યુકેમાં સમર સીઝનમાં વિશ્વભરમાંથી પ્રવાસીઓ મધમાખીની જેમ ઉમટી પડતા. મે, જૂન, જુલાઈ તો સવારના પાંચ વાગ્યે સુરજ ઉગી જાય અને રાત્રે નવેક વાગ્યા સુધી અજવાળું રહે. બ્રિટિશ લોકોને પણ સન-બાથ લેવાનું બહુ ગમે એટલે આ સમયે વીકેન્ડમાં પરિવાર સાથે પાર્કમાં અને બીચ પર ખુલ્લા શરીરે ટેનિંગ ક્રીમ લગાવીને સૂર્યના પ્રકાશને ભરપૂર માણે. પરિવાર અને મિત્રો સાથે પીકનીક કરે અને ખુબ ફરે.
પરંતુ આ વખતે કોરોનાને કારણે આંતરરાષ્ટ્રીય મુસાફરી તો બંધ છે જ. ઉપરાંત આંતરિક મુસાફરી પર પણ કેટલીય જાતના પ્રતિબંધો લગાવેલા છે. એટલે લોકો બહુ અવરજવર કરી શકતા નથી. પ્રવાસન તો ઠપ્પ જ છે પરંતુ વ્યાપાર-ધંધા માટે કે નોકરી માટેની અવરજવર પણ બહુ ઘટી ગઈ છે. લોકો મોટાભાગના કામો ટેલિફોન અને વેબિનારથી પતાવે છે. મોટી મોટી કંપનીઓ તેમની મીટિંગ્સ ઓનલાઇન કરે છે. એટલું જ નહિ, યુકેમાં તો પાર્લામેન્ટના સેશન્સ પણ ઓનલાઇન યોજાયેલા.
આ સમયમાં લંડનમાં ખુબ શોપિંગ થાય, સમર સેલ્સ આવે, મ્યુઝયમ અને થિએટરમાં લોકોની ભીડ હોય. પરંતુ આ વર્ષે હજુ ન તો શોપિંગ સ્ટ્રીટ ખુલી છે કે ન તો મ્યુઝયમ્સ. થીએટર તો હજીયે ઘણો સમય બંધ રહેશે તેવું લાગે છે. કેટલાય ફેસ્ટિવલ્સ, એવોર્ડ્સ અને કાર્યક્રમો યોજાતા હોય છે તે પણ આ વખતે બંધ રહ્યા છે. દર વર્ષે ઉનાળા દરમિયાન દેશવિદેશના ફિલ્મ સ્ટાર્સ અને સ્પોર્ટ્સ પર્સનાલિટી લંડનમાં આવતા હોય છે. તેમના કાર્યક્રમો, કોન્સર્ટસ પણ યોજાય છે. જે આ વખતે કેન્સલ રહ્યા.
લંડનમાં ટેનિસની વિમ્બલડન સ્પર્ધા જૂન-જુલાઈ દરમિયાન યોજાતી હોય છે. ગ્રાન્ડ સ્લેમની ચાર પૈકી એક વિમ્બલડન ટેનિસ પ્રતિયોગિતા આ વર્ષે ૨૯ જૂનથી શરુ થવાની હતી. પરંતુ તે હવે મોકૂફ રાખવામાં આવી છે. રમત ગમતમાં રસ ધરાવનારા લોકોને ખ્યાલ હશે કે ઈ.સ. ૧૮૭૭માં શરુ થયેલી અને તે સૌથી જૂની અને સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ મનાય છે. આ સ્પર્ધામાં ૩૪ મિલિયન પાઉન્ડનું ઇનામ હોય છે. ૩૪૦ લાખ પાઉન્ડ એટલે લગભગ ત્રણ હજારથી બત્રીસ સો કરોડ રૂપિયા થાય. આ તો ૨૦૧૮ના વિમ્બલડનનું ઇનામ હતું. આંકડો જોઈને લોકોને સમજાશે કે ટેનિસ પ્લેયર કેટલા ધનવાન હોઈ શકે. માટે જે વાલીઓ તેમના રમતગમતમાં સારા હોય તેવા બાળકોને રમવાની ના પાડીને ભણવા બેસાડતા હોય છે તેઓ ફરીથી વિચારી લે કે રમતમાં પણ સારું કરીઅર બની શકે છે. જો કે ટેનિસ વગેરે રમત પ્રોફેશનલ છે અને તેમાં વ્યક્તિગત લાક્ષણિકતા જ કામ લાગે છે.
ઉપરાંત લંડન અને યુકેના અન્ય વિસ્તારો જેવા કે સ્કોટલેન્ડ વગેરે ફિલ્મ શૂટિંગ માટે જાણીતા છે. બૉલીવુડ, હોલીવુડ અને બીજી અનેક ભાષાની ફિલ્મોની શૂટિંગ અહીં થાય છે. ગયા વર્ષે તો એક ભોજપુરી ફિલ્મની શૂટિંગ કરવા પણ એક ટિમ આવેલી. ગૂગલમાં જોજો તો ખબર પડશે કે નિરહુંઆ નામનો ભોજપુરી હીરો બિહારમાં ખુબ પ્રખ્યાત છે. તેની ‘નિરહુંઆ ચલા લંડન’ ફિલ્મનું શૂટિંગ કરવાનું હતું. તેમણે ‘બિહાર કનેક્ટ’ નામનો એક સામુદાયિક કાર્યક્રમ પણ યોજેલો જેમાં મારે મુખ્ય અતિથિ તરીકે જવાનું થયેલું. ભારતીય ક્રિકેટ ટિમ પણ લંડન આવે છે અને સિરીઝ રમે છે. તેમનો સ્વાગત સમારંભ પણ દર વર્ષે ઉચ્ચાયોગમાં યોજાય છે.
અત્યારે અહીં લોકડાઉન તો હળવું છે પરંતુ સંપૂર્ણ ઉઠાવાયું નથી. દુકાનો, રેસ્ટોરન્ટ અને શો-રૂમ્સ હજી ખુલ્યા નથી. આવતા સપ્તાહથી ધીમે ધીમે સોશ્યિલ ડિસ્ટર્ન્સિંગના નિયમો સાથે રેસ્ટોરન્ટ અને શોરૂમ્સ ખુલશે તેવું કહેવામાં આવ્યું છે. ધીમે ધીમે લોકો કામે જતા થશે પરંતુ જો ઘરેથી કામ ન થઇ શકે તેમ હોય તો જ ઓફિસે જવું તેવી સૂચના છે. કોરોનાની રસી ન મળે ત્યાં સુધી સરકાર ગમે તેટલી છૂટછાટ આપી દે, આપણી સુરક્ષા નિશ્ચિત થતી નથી. માટે આપણે જાતે જ ધ્યાન રાખવું પડશે.