મને કારણે પોતાને ચડિયાતા અને બીજાને ઉતરતા મને ત્યારે આવા રોષ ઉત્પન્ન થાય છે જે સમાજને આખરે તો નબળો જ બનાવે છે. આપણા દેશમાં તો જ્ઞાતિપ્રથાએ પણ મોટો ભાગ ભજવ્યો છે સમાજને વિભાજીત કરવામાં.

આજે પણ આપણે ત્યાં સમાનતા છે કે નહિ તે અંગે ચર્ચાઓ થાય છે. કેટલાય લોકો કહે છે કે અમે તો કોઈ ભેદભાવમાં માનતા નથી જયારે અમુક લોકોનું કહેવું છે કે આવા ભેદ હોવા જરૂરી છે. બધાની પોતાની માન્યતા હોઈ શકે અને તેમાં આપણે દખલ કરવી કે નહિ તે એક પ્રશ્ન છે. જો કે બંધારણ અનુસાર જે પ્રકારના ભેદભાવ પ્રતિબંધિત હોય તે તો ન જ કરવા જોઈએ. કેમ કે કાયદાકીય ઉલ્લંઘન કરવાથી સજા થઇ શકે. નૈતિક ઉલ્લંઘનને સમાજ કેટલી સખ્તાઈથી લે છે તે આપણી જાગૃકતાનો માપદંડ છે. પરંતુ આ આંદોલનની ભૂમિકા ભારતીય સમાજ માટે શું? આપણે ત્યાં બધું જ સારું સારું છે? અસમાનતા નથી? અન્યાય નથી? શું આપણે સમાજમાં જાગૃતિ લાવવા માટે સક્રિય છીએ? 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s