ડેડલાઈન ન હોય તો કામ સમયસર ન થાય એ વાતનો અનુભવ આપણને સૌને કેટલીયવાર થયો હશે. કેટલાક લોકોને કામ આપીએ અને કહીએ કે તે અમુક સમય સુધીમાં પૂરું કરવાનું છે તો તેઓ તણાવમાં આવી જાય છે અને તેમનાથી કામ થતું જ નથી. પરંતુ તેની સામે કેટલાય લોકો એવા પણ હોય છે કે તેમને ખુલ્લી સમયમર્યાદા આપી દઈએ તો પણ કામ થતું નથી! કારણ શું? દરેક વ્યક્તિનો પોતપોતાનો સ્વભાવ હોય છે કામ અને લક્ષ્યાંકો પુરા કરવાનો. કેટલાક લોકોને પોતાની સવલત અનુસાર કામ કરવું ગમે છે જયારે બીજા લોકો માટે કામ એટલે કામ, ક્યારે કરવાનું કહીએ તેનો કોઈ તફાવત નહિ.

કલાકારો અને પોતાનું સ્વતંત્ર કામ કરતા લોકોને સમયનું બંધન ગમતું નથી. બિઝનેસમેન પણ નોકરિયાત જેટલી સમયની પાબંધી સ્વીકારવા ટેવાયેલો હોતો નથી. ટૂંકમાં જે લોકોએ સ્વ-અનુકૂળતા મુજબ કામ કર્યું હોય તેમને કામ કરવાની પદ્ધતિ કે સમયમર્યાદા આપવામાં આવે તો તેઓને અકળામણ થાય છે. લેખકો અને કલાકારો તો એવું માને છે કે તેમની પ્રેરણા અને અંતઃસ્ફૂર્ણા ન ઉભરાય ત્યાં સુધી તેઓ કામ ન કરી શકે, કઈ નવું સર્જન ન કરી શકે. આ વાત કેટલી સાચી તે પ્રયોગનો વિષય છે, કેમ કે જે લેખકો અને કલાકારો કોઈ નોકરીમાં રહીને પોતાનું લેખન કે અન્ય સર્જનાત્મક કામ કરતા હોય તેઓને તો ડેડલાઈન ફોલૉ કરવી જ પડતી હોય છે ને?

‘ધ ડેડલાઈન ઈફેક્ટ’ નામના પુસ્તકમાં તેના લેખક ક્રિસ્ટોફર કોક્સ એવી દલીલ કરે છે કે આપણે બધા જયારે થોડા ફોકસ સાથે, એક ગોલ સામે રાખીને કામ કરીએ ત્યારે વધારે પ્રોડક્ટિવ હોઈએ છીએ. સામે દેખાઈ રહેલી સમયની રેખા આપણા મનમાં એક મોટિવેશન અને દિશાદર્શકનું કામ કરે છે. આપણને ખબર હોય કે ત્રણ દિવસમાં એક કામ પૂરું કરવાનું છે તો તેના અંગે પ્લાનિંગ કરીએ છીએ, ઉપલબ્ધ સંસાધનો અને પોતાની ક્ષમતાનો અંદાજ કાઢીએ છીએ અને પછી રિવર્સ કાઉન્ટ-ડાઉન કરીને કામે લાગી જઈએ છીએ. જેમ શાળાઓમાં પરીક્ષા લેવાય તેમાં આપણી પાસે કોઈ વિકલ્પ ન હોવાથી બધી શક્તિ કામે લગાડીને શક્ય હોય તેટલું ઉત્તમ પરિણામ લાવવા માટે દિવસ રાત એક કરી દઈએ છીએ તેવી જ રીતે આપણી સામે કોઈ ડેડલાઈન હોય તો આપેલું કામ શ્રેષ્ઠ રીતે કરવા પ્રેરાઈયે છીએ.

ખરેખર તો કામ માટે કેટલો સમય લાગશે અને તે ઓછા સમયમાં કરશું તો સારું નહિ થાય કે પછી વધારે સમય આપવાથી પરિણામ બહેતરીન આવશે એવી ધારણાઓ ક્યારેક તદ્દન ખોટી હોય છે. કોઈ કામ પોતાની રીતે જ સમય માંગી લે તેવું હોય તે વાત સાચી પરંતુ કેટલાક કાર્યો તો એવા હોય છે કે જે બહુ ઓછા સમયમાં પુરા થઇ શકે. પરંતુ તેને શરુ જ ન કરીએ તો સમયસર પૂરું થવાનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી. આ રીતે કામમાં વિલંબ કરવાની વૃત્તિ પણ આપણી ડેડલાઈન મિસ થવા માટે જવાબદાર હોય છે. ઓફિસમાં ટેબલ પર કાગળ પડ્યું હોય, ફાઈલ પડી હોય પણ તેના પર કામ શરુ જ ન થાય, તેના અંગે કોઈ નિર્ણય જ ન લેવાય તેવું કેટલીયવાર બનતું હોય છે.

હવે પછી કોઈ કામ તમારી સામે આવે ત્યારે તેના માટે જાતે જ એક ડેડલાઈન નક્કી કરીને જોઈ લેજો. શક્ય છે કે ડેડલાઇનને કારણે કામ ઝડપથી પણ પાર પડી જાય અને વાસ્તવમાં તેની ગુણવત્તામાં કોઈ તફાવત પણ જોવા ન મળે. જલ્દી કામ પતાવવાથી ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરવું પડશે તેવો વિચાર છોડીને એકવાર વાજબી સમયમર્યાદામાં કામ પૂરું કરવાની નેમ સેવી જુઓ અને પછી નક્કી કરો કે દરેક કામ માટે સમય નક્કી કરવો ફાયદાકારક છે કે કેમ?