આમ તો સ્ત્રી પોતાના પાર્ટનર, પ્રેમી કે પતિની પસંદગી કરે ત્યારે કેટલીય બાબતો અંગે વિચાર કરે છે. દરેક યુવતીની પોતાની ચોઈસ હોય છે. કોઈને ગોરો તો કોઈને શામળો પુરુષ પસંદ હોય છે, કોઈને પાતળો અને લાંબો તો કોઈને મજબૂત બંધનો મર્દ પસંદ આવે છે. કેટલીક યુવતીઓ હસમુખો અને મળતાવડો પ્રેમી પસંદ કરે છે જયારે કેટલીક સુંદરીઓને ગંભીર અને પ્રભાવી માણસ ઈમ્પ્રેસ કરી શકે છે. પતિની પસંદગીમાં પણ આ બધી બાબતો જરૂર મહત્ત્વ ધરાવે છે પરંતુ સાથે સાથે તેનું ફાઇનાન્સિયલ સ્ટેટસ, નોકરી ધંધાની સ્થિત, તેનો પરિવાર વગેરે પરિબળો પણ ઉમેરાઈ જાય છે. આ બધી જ વાતો કરતા પણ વધારે મહત્ત્વની એક બાબત છે જે સ્ત્રીની પુરુષને પસંદ કરવાની બાબતમાં સામે આવે છે અને તે છે – પોતાના પિતા સાથે સામ્યતા.
કેટલાય અભ્યાસ દર્શાવે છે કે સ્ત્રી સામાન્ય રીતે એવા પુરુષને પસંદ કરે છે જે કોઈને કોઈ રીતે પોતાના પિતા જેવા ગુણો ધરાવતો હોય. કોઈ પ્રકારની સામ્યતા પોતાના પિતા સાથે દેખાય તેવા વ્યક્તિને સ્ત્રી પોતાના જીવન સાથી તરીકે, પ્રેમી તરીકે પસંદ કરે તેવું બનતું હોય છે. જો કે મોટાભાગે આ સભાન નિર્ણય હોતો નથી, અર્ધજાગ્રતપણે, સબકોન્સીઅસલી લેવાયેલા આવા નિર્ણય પાછળ યુવતીએ બાળપણથી મોટા થવા સુધી પોતાના પિતાના જોયેલા સારા ગુણો પ્રત્યેના આદર અને આકર્ષણ સમાયેલા હોય છે. કાર્લ યંગ નામના મનોવૈજ્ઞાનિકના કહેવા અનુસાર પોતાના બાળપણમાં સ્ત્રી પિતા પ્રત્યે આકર્ષાય છે, પ્રેમ અનુભવે છે અને એટલા માટે જ તે માતા સામે ક્યારેક ઈર્ષ્યાની લાગણી પણ અનુભવે છે. તે પણ એક કારણ છે કે મોટી થઈને યુવતી પુરુષમાં અર્ધજાગ્રતપણે પણ પોતાના પિતા જેવા સદ્ગુણો શોધવાની કોશિશ કરતી રહે છે અને ખાસ કરીને જો તે બાળપણમાં પિતા સાથે સારા સંબંધ ધરાવતી હોય તો ચોક્કસપણે તેની અસર પ્રેમીની પસંદગીમાં પડે તેવી સંભાવના હોય છે.
કેટલીય સ્ત્રીઓ પણ આ બાબત સાથે સહમત થાય છે કે તેઓ પોતાના પિતા જેવા પ્રેમાળ, લાગણીશીલ અને મળતાવડા પુરુષોને વધારે પસંદ કરે છે, તેમની સાથે સહેલાઈથી હળીમળી શકે છે, મિત્ર બનાવી શકે છે અને શક્ય છે કે જીવનભર પણ રહેવાનો નિર્ણય કરી શકે છે. આ મનોવૈજ્ઞાનિક કારણ ઉપરાંત ઘણા સામાજિક કારણ પણ હોય છે જે સ્ત્રીને પુરુષોમાં પિતા જેવા ગુણો જોવા પ્રેરે છે. એક તો આપણા સમાજમાં હજી પણ સ્ત્રી પોતાના રક્ષણ માટે પુરુષ પાસેથી અપેક્ષા રાખે છે. તેને લાગે છે કે તકલીફના સમયમાં તેના પુરુષ પાર્ટનરની જવાબદારી બને છે કે તેની રક્ષા કરે, પછી ભલે તે શારીરિક હોય, આર્થિક તકલીફ હોય કે સામાજિક પ્રસંગમાં કોઈ એવી સ્થિતિ આવી હોય. આ દરેક ક્ષણે સ્ત્રીને પુરુષ પાસે રક્ષણ અને સહકારની અપેક્ષા રહે છે. દરેક બાળક શરૂઆતથી જ પિતાના રક્ષણ અને સહકારથી મોટું થાય છે એટલે પિતાની છબી આપણા સૌ પર ગહન રીતે છપાયેલી હોય છે. આ છબી જ સ્ત્રીના મન પર પ્રતિબિંબિત થઈને એક સ્કેનર જેવું કામ કરે છે અને જે પુરુષો તેમાં બંધ બેસે તેને તે સરળતાથી સ્વીકારી શકે છે.
દરેક સ્ત્રીની પોતાની આગવી પ્રાથમિકતા અને પસંદગી હોઈ શકે તેમાં કોઈ દલીલ નથી પરંતુ આ તરણ પણ કેટલાય મનોવૈજ્ઞાનિક અભ્યાસ આધારિત છે. તેની સાથે કેટલીય મહિલાઓ સહમત થાય છે. પુરુષો પણ કેટલીયવાર અનુભવે છે કે તેમની પ્રેમિકા કે પત્ની હંમેશા પોતાના પિતા સાથે તેમની સરખામણી કરતી રહેતી હોય છે. તે ખુબ જ સહજ અને સ્વાભાવિક છે અને તેનું કારણ પણ સ્પષ્ટ છે. એવી યુવતીઓ કે તેમના બાળપણ અને કિશોરાવસ્થામાં પિતા સાથે સંબંધો સારા ન હોય તે તદ્દન વિરુદ્ધ પસંદગી ધરાવે તેવું પણ શક્ય છે. તેવી સ્ત્રીઓ પોતાના પિતા જેવા પુરુષથી દૂર રહેવાની કોશિશ કરે, તેમનાથી ઈમ્પ્રેસ ન થાય અને કદાચ તેમનાથી ડરે પણ ખરા. પરંતુ અન્યથા દરેક સ્ત્રી પુરુષમાં પોતાના પિતા જેવા ગુણો શોધીને તેને પરણે છે તેવા તારણો મોટાભાગે સ્વીકાર્ય છે.