અનુકૂલન – પરિસ્થિતિને વશ થવાની આવડત માનવીમાં એવી તો વિકસી ગઈ છે કે કોઈ પણ પરિસ્થિતિને તાબે થઈને જીવતા શીખી જાય છે. એટલે જ તો ડાયનાસોર ખતમ થઇ ગયા પણ માનવજાત વિકસતી જ ગઈ. લાખો વર્ષોની ઉત્ક્રાંતિ બાદ આજે આપણે જ્યાં પહોંચ્યા છીએ તેનાથી એવી આવડત આપણા જનીનોમાં આવી ગઈ છે કે આંચકા ઝીલવામાં બહુ તકલીફ પડતી નથી.

લોકડાઉન હોય કે કોરોના – તેની સાથે જીવવાની આવડત ધીમે ધીમે આપણે કેળવી જ લીધી ને? પ્રવાસ કરવામાં પડતી તકલીફ, રૂબરૂ મળવાનું બંધ થઇ જવું કે ઓનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ – આ બધું આપણા અનુકૂલનને આભારી છે. આ અનુકૂળ માત્ર શારીરિક રીતે જ નહિ માનસિક રીતે પણ થાય છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જેમ જેમ આપણે માનસિક શક્તિ વિકસાવતા જઈએ છીએ તેમ તેમ આપણી સંવેદનશીલતા પણ વધી રહી છે અને ડિપ્રેસન કે હતાશાનો ભોગ બની રહ્યા છીએ. માનસિક તણાવ અને નિરાશા કેટલાય લોકોના જીવનનો ભોગ લઇ રહ્યા છે. કેટલાક લોકો તણાવમાં જીવન જીવે છે અને કેટલાક તો જીવનનો અંત આણે છે. શું એવું કોઈ અનુકૂલન આપણે ન સાધી શકીએ કે જીવનને થોડું સાદું બનાવીએ? થીક સ્કિન – જાડી ચામડી વિકસાવીએ જેથી કરીને કોઈના મેણા-ટોણા ન લાગે. કોઈના કંઈ કહેવાથી આપણું સ્વમાન ન ઘવાય અને કોઈ આપણા વિષે શું વિચારશે તેવું વિચારી વિચારીને આપણી શાંતિ ન હણાય.

આજની દુનિયામાં આપણે બાહ્ય સમસ્યાઓનો સામનો કરવા માટે ખુબ સક્ષમ બની ગયા છીએ પરંતુ આંતરિક શક્તિઓ ઓછી થતી જાય છે. શરીર મજબૂત થયા પરંતુ મન કમજોર થઇ રહ્યું છે. વાવાઝોડું કે વરસાદ સામે લડવાની આવડત છે પરંતુ વિચાર કે ચિંતા સામે ઝઝૂમવાની તાકાત નથી. મચ્છરની ગણગણથી ઊંઘ ન આવતી તે સમય જતો રહ્યો. આજે આપણે મચ્છરને તો નિયંત્રિત કરી લઈએ છીએ. પરંતુ રાત્રે ઊંઘતી વખતે કોઈ વિચાર જો મનમાં ગણગણવા લાગે તો તેનો ઈલાજ હજી મળ્યો નથી અથવા તો એવું કહો કે તેનો ઉકેલ આપણે ભૂલી ગયા છીએ.

જે આંતરિક સમૃદ્ધિ માટે ધ્યાન, યોગ કે અધ્યાત્મનો વિકાસ આપણે કરેલો તેને થાળે પાડીને આપણે વિજ્ઞાનના વિકાસમાં ધ્યાન કેન્દ્રિત કર્યું. પ્રગતિ થઇ, સમૃદ્ધિ વધી પરંતુ જૂનું જ્ઞાન ભૂલી ગયા. વિજ્ઞાન અને અધ્યાત્મને એકબીજાના વિરોધી ગણ્યા અને વાસ્તવિકતા એવી આવી ઉભી છે કે ટેક્નોલોજી જીતી રહી છે પરંતુ માનવી હારી રહ્યો છે. કેટલાય મનોચિકિત્સકો કહી કહી ને થાકે કે લોકો સાથે વાત કરો, મનનો બોજ હળવો કરો તો હતાશા ન જન્મે પરંતુ વૈભવી જગતમાં આંતરિક કમજોરી બતાવવાને પાપ માનવામાં આવે છે.

તો ચાલો ફરીથી એવું અનુકૂલન સાધવાની કોશિશ કરીએ કે જેથી કોઈ માણસને પોતાની શાંતિ કે જીવ એટલા માટે ન ગુમાવવા પડે કે તે ડિપ્રેસ હોય. આવી ડિપ્રેસન જેવી માન્યતાઓને દૂર કરીએ અને આપણા માણસને તેનો સામનો કરવા મજબૂત કરીએ. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s