વર્ષ ૨૦૨૧ શરુ થયું અને લોકોએ અનેક નવી આશા સાથે શરૂઆત કરી છે.
ગયું વર્ષ અનેકરીતે આપણા માટે મહત્ત્વપૂર્ણ બની રહ્યું અને વર્ષ દરમિયાન એવી ઘટનાઓ બની કે જે ઇતિહાસ બની જશે. ત્રણ એવી કેટલીક ઘટનાઓ કે જેને કારણે આપણી ધારણાઓ બદલાઈ ગઈ અને જેવું ક્યારેય વિચાર્યું ન હોય તેવા બોધપાઠ આપણને મળ્યા છે.
સૌથી મહત્ત્વની સામાજિક ચળવળ તરીકે ‘બ્લેક લાઇવ્સ મેટર્સ’ આંદોલન શરુ થયું અને તેની અસર વિશ્વભરમાં વૈચારિક રીતે ફેલાઈ છે. અમેરિકામાં જ્યોર્જ ફ્લોઇડના પોલીસ અધિકારી દ્વારા તેની ગરદન ઘૂંટણથી વજન દેવાને કારણે થયેલા મૃત્યુના પ્રત્યાઘાત રૂપે વિશ્વભરમાં લોકોએ રેશીઅલ – વંશીય – ભેદભાવો વિરુદ્ધ આંદોલન શરુ કર્યું. આ આંદોલન કેટલાક દેશોમાં હિંસક પણ બન્યું અને લોકોને જાનમાલનું નુકશાન થયું. કેટલાય દેશોમાં પૂતળા હટાવવાની માંગ થઇ અને કેટલાક સ્થળોએ આંદોલનકારીઓએ પૂતળા તોળી પડ્યા. આ ઘટનાએ વિશ્વમાં આજે પણ ચાલી રહેલી વંશીય ભેદભાવની નીતિથી વાકેફ કરાવ્યા અને આપણને સૌને સમજાયું કે વિકસિત ગણાતા દેશોમાં પણ આવા ભેદભાવ અસ્તિત્વ ધરાવે છે અને જો તેમનો સમયસર નિકાલ કરવામાં નહિ આવે તો સમાજમાં એવી તિરાડ પડશે કે જેને સદીઓ સુધી સાંધી નહિ શકાય.
કોરોના વિશ્વભરમાં ફેલાયેલો રહ્યો અને માનવજાત આશા-નિરાશા વચ્ચે હિલ્લોળા લેતી રહી. જે તે સમયે ખુબ મોટા પ્રમાણમાં ફેલાયેલો રોગ લોકડાઉન અને બીજા કેટલાય પ્રયત્નોને કારણે ધીમે ધીમે ઓછો થયો અને લોકોમાં આશા જાગી કે વર્ષના અંત સુધીમાં વાઇરસ ગાયબ થઇ જશે. તેમાં વળી નવી નવી રસીઓ પર ચાલતા સંશોધનોને કારણે આ આશા વધારે મજબૂત બની. ફૈઝારની અને પછી ઓક્સફર્ડની રસીઓને માન્યતા મળવા મંડી અને એવું લાગ્યું કે ૨૦૨૦ના વર્ષની સાથે કોરોના પણ સમાપ્ત થશે. પરંતુ ત્યારે યુકેમાં નવો સ્ટ્રેઇન આવ્યો અને તે ખતરનાક રીતે ફેલાવા લાગ્યો જેને કારણે કેટલાય દેશોએ યુકેથી આવતા ફ્લાઇટ પર રોક લગાવી દીધી છે. આ ઘટના આપણા માટે એ વાતની સૂચક છે કે આપણી અને કુદરત વચ્ચેની સંતાકૂકડીમાં કુદરત ક્યારે કેવો વળાંક લે તે નક્કી નથી હોતું. માનવજીવન પણ એટલું ક્ષણભંગુર છે કે ક્યારે કોઈ મહાભયાનક રોગચાળો ફાટી નીકળે જેને નિયંત્રણમાં લેવા આખી દુનિયાભરના વૈજ્ઞાનિકો વર્ષભરથી મહેનતમાં લાગી રહ્યા હોય તો પણ તેનો ઉકેલ ન મળે.
તેના ઉપરાંત એક સૌથી મહત્ત્વની બીજી ઘટના હતી અમેરિકાના પ્રેસિડેન્ટ માટેનું ઈલેક્શન. અમેરિકન પ્રેસિડેન્ટની ચૂંટણી વિશ્વ માટે મહત્ત્વ ધવરાવે છે અને તેમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને તેના પ્રતિદ્વંદી જોઈ બૈંડેન વચ્ચે થયેલા ચૂંટણી જંગે સૌનું ધ્યાન ખેંચ્યું. ચૂંટણી બાદ સત્તારૂઢ ૪૫માં પ્રમુખ ટ્રમ્પ અને તેના સમર્થકોએ પરિણામને કોર્ટમાં પડકાર્યા હતા. અમેરિકાના ઇતિહાસમાં આવું ભાગ્યે જ ક્યારેક બન્યું હશે અને તેનાથી આખા વિશ્વના સમાચારપત્રોની સુરખીઓમાં તેઓ છવાયેલા રહ્યા. આ બાબત આપણા માટે એક પાઠ લઈને આવે છે કે સૌથી શક્તિશાળી, સમૃદ્ધ અને વિકસિત ગણાતા દેશમાં પણ આવી રાજનીતિક સ્થિતિ સર્જાઈ શકે છે જ્યાં આખી દુનિયામાં તે અમાજકને પાત્ર બની શકે. અમેરિકાના ૪૫માં પ્રમુખપદે બેઠેલ વ્યક્તિની કેટલીક વર્તણુક લોકોએ ખુબ ટીકા કરી.
આવનારું વર્ષ આપણને આવા કડવા પાઠ ન ભણાવે અને આ કપરી મુસાફરીનો અંત આવે તેવી શુભેચ્છા સાથે વર્ષ ૨૦૨૧માં પ્રવેશ કરીએ. આવનારા વર્ષ દરમિયાન કેટલાક મહત્ત્વપૂર્ણ પ્રસંગો બનવાના છે જે આપણા સૌ માટે આશા લઈને આવશે. આ પૈકી એક મહત્ત્વપૂર્ણ શિખર મંત્રણા છે સંયુક્ત રાષ્ટ્રોની કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ – કોપ ૨૬ જે સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાશે. આ શિખરમંત્રણા અંતર્ગત વિશ્વના દેશો ક્લાઈમેટ ચેન્જ અંગે પોતપોતાના ટાર્ગેટ નક્કી કરશે અને પોતાના કમિટમેન્ટ નક્કી કરશે. આ ઈમ્પોર્ટન્ટ મંત્રણા દ્વારા વિશ્વના આવનારા સમયમાં ગ્લોબલ વાર્મિંગની કેટલી અસર થશે અને બધા દેશો કેટલા ગંભીર બનીને આ સમસ્યાનો ઉકેલ લાવવા તૈયાર છે તે નક્કી થશે. વિશ્વના લોકો અનેક રીતે ગ્લોબલ વોર્મિંગનો શિકાર બની રહ્યા છે પરંતુ વૈજ્ઞાનિક જાણકારીના અભાવને કારણે તેના અંગે માહિતગાર નથી ત્યારે વિવિધ દેશોની સરકારો આ સમસ્યાને ઉકેલવા કેટલી ગંભીરતાથી પ્રયત્ન કરે છે તે આવનારા સમયમાં આપણું જીવન કેવું હશે તે નિશ્ચિત કરવામાં મોટો ભાગ ભજવશે.