યુકેની સરકાર પર્યાવરણ સંબંધી કાર્યક્રમો અને યોજનાઓને ખુબ મહત્ત્વ આપી રહી છે. પ્રધાનમંત્રી બોરિસ જોહ્ન્સને જાહેર કરેલું કે ૨૦૩૦ પછી યુકેમાં પેટ્રોલ કે ડીઝલની નવી કાર કે વાન નહિ વેંચાય. હાઈબ્રીડ વાહનો કે જે ઈલેકટ્રીકની સાથે પેટ્રોલ કે ડીઝલનો ઉપયોગ કરતા હોય તેના પર પ્રતિબંધની વાત થઇ નથી. એટલે કે માત્ર પેટ્રોલ કે ડીઝલથી ચાલતી નવી કારનું વેચાણ બંધ થશે. તેના માટે યુકે સરકારે £ ૪ બિલિયનનું પેકેજ નિર્ધારિત કર્યું છે. આ £ ૪ બિલિયન આમ તો યુકેના હરિત અર્થવ્યવસ્થાને લગતા કુલ £૧૨ બિલિયનના પેકેજનો જ ભાગ છે જેના અંતર્ગત સરકાર ૨,૫૦,૦૦૦ નોકરીઓની તક સર્જવાનું આયોજન કરી રહી છે.
વડા પ્રધાન બોરિસ જોહ્ન્સને ‘ગ્રીન ઔદ્યોગિક ક્રાંતિ’ માટેની ૧૦ મુદ્દાની યોજના જાહેર કરી છે જે ખુબ વિસ્તૃત રીતે પર્યાવરણ સંબંધી મુદાઓને આવરી લે છે. તેના દશ મુદ્દાઓ નીચે પ્રમાણે છે:
ઓફશોર પવન ઉર્જા: યુકેમાં દરેક ઘરને વીજળી આપવા માટે પૂરતા પ્રમાણમાં પવન ઉર્જા ઉત્પન્ન કરાવી. ઓફશોર પવન ઉર્જા એટલે સમુદ્રની સપાટી પર પવનચક્કી રાખીને પવનઊર્જા મેળવવી તે. વર્ષ ૨૦૩૦ સુધીમાં અત્યારે પવનઊર્જાથી મળતી વીજળીનું ઉત્પાદન ચારગણું કરીને ૪૦ ગીગાવાટ પહોંચાડવાની યોજના છે અને તેના દ્વારા અને ૬૦,૦૦૦ જેટલી નોકરીઓનું સર્જન થાય તેવું આયોજન છે.
હાઇડ્રોજન: ઉદ્યોગ, પરિવહન, વીજળી અને ઘરો માટે – ૨૦૩૦ સુધીમાં “લો કાર્બન” હાઇડ્રોજન ઉત્પાદન ક્ષમતા પાંચ ગીગાવાટ સુધી પહોંચાડવી અને દાયકાના અંત સુધીમાં સંપૂર્ણ રીતે ગેસ નિર્ભર પ્રથમ શહેરનો વિકાસ કરવો.
ન્યુક્લિઅર: શુધ્ધ ઉર્જા સ્ત્રોત તરીકે પરમાણુ શક્તિને આગળ વધારવી અને મોટા પરમાણુ પ્લાન્ટની જોગવાઈ તેમજ અદ્યતન નાના પરમાણુ રિએક્ટર માટે આયોજન કરવું જેનાથી ૧૦,૦૦૦ નોકરીઓને ટેકો મળી શકે.
ઇલેક્ટ્રિક વાહનો: ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને વેગ આપવા માટે ૨૦૩૦ સુધીમાં નવી પેટ્રોલ અને ડીઝલ કારો અને વાનના વેચાણ પર તબક્કાવાર પ્રતિબંધ અને નવી ઇલેક્ટ્રિક કાર ખરીદવામાં મદદ કરવા અને ચાર્જિંગ પોઇન્ટને લગતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સહાય માટે સરકારી અનુદાન અને રોકાણ વધારવું.
સાર્વજનિક પરિવહન, સાયકલ ચલાવવી અને ચાલવું: ચાલવાને અને સાયકલ ચલાવવાને લોકોના પરિવહનના માધ્યમ તરીકે પ્રચલિત કરવું અને ભવિષ્યમાં મુસાફરી કરવા માટે શૂન્ય-ઉત્સર્જન વાળા સાર્વજનિક પરિવહનમાં રોકાણની વધુ આકર્ષક યોજનાઓ બનાવાશે.
જેટ શૂન્ય અને સમુદ્રી લીલોતરી: શૂન્ય-ઉત્સર્જન કરતા વિમાનો અને જહાજો તૈયાર કરવાના સંશોધન પ્રોજેક્ટને સહાય કરવી.
ઘરો અને સાર્વજનિક ઇમારતો: ઘરો, શાળાઓ અને હોસ્પિટલોને લીલોતરી, ગરમ અને વધુ ઉર્જા કાર્યક્ષમ બનાવવી, જેમાં ૨૦૨૮ સુધીમાં દર વર્ષે ૬૦૦,૦૦૦ હીટ પમ્પ સ્થાપિત કરવાના લક્ષ્યાંકનો સમાવેશ થાય છે.
કાર્બન કેપ્ચર: વાતાવરણમાંથી હાનિકારક કાર્બનના ઉત્સર્જનને પકડવા અને સંગ્રહિત કરવા માટે વિશ્વની અગ્રણી તકનીકનો વિકાસ કરવો અને વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૦ મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડ દૂર કરવાનો લક્ષ્યાંક સેટ કરવામાં આવ્યો છે.
પ્રકૃતિ: એક વર્ષમાં ૩૦,૦૦૦ હેક્ટર વિસ્તારમાં વૃક્ષોનું વાવેતર કરવાની યોજના સાથે કુદરતી વાતાવરણનું રક્ષણ અને પુનર્સ્થાપન કરવાનો મુદ્દો પણ શામેલ કરાયો છે.
ઇનોવેશન અને ફાઇનાન્સ: અદ્યતન તકનીકીઓનો વિકાસ કરવો અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવું તેમજ લંડન શહેરને ગ્રીન ફાઇનાન્સનું વૈશ્વિક કેન્દ્ર બનાવવું.
સરકારી યોજનાઓની ઘણી બાબતોની વિરોધ પક્ષ અને જનતા દ્વારા ક્યારેક ટીકા થતી હોય તેમ આ યોજનાને પણ ખુબ મહત્વાકાંક્ષી અને આર્થિક ટેકા વિનાની કહેવામાં આવી છે પરંતુ સરકારે ધીમે ધીમે પર્યાવરણની સુરક્ષા તરફ પગલાં લેવાનું શરુ કર્યું છે. લંડનમાં અને યુકેના બીજા વિસ્તારોમાં સાઇકલ ચલાવાવને ખુબ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ઇલેક્ટ્રિક કાર માટે પાર્કિંગ ચાર્જ અને બીજા કેટલાય પ્રકારના ચાર્જ ઓછા હોય છે અથવા તો મફત હોય છે. આ રીતે લોકોને વધારે ઇલેક્ટ્રિક કાર ખરીદવાનું પણ પ્રોત્સાહન આપે છે. સમુદ્રની સપાટી પર પવનચક્કીઓ સ્થાપવાનું કામ પણ પુરજોશમાં ચાલી રહ્યું છે.
યુનાઇટેડ નેશન્સની ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ ઓફ પાર્ટીસની ૨૬મી બેઠકનું આયોજન ૨૦૨૧માં સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં થવાનું છે. તેનું નૈતૃત્વ યુકે પાસે હોવાથી અહીંની સરકારે પર્યાવરણને લગતા અનેક પગલાં લીધા છે તે સ્વાભાવિક છે.