આફ્રિકાના પૂર્વ કિનારે સ્થિત કેન્યા લગભગ પાંચ લાખ એંસી હજાર ચોરસ કિમિ જેટલો વિસ્તાર ધરાવે છે. ગુજરાતનો વિસ્તાર બે લાખ ચોરસ કિમિથી થોડો ઓછો છે, એટલે ગુજરાત કરતા લગભગ અઢી ગણો વિસ્તાર કહેવાય. બીજી રીતે જોઈએ તો મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશને જોડીએ તો તેનાથી કેન્યા થોડું નાનું રહે. આફ્રિકાના ૫૪ દેશોમાં સૌથી મોટો દેશ અલ્જીરિયા છે જેનો વિસ્તાર ચોવીસ લાખ ચોરસ કીમીથી થોડો ઓછો છે. કેન્યા વિસ્તારની દ્રષ્ટિએ આફ્રિકામાં ૨૩માં ક્રમે આવે છે અને વિશ્વમાં ૪૮માં ક્રમે છે.

ગુજરાતથી અઢી ગણો મોટો હોવા છતાં કેન્યાની વસ્તી લગભગ સવા પાંચ કરોડ જેટલી છે જયારે ગુજરાતમાં સવા છ કરોડ જેટલા લોકો વસે છે. એ રીતે જોઈએ તો આપણે ત્યાં કેન્યા કરતા ત્રણેક ગણી વસ્તી ગીચતા છે. દેશની અર્થવ્યવસ્થાનું કદ લગભગ ૧૦૦ બિલિયન ડોલર જેટલું છે, ફરીથી ગુજરાતની જીડીપી લગભગ ૨૪૦ બિલિયન ડોલર જેટલી છે, એટલે અઢી ગણી મોટી છે. ભારતની માથાદીઠ આવક ખરીદ શક્તિના પ્રમાણમાં ૬,૪૦૦ ડોલર જેટલી છે જયારે કેન્યાની ૪,૪૦૦ ડોલર જેટલી છે. ગુજરાતની માથાદીઠ આવક ૩,૦૦૦ ડોલર જેટલી છે એટલે કે ત્યાં કેન્યાની સરખામણીમાં મોંઘવારી વધારે છે. પરંતુ અહીં વસતા ગુજરાતીઓની માથાદીઠ આવક તો ઘણી વધારે હશે કેમ કે તેઓ દેશના બીજા લોકોની સરખામણીમાં ઘણા સમૃદ્ધ છે. ટૂંકમાં કહીએ તો કેન્યામાં રહેનારા લોકો સામાન્યતઃ ગુજરાત કરતા વધારે મોકળાશથી રહી શકે છે અને તેમની ખરીદશક્તિ પણ વધારે હોવાથી વધારે આરામદાયક જીવન જીવી શકે છે. નોકર-ચાકર અને બીજી સુવિધાઓ પણ આસાનીથી પ્રાપ્ય છે અને પ્રમાણમાં સસ્તી છે.

અહીંના લોકો ભારતીયોને પસંદ કરે છે, તેમની સાથે હળીમળીને રહે છે અને સામાન્ય જીવનમાં તેમની વચ્ચે કોઈ તકરાર દેખાતી નથી. ભારતીય સહકારથી કેન્યામાં ઘણા પ્રોજેક્ટ પણ ચાલે છે અને ભણવા માટે તેઓ ભારત જવાનું પસંદ કરે છે. આપણી સરકાર તરફથી કેન્યાના લોકોને અનેક સ્કોલરશીપ પણ આપવામાં આવે છે જે અહીં ખુબ લોકપ્રિય છે. ભારતમાં ભણેલા કેન્યન લોકો ઘણી સારી પોસ્ટ પર સ્થિત છે અને વેપાર ધંધામાં પણ આગળ પડતા હોય છે.

અત્યારે ચૂંટણીનો માહોલ હોવાથી ઠેર ઠેર પ્રેસિડેન્ટ અને ડેપ્યુટી પ્રેસિડેન્ટના પોસ્ટર લાગેલા છે. અહીં ૪૭ જેટલી કાઉન્ટી છે જેને આપણે ભારતના રાજ્ય સાથે સરખાવી શકીએ. દરેક કાઉન્ટી માટે ગવર્નરની ચૂંટણી પણ એકસાથે જ થવાની છે. ઉપરાંત કેન્યાની પાર્લામેન્ટ માટે મેમ્બર્સ, કાઉન્ટી માટે કાઉન્સિલર્સ વગેરે પણ આ એક જ દિવસમાં ચૂંટાઈ જશે. દરેક મતદાર એકસાથે જ મત આપશે અને અલગ અલગ સત્તા માટે અલગ અલગ ચૂંટણીઓ કરવાની જરૂર નહિ પડે. આ ચૂંટણી પાંચ વર્ષ માટે પ્રેસિડેન્ટને સત્તા આપશે. બંધારણ અનુસાર કોઈ પણ પ્રેસિડેન્ટ મહત્તમ બે વાર સત્તા પર રહી શકે, ત્રીજી વાર કોઈ પ્રેસિડેન્ટ બની શકે નહિ. એ કારણથી જ અત્યારના પ્રેસિડેન્ટ ઉહુરુ કેન્યાટા આ ફરીથી ચૂંટણીમાં ઉમેદવારી કરી શક્યા નથી અને તેમણે પોતાનો સપોર્ટ રાયલા ઓડિંગાને આપ્યો છે. રસપ્રદ વાત એ છે કે કેન્યાટા સાથે વિલિયમ રૂટો કે જે ડેપ્યુટી પ્રેસિડેન્ટ હતા તે પણ પ્રેસિડેન્ટ માટે ઉમેદવારી કરી રહ્યા છે પરંતુ કેન્યાટાએ તેનો સાથ આપ્યો નથી. એ કારણથી આ ચૂંટણી વધારે રસાકસી વાળી બની છે. ઉપરાંત અહીંના લોકો કહી રહ્યા છે કે મતદાન મોટા ભાગે ટ્રાઈબ – જાતિના આધારે થાય છે એટલે તે પરિબળ પણ ચૂંટણીમાં પોતાની અસર બતાવશે તેમાં કોઈ શક નથી.

એકંદરે જોઈએ તો ચૂંટણીનો માહોલ અહીંની દરેક પ્રવૃતિઓ પર અસર કરી રહ્યો છે અને આંતરિક તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણીને લગતી હિંસાની ઘટનાઓ પણ બની શકે એટલે થોડું સાચવીને રહેવું આવશ્યક છે. જો કે રોજબરોજની સ્થિતિ જોતા અત્યારે તો શાંતિ જણાય છે અને કદાચ બધું શાંતિથી પતી જશે તેવું લાગી રહ્યું છે.