આપણા સમાજમાં વર્ષોથી કેટલીક દંતકથાઓ અને અન્ધશ્રદ્ધાવાળી વાર્તાઓ પ્રચલિત બની જતી હોય છે અને તત્કાલીન સમયમાં તેની પાછળ કોઈ તર્ક ન જણાય તેમ છતાંય સમાજનો મોટો વર્ગ તેને માનતો હોય છે. ક્યારેક તેને સત્તાવાર રીતે પણ સ્વીકારવામાં આવે છે. બ્રિટનમાં પણ આવી જ એક દંતકથા ટાવર ઓફ લંડનના કાગડાઓને લઈને પ્રચલિત છે.

બ્રિટન એવી દંતકથા કે અંધશ્રદ્ધા ધરાવે છે કે જો ટાવર ઓફ લંડનના કાગડાઓ ખોવાઈ જાય અથવા ઉડી જાય કે મારી જાય અને ત્યાં કોઈ કાગડો ન રહે તો ક્રાઉન – તાજ એટલે કે મહારાણીની સત્તા જશે અને તેની સાથે બ્રિટન પણ પડી ભાંગશે. તેને કારણે ઓછામાં ઓછા છ કાગડાઓનું એક જૂથ ટાવર ઓફ લંડનમાં રાખવામાં આવે છે. તેમની હાજરી પરંપરાગત રીતે ક્રાઉન અને ટાવરની સુરક્ષા માટે જરૂરી અને શુભ માનવામાં આવે છે.

તેને કારણે કાયદા અનુસાર ટાવર ઓફ લંડનમાં છ કાગડા રાખવામાં ફરજીયાત છે અને તેમને સાંભળવા માટે રેવેનમાસ્ટર – કાગડાઓનો માસ્ટર પણ રાખવામાં આવે છે. તેમની અધિકૃત રીતે દેખભાળ કરવામાં આવે ચેહ અને તેમને સાચવવાનો પ્રોટોકોલ હોય છે. અત્યારે ટાવર ઓફ લંડનમાં સાત કાગડાઓ રહેતા હતા જેના નામ જ્યુબિલી, હેરિસ, ગ્રીપ, રોકી, એરિન, પોપી અને મર્લિના છે. આ પૈકી તેમનામાં સૌથી પ્રેમાળ અને રાણી ગણાતો કાગળો મર્લિના છેલ્લા કેટલાક સમયથી મળતો નથી. તેને લઈને લોકોમાં ડર પણ ફેલાયો છે કે શું દંતકથા પ્રમાણે કાગડાનું ગૂમ થવું કે ખોવાવું કોઈ અપશુકનના એંધાણ છે?

ટાવરના સત્તાવાર ઇતિહાસકાર સહિત કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે ટાવરની કાગડાઓ વિશેની દંતકથા વિક્ટોરિયન સમયગાળાની વાત હોઇ શકે. ટાવર ઓફ લંડન ઈસુની ૧૧મી સદીના અંતમાં બનાવવામાં આવ્યું હતું અને પ્રારંભિક ઐતિહાસિક અહેવાલો અનુસાર કાગડાઓ લગભગ ઈસુની ૧૬મી સદીથી ત્યાં રહે છે. ટાવર પર રાખવામાં આવતા બંદી કાગડાઓનો સૌથી પહેલો સંદર્ભ ઈ.સ. ૧૮૮૩માં મળે છે. પહેલા તો ખુલ્લા કાગડાઓ બ્રિટનના શહેરોમાં પણ સામાન્ય રીતે જોવા મળતા. જ્યારે તેઓ લંડન સહિત બીજા કેટલાય શહેરોમાંથી ખતમ થઇ ગયા ત્યારે તેઓ ફક્ત બંદીમાં ટાવરમાં જ અસ્તિત્વમાં રહી ગયા.

બીજા વિશ્વયુદ્ધમાં કાગડાઓ દુશ્મનના બોમ્બ અને વિમાનો દેખાય તો સત્તાધિકારીઓને માહિતી આપવા ઉપયોગમાં લેવામાં આવતા. પરંતુ વિશ્વયુદ્ધ દરમિયાન આ કાગડાઓમાંના એક સિવાય બધા જ કાં તો બોમ્બ ધડાકામાં અથવા બીજી કોઈ રીતે મરી ગયા. આ ઘટનાએ ફરીથી જૂની દંતકથાનો ભય ફેલાવ્યો કે જો બધા કાગડા મારી જશે તો ટાવર અને દેશ પડી જશે. આ પછી જુલાઈ ઈ.સ. ૧૯૪૪માં તત્કાલીન વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલે વધારે કાગડાઓ ઉછેરવાનો અને લાવવાનો આદેશ આપેલો. આ રીતે આધુનિક સમયમાં પણ લોકોએ કાગડાઓની હાજરી ટાવર ઓફ લંડનમાં હોય તેને જરૂરી માન્યું છે.

ટાવર ઓફ લંડનમાં ૧૯૮૭થી કાગડાઓનું સંવર્ધન કરવામાં આવે છે. એક કાગડાની જોડી – ચાર્લી અને રિયાસ નામની કાગડાની જોડીએ સમય રહેતા ૧૭ જેટલા કાગડાઓને જન્મ આપેલો અને તેઓ ટાવરમાં રહેતા હતા. પરંતુ એક વખત ચાર્લીએ ઉડતા ઉડતા બૉમ્બ સ્કોડના એક કૂતરાને (જેનું નામ પણ ચાર્લી જ હતું) તેને ચાંચ મારી અને કૂતરાએ તે કાગડાને પકડી લીધો અને તેને કારણે ચાર્લીનું મૃત્યુ થયેલું.  

વર્ષ ૨૦૧૧થી રેવેનમાસ્ટર તરીકે ક્રિસ્ટોફર સ્કેઇફે કામ કરે છે અને તેણે કાગડાઓને વધારે ઉડવા દેવાની અને તેમની પાંખોને ઓછી વખત કલીપ કરવાનું અને બાંધવાનું નક્કી કરેલું. તે કાગડાઓને ટાવરમાં ઉડવા દેતો અને મર્લિનાને તો તે થેમ્સ નદીના કિનારે ટાવરની બહાર પણ ઉડવા દેતો કેમ કે તે ક્રિસ્ટોફર સાથેના હેતને કારણે પાછી આવી જતી. પરંતુ અત્યારે મર્લિના ગાયબ છે અને તે ઉડી ગઈ હોવાનું કે પછી મારી ગઈ હોવાનું અનુમાન છે. અહીંના સમાચારપત્રોમાં પણ આ કાગડાના ગૂમ થવા વિષે ઘણા સમાચાર આવ્યા છે અને કેટલાક લોકો તેણે અપશુકન પણ માની રહ્યા છે. અત્યારે જે રીતે બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેઇન હાહાકાર મચાવી રહ્યો છે તે જોતા તો કૈંક અપશુકન થયા હોવાની લોકોની માન્યતા વધારે પ્રબળ બને તેવું છે.