પુરુષોમાં મીડ-લાઈફ ક્રાઈસીસ એટલે જે જીવનના મધ્યાન્તરમાં આવતી માનસિક સંઘર્ષની સ્થિતિ અંગે આપણે ત્યાં ઓછી જાગૃકતા છે. કેટલાય માધ્યમ ઉંમરના લોકો તેમાંથી પસાર થઇ રહ્યા હોય છે અને તેના અંગે કોઈ જાણકારી પણ હોતી નથી. આજે મિડલાઈફ ક્રાઈસીસ અંગે થોડું જાણીએ.

શું છે મિડલાઈફ ક્રાઈસીસ?

કેનેડાના મનોવૈજ્ઞાનિક એલિયટ જેક્સ દ્વારા ૧૯૫૭માં ‘મિડલાઈફ ક્રાઈસીસ’ શબ્દસમૂહ રજુ કરાયો હતો અને તેના અંગે અનેક સંશોધનો થયા છે. મિડલાઈફ ક્રાઈસીસ મોટાભાગે પુરુષોમાં ૪૦-૫૦ વર્ષની આસપાસ આવતી હોય છે પરંતુ વ્યક્તિના સામાજિક અને પ્રોફેશનલ કરિઅરના આધારે તે પાંચેક વર્ષ વહેલી કે મોડી પણ આવી શકે. જરૂરી નથી કે તે દરેક પુરુષના જીવનમાં આવે. કેટલાક મનોવૈજ્ઞાનિકોનું માનવું છે કે કેટલાક પુરુષોમાં મિડલાઈફ ક્રાઈસીસ નહિ પરંતુ મિડલાઈફ સ્ટ્રેસ હોય છે.

મિડલાઈફ ક્રાઈસીસના કારણો:

મિડલાઈફ ક્રાઈસિસમાં વ્યક્તિ પોતાના જીવન અને તેના ઉદેશ્ય અંગે શંકા કરે છે. જીવનમાં કરેલી પ્રગતિથી અસંતુષ્ટિ અને પરિવાર, સમાજ કે ભગવાનથી ફરિયાદોનો દોર શરુ થાય છે. ક્યારેક પરિવારની વધારે પડતી અપેક્ષા, બાળકોની ડિમાન્ડ કે પેરેન્ટ્સની ચિંતા, નોકરીમાં ટેંશન કે ધંધામાં ચઢાવ-ઉતાર જેવા કારણોને લઈને પુરુષોમાં મિડલાઈફ ક્રાઈસીસ કે સ્ટ્રેસ ઉદ્ભવી શકે. ખરતા વાળ અને વધતું પેટ પુરુષમાં કૈંક ગુમાવ્યાની લાગણી જન્માવે છે.

મિડલાઈફ ક્રાઈસિસના લક્ષણો:

માનસિક રીતે સંઘર્ષ અને વેદના ઉદ્ભવે છે અને તેને કારણે વ્યક્તિ દુઃખી, હતાશ કે ચિડચિડો બને છે. ક્યારેક ઊંઘ ન આવવી કે વધારે ઊંઘવા જેવા વિરોધાભાષી લક્ષણો પણ હોઈ શકે. કોઈ કોઈ પુરુષ ડિપ્રેસ થઈને વ્યસન પણ કરવા લાગે છે. આ ઉપરાંત તેમાંથી ઉદ્ભવતી સમસ્યાઓ જેમ કે કામમાં મન ન લાગવું, લડાઈ-ઝગડા કરવા વગેરે પણ થઇ શકે.

પુરુષોના પ્રતિભાવ:

મિડલાઈફ ક્રાઈસીસ અંગે ભાગ્યે જ કોઈ પુરુષ જાણતો હોય છે. તેની પોતાની સ્થિતિ શા માટે એવી થઇ રહી છે તેનું કારણ ધ્યાનમાં ન હોવાથી તે સંગોજોને કે લોકોને તેનો દોષ આપે છે. પ્રતિભાવ તરીકે કેટલાક લોકો નોકરી છોડીને નવા કરીઅર તરફ જાય છે. કોઈ વ્યક્તિ અધ્યાત્મ તરફ પ્રયાણ કરે છે, તો કોઈ યુવાન મિત્રો બનાવીને અને જિમ જઈને બોડી બનાવીને પોતાની જાતને યુવાન બનાવવાની કોશિશ કરે છે. કેટલાક પુરુષો પોતાના દેખાવ અંગે ખુબ સાવચેત બને છે અને પોતે સ્માર્ટ દેખાય તેવા પ્રયત્નો આદરે છે.

ઉપાય:

સંતોષ અને ધીરજ રાખવા સૌથી વધારે જરૂરી થઇ પડે છે જયારે વ્યક્તિ મિડલાઈફ ક્રાઈસીસમાંથી પસાર થઇ રહ્યો હોય. જીવનમાં આવી પડેલી સ્થગિતતાને નિષ્ફળતા માનવી ન જોઈએ. કરીઅર ગ્રોથ સતત ચાલ્યા કરે તે જરૂરી નથી. પોતાની જાતને નિષ્ફળ માનીને હતાશા કે વ્યસનમાં સપડાવું, પરિવાર અને મિત્રો સાથે ચિડચિડાપણું કરવું અને ક્યારેક વાત ડિવોર્સ સુધી પહોંચી જાય તેવી સ્થિતિ ન આવે તે જોવું વ્યક્તિના હિતમાં છે.

કોલેજના વર્ષો વીતી ગયા છે અને હવે પહેલા જેવું આકર્ષક શરીર રહ્યું નથી તેવું પંદરેક વર્ષ પછી યાદ આવતા અચાનક જિમ જવાની તૈયારી મિડલાઈફ ક્રાઈસીસ ને કારણે થાય તેવું ન હોવું જોઈએ. સ્વાસ્થ્ય સાચવવું જરૂરી છે અને જેમ જેમ ઉમર વધે તેમ તેમ મશલ હેલ્થ કરતા ઓર્ગન હેલ્થ એટલે કે સ્નાયુ કરતા આંતરિક અંગોની તંદુરસ્તી પર વધારે ધ્યાન આપવું જોઈએ. નિયમિત યોગ અને ધ્યાન કરવું તેમજ ઉમર અને શરીરને અનુકૂળ આવે તેવો પોષણયુક્ત ખોરાક ખાવો જરૂરી છે.

માનસિક રીતે સ્વસ્થ રહેવા સંતોષ અને ધીરજ વિકસાવવા જરૂરી છે. કરિઅરમાં એક તબક્કો એવો આવે છે કે જયારે પ્રમોશનના ચાન્સ નહિવત હોય છે. આવા સમયે સ્થિરતા જળવાઈ રહે તે જરૂરી છે. આ સમયનો ફાયદો ભવિષ્યમાં મળે છે.

આનંદ અને ખુશી શોધવા બજારમાં જવાની જરૂર નથી તે વાત ફરીથી યાદ કરી લેવી. વધારે પૈસા ખર્ચીને, મોંઘી વસ્તુઓ ખરીદીને મિડલાઈફ ક્રાઈસિસનું સોલ્યુશન આવતું નથી. તેના માટે સાત્વિક અને મુલ્યવર્ધક શોખ વિકસાવવા વધારે યોગ્ય છે.

સારું વાંચન, પ્રફુલ્લિત મન અને સારા મિત્રોનો સહકાર પણ ખુબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે વ્યક્તિને આવા સમયમાંથી બહાર લાવવામાં.

આખરે, બીજા કોઈ સાથે સરખામણી કરીને પોતાની પ્રગતિનો ખ્યાલ આંકવો નહિ. કોણે શું શું ભોગ આપ્યો છે કે શું ગુમાવ્યું છે તે આપણે જાણતા હોતા નથી. બહાર દેખાય છે તેના કરતા અંદરની દુનિયા દરેક વ્યક્તિની અલગ હોય છે. પોતાનું મન સ્વસ્થ રહે, પરિવાર સાથે સંપથી સારી રીતે રહી શકાય તે આવશ્યક છે.

દરેક પુરુષ એ યાદ રાખે કે તેમના જીવનમાં પણ મધ્યસ્થ તબક્કો એવો હોય છે જયારે તે અનેક સંઘર્ષ અને તણાવમાંથી પસાર થાય છે અને તે સમયે ધીરજથી કામ લેવું જરૂરી છે. પુરુષોએ પણ પોતાના નાજુક અને સંવેદનશીલ ભાવનાઓની કાળજી લેવી આવશ્યક છે.