કોવિડ -19 પરિસ્થિતિની દ્રષ્ટિએ યુકે ખૂબ જ આરામદાયક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. લોકોને બહાર નીકળવું સલામત લાગે છે. છ લોકોના જૂથમાં બહાર ફરવાની મંજૂરી છે જો કે સામાજિક અંતરનાં ધોરણો હજી પણ લાગુ પડે છે. પરંતુ કચેરીઓ અને અન્ય કામોના સ્થળો ધીરે ધીરે ખુલી રહ્યા છે. એન.એચ.એસ. પર શરૂઆતમાં જેવું પ્રેસર હતું તે હવે રહ્યું નથી. મૃત્યુ દર નીચે આવી રહ્યો છે. કોરોના કેસની કુલ સંખ્યા પણ  ઓછી થઈ રહી છે.

પરંતુ આ રોગચાળાએ યુકેમાં હજારો નોકરીઓ અને સેંકડો વ્યવસાયનો ભોગ લીધો છે. જો કે વિશ્વમાં દરેક જગ્યાએ તેવું જ બન્યું છે. તે વ્યવસાયો કે જે યુકેમાં નિષ્ફળ જાય તેને બંધ કરવા માટે વહીવટી કાર્યવાહી કરવાની થાય છે. માંગ સર્વત્ર ઓછી થઈ છે. કેટલાક રિટેલ સ્ટોર્સ કાયમી ધોરણે બંધ થઇ રહ્યા છે. જ્હોન લેવિસ, સ્ટારબક્સ અને ઝારા તેમના કેટલાક સ્ટોર્સ બંધ કરવાના છે. કેટલીક કંપનીઓએ ટકી રહેવા માટે, ખર્ચ ઘટાડવા માટે, વધારાના કર્મચારીઓને છૂટા કર્યા છે તો કોઈએ બોનસ કાપી નાખ્યું છે.

લોકડાઉન દરમિયાન નોકરીઓને સુરક્ષિત રાખવા માટે યુકે સરકારે 25 બિલિયન પાઉન્ડની ફર્લો યોજના આપી હતી. મે મહિના સુધીમાં લગભગ 28 લાખ લોકોએ સરકારની વિવિધ યોજનાઓ હેઠળ બેરોજગારીના લાભ માટે નોંધણી કરાવી હતી. પરંતુ હવે લોકડાઉન હળવું થઈ ગયું હોવાથી કંપનીઓ પોતાના પગ પર ઉભી થવાની છે. તેમાંથી કેટલીયે સ્ટાફ ઘટાડવાની જાહેરાત કરી છે. હેરોડ્સ અને ફિલિપ ગ્રીનના આર્કેડિયા ગ્રૂપે પણ નોકરીઓમાં ઘટાડો કર્યો છે. અપર ક્રસ્ટ, કેફે રીટાઝા, બેડન્સ ફોર બેડ્સ અને હાર્વીઝ પણ જોબ કટની જાહેરાત કરી રહ્યા છે. બર્ટરમ બુક્સ, 1968 ની એક પુસ્તકની જથ્થાબંધ વેપારી કંપની છે જેણે ચિકન શેડથી શરૂઆત કરી હતી, તે પણ વહીવટમાં આવી ગઈ છે, તેના 450 કર્મચારીઓ નોકરી ગુમાવશે.

સિવિલ એવિએશન ઉદ્યોગ સૌથી વધુ અસરગ્રસ્ત ક્ષેત્રમાંનો એક છે. એરબસ યુકેમાં લગભગ 1700 અને વૈશ્વિક સ્તરે 15,000 પોઝિશન્સ ઘટાડી શકે છે. ઇઝિજેટ 30% કર્મચારીઓ ઘટાડશે. યુકેના રોયલ મેલમાં કામ કરતા 2000 લોકોને નોકરીથી હાથ ધોવા પડી શકે છે. ફાઇનાન્સિયલ ટાઇમ્સ અખબારે ગણતરી કરી છે કે યુકેમાં રોગચાળાની શરૂઆતથી અત્યાર સુધીમાં મોટી કંપનીઓ દ્વારા નોકરીની કુલ ઝાટકણી 1 લાખ જેટલી હોઈ શકે છે.

ટી એમ લેવિન, 1898 થી શર્ટ ઉત્પાદન કરે છે. તે પણ બિઝનેસ સમાપ્ત કરવાની જાહેરાત કરવાની છે.  હું ટી એમ લેવિન વિશે વિશેષ રીતે લખી રહ્યો છું કારણ કે લંડન આવ્યો ત્યારથી મને તેના સફેદ ઓફિસ શર્ટ ગમ્યાં છે. અન્ય બ્રાન્ડ્સ પણ છે, અને સારી છે. પરંતુ યુકેમાં મારો પહેલો શર્ટ ટી એમ લેવિનનો હતો. ભારતમાં હંમેશાં શર્ટ્સ માટે સમસ્યા રહેતી. જો ઊંચાઈ પ્રમાણે શર્ટ ખરીદો તો બાંય ટૂંકી થાય અને બાંયનું માપ જાળવો તો ખભા નીચા આવે અને શર્ટ એકદમ ઢીલું થાય! ઓફિસ શર્ટ માટે પરફેક્ટ ફિટિંગનો હંમેશાં અભાવ રહેલો. યુકે આવ્યા પછી એ તકલીફ દૂર થઇ. અહીં શર્ટ અલગ અલગ માપમાં બનાવવામાં આવે છે. દરેક શર્ટમાં માત્ર છાતીનું અને ઊંચાઈનું જ માપ હોતું નથી, પરંતુ તેમાં કોલરની અને સ્લીવ્ઝની સાઈઝ પણ સેન્ટીમીટરમાં  હોય છે. તમે જરૂરિયાત મુજબ સંયોજન પસંદ કરી શકો. કોલરની સાઈઝ તો અડધા સેન્ટિમીટરના તફાવત સાથે આવે છે જેથી ૧૫ સે.મી. અથવા ૧૫.૫ સે.મી. પસંદ કરી શકાય અને તે સાથે હાથની લંબાઈના આધારે  ૩૪ સે.મી. અથવા ૩૫ સે.મી.માં બાંય પણ ઉપલબ્ધ હોય છે. શર્ટની ફિટિંગ સ્લિમ ફિટ, એક્સ્ટ્રા સ્લિમ, રેગ્યુલર અને કેટલીક અન્ય માપમાં પણ ઉપલબ્ધ છે. કોઈ વ્યક્તિને પરફેક્ટ શર્ટ ખરીદવા માટે આ પૂરતું થઇ જાય. આવી ટી એમ લેવિન બંધ થઇ રહી છે તેનું દુઃખ છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s