થોડા દિવસ પહેલા એક મિત્રએ મને ૨૧ દિવસના મેડિટેશન અને સક્સેસ કોર્સના ગ્રૂપમાં એડ કરવા પૂછ્યું. સતત કામ અને દોડધામ વાળી જિંદગીમાં સૌને આવા આત્મઉદ્ધાર માટેના પ્રયત્નો કરવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે. મેં પણ હોંશે હોંશે સંમતિ આપી અને ચાલીસેક લોકોના એ ગ્રુપમાં મને ઉમેરવામાં આવ્યો. પ્રથમ દિવસે સૂચનાઓ આપવામાં આવી કે ગ્રુપમાં ડિબેટ કે ગ્રીટિંગ્સના મેસેજ ન મોકલવા. માત્ર રોજની પ્રવૃત્તિ પુરી થાય એટલે ગ્રુપમાં જાણ કરવી. જે કોઈ રોજની પ્રવૃત્તિ પૂરી નહિ કરે તેને ગ્રુપમાંથી બહાર કરવામાં આવશે. જો કે તેમાં કોઈ સ્પર્ધા કે નામોશી જેવું નહોતું. એ માત્ર એક નિશ્ચિત પ્રવૃત્તિ માટે સેટ કરાયેલું ગ્રુપ હતું અને જે કોઈ તેની સાથે તાલ ન મિલાવી શકે તેને જાતે જ ગ્રુપમાંથી બહાર થઇ જવું જોઈએ નહીંતર એડમીન બહાર કરી દેશે તેવી સરળ સરત હતી. 


ગ્રુપની પ્રવૃત્તિ શરુ થઇ. પ્રથમ દિવસ. બીજો દિવસ. ત્રીજો દિવસ. રોજની પ્રવૃતિઓ ચાલ્યા કરી. મેં પણ રોજ વિસ-પચીસ મિનિટ આપીને શરમના કારણે એકાદ સપ્તાહ સુધી પ્રવૃત્તિઓ પૂરી કરી પરંતુ પહેલા જ દિવસથી સમજાઈ ગયેલું કે તેમાં મન લાગતું નહોતું. આખરે મેં ગ્રુપ છોડી દીધું. 

ગ્રુપ છોડવાનો નિર્ણય લેવામાં કેટલી તો અસમંજસ થઇ, કેટલીય વાર એક્ઝીટ પર હાથ ગયો અને પાછો ખેંચાયો તે વિચારવા જેવું છે. લોકો મારા વિષે શું વિચારશે? હું પોતાના આત્મવિકાસ માટે રોજ અડધો કલાક ન આપી શકું? શા માટે હું આ પ્રવૃત્તિ નિયમિત રીતે પુરી ન કરી શકું? પરંતુ આખરે મેં હિમ્મત કરીને ગ્રુપ છોડી દીધું.
દરેક આત્મવિકાસની પ્રવૃતિઓ આપણા માટે ફાયદાકારક નીવડે તેવું જરૂરી નથી. આજે બજારમાં કેટલાય પુસ્તકો, પ્રવચનો, વિડિઓ અને પોડકાસ્ટ છે જેમાં લોકો આપણને આત્મવિકાસ તરફ લઇ જવા માર્ગદર્શન આપી રહ્યા છે. પરંતુ ભાગ્યે જ તેમાંથી અમુક લોકો એવા હશે જેમનો પોતાનો આત્મવિકાસ સારી રીતે થયો હશે. બે પ્રકારની સફળતા માટે લોકો આપણને પ્રેરણા આપતા રહે છે: પૈસા કમાઈને સમૃદ્ધિ મેળવવાની અથવા જીવનમાં બેલેન્સ બનાવીને ખુશ રહેવાની. મોટિવેશનલ ઇન્ડસ્ટ્રીમાં આ બંને ખુબ ચાલે છે કેમ કે જયારે આપણે કામધંધો કે નોકરીમાં સેટ ન થયા હોઈએ ત્યારે આર્થિક સમૃદ્ધિ મેળવવાની લાલસામાં આવા પુસ્તકો વાંચીએ કે વિડિઓ જોઈએ છીએ. પછી અમુક વરસ પછી કમાઈ ઠમાઈને ઠેકાણે લાગી જઇયે ત્યારે જીવનમાં બેલેન્સ રાખીને પરિવાર સાથે ખુશ રહેવાની કલા શીખવતા મોટિવેશનલ ગુરુઓ કામે લાગે છે. ખોટું બેમાંથી એકેય નથી. સમયે સમયે આપણી પ્રાથમિકતા બદલાયા કરે તે પણ સમજી શકાય તેવી વાત છે. શરીરના ખોરાક અને તંદુરસ્તી સાથે માનસિક ખોરાક તરીકે આપણી પરિસ્થિતિને અનુરૂપ મોટિવેશન મળતું રહેવું જોઈએ.

 
પરંતુ આજે મુશ્કેલી એ વાતની છે કે લોકો આપણા પર એક પ્રકારનું મનોવૈજ્ઞાનિક પ્રેશર લાવે છે કે સૌએ નિયમિત યોગ કરવો, મેડિટેશન કરવું કે પછી સિક્સ પેક વાળી બોડી બનાવવી જોઈએ. લોકોના દબાણમાં આવીને આપણે પણ ક્યારેક આવી અલૌકિક મુસાફરીએ નીકળી પડીએ છીએ. પરંતુ જો તેમાં જીવ મુંજાય તો શું કરવું? પ્રવૃત્તિ ખોટી નથી, પણ શક્ય છે આપણે સાચા સમયે તે પ્રવૃત્તિમાં ન ઉતાર્યા હોઈએ. જયારે પૈસા કમાવાનો, પરિવાર માટે ધનોર્પાજનનો સમય હોય ત્યારે સાધુઅવસ્થા તરફ પ્રયાણની વાતોમાં ફસાઈએ તો ઘરના લોકો દુઃખી થાય અને આપણને પણ દુઃખી કરે તેમાં કોઈ શક નથી. 

કહેવાની વાત માત્ર એટલી જ છે કે બીજા કોઈને જોઈને કાર્ય શરુ કરી દીધું હોય તો પણ જયારે એવું લાગે કે આપણા માટે તે સેટ થાય તેમ નથી તો વિના વિલંબે તે અટકાવી દેવું. ગ્રુપમાંથી એક્ઝીટ મારી દેવી. ભલે તે ગમે તેટલું સારું કાર્ય હોય પરંતુ જો આપણને સેટ ન થતું હોય તો સ્વોદ્ધાર  કરવાનો બીજો કોઈ માર્ગ શોધી લેવો. આમેય ઉપનિષદોમાં આત્મોદ્ધાર કરવાના કેટલાય માર્ગ દર્શાવ્યા છે. કેટલાક લોકો યોગ અને ધ્યાન દ્વારા ઊર્ધ્વગમન ન કરી શકતા હોય તો શરીર અને મનના વિકાસ માટે બીજો કોઈ ઉપાય – જેમ કે વ્યાયામ અને વાંચન – કરી શકાય. કોઈને મનની શાંતિ પ્રાર્થના કરવાથી તો કોઈને જોગિંગ કરવાથી મળે છે. ઓશો તો વોકિંગ મેડિટેશનની પણ વાત કરતા. માટે, દરેક કામના હજારો રસ્તા હોય છે. જે આપણને લાગુ પડે તેને અપનાવવો. જે સેટ ન થાય તે ગ્રુપમાંથી એક્ઝીટ મારી દેવી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s