કેન્યામાં ૧૨મી ડિસેમ્બરના રોજ જમુરી ડે ઉજવાય છે. જમુરી ડે કેન્યાનો પ્રજાસત્તાક દિવસ. જમુરી શબ્દ આમ તો અરેબિક કે પર્સીયન શબ્દ છે અને તે સ્વાહીલીમાં પણ ઉતરી આવ્યો છે. તેનો અર્થ છે પ્રજાસત્તાક. ૧૨મી ડિસેમ્બર ૧૯૬૪ના રોજ કેન્યા પ્રજાસત્તાક બન્યું. ૧લી જૂન ૧૯૬૩ના રોજ કેન્યાને યુનાઇટેડ કિંગડમ (બ્રિટિશ) શાસનમાંથી સ્વતંત્રતા મળી અને ત્યારથી તેને સ્વ-શાસન શરુ કર્યું પરંતુ તેના લગભગ એક વર્ષ અને છ મહિના બાદ કેન્યા પ્રજાસત્તાક બન્યું. ત્યારથી દરવર્ષે ૧૨મી ડિસેમ્બરને જમુરી ડે તરીકે ઉજવવામાં આવે છે. ૧લી જુનને મદરકા ડે તરીકે ઉજવાય છે. મદરકા શબ્દ પણ સ્વાહિલી ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય છે સત્તા, શાસન. વર્ષ ૧૯૨૦થી યુકેના શાસનમાં રહેલ કેન્યા ૧લી જૂન ૧૯૬૩ના રોજ સ્વ-શાસિત તો થયું પરંતુ તે માત્ર આંતરિક શાસનની આઝાદી હતી. તે સંપૂર્ણ પણે પ્રજાસત્તાક તો ૧૨મી ડિસેમ્બર ૧૯૬૪ના રોજ જ બન્યું.

આ દિવસે કેન્યાના રાષ્ટ્રપતિ સૈન્યની પરેડ નિહાળે છે, તેની સલામી સ્વીકારે છે અને રાષ્ટ્રને સંબોધે છે. આ વર્ષે પણ રાષ્ટ્રપતિ વિલિયમ રુટોએ જમુરી ડેના દિવસે રાષ્ટ્રની સેનાની પરેડ નિહાળી અને દેશની જનતાને સંબોધિત કરી. આ વર્ષથી રાષ્ટ્રપતિએ નક્કી કર્યું છે કે દરેક રાષ્ટ્રીય તહેવાયને એક થીમ આપવામાં આવશે. જમુરિ ડેના દિવસે પહેલીવાર આ રીતે થીમ આપવાની પ્રથાની શરૂઆત કરીને આ દિવસને ટેક્નોલોજી અને ઇનોવેશન ડે તરીકે પણ ઉજવવામાં આવ્યો. તેનો ઉદ્દેશ્ય દેશમાં ટેક્નોલોજીનો વિકાસ કરવાનો અને શંશોધન, નવીનીકરણ, ઇનોવેશનને પ્રોત્સાહન આપવાનો છે. કેન્યા અંગ્રેજી બોલતા યુવાનોનો દેશ છે. અહીંની પ્રજાની શરેરાશ વય ઘણી ઓછી છે અને મોટાભાગની પ્રજા યુવાનીના વર્ષોમાં છે. ભણતર પણ સારું છે અને બધું જ શિક્ષણ અંગ્રેજીમાં થાય છે. આ બધા પરિબળોનો ઉપયોગ કરીને દેશને તકનીકી ક્ષેત્રે આગળ વધારવાનો પ્રયત્ન રાષ્ટ્રપતિની નેતાગીરી હેઠળ થઇ રહ્યો છે.

જમુરી ડે પર આપણા પ્રજાસત્તાક દિવસની જેમ રાષ્ટ્રીય સમ્માન પણ એનાયત કરવામાં આવે છે. આ વર્ષે કેન્યાના જમુરી ડે પર કેટલાય રાષ્ટ્રીય સમ્માન આપવામાં આવ્યા જે પૈકી કેટલાક સમ્માન ભારતીય મૂળના લોકોને પણ એનાયત થયા છે. અગાઉ ઘણીવાર કહ્યું તેમ ભારતીયમૂળના કેન્યન લોકોનું અહીંના સમાજમાં ખુબ સમ્માન અને આદર થાય છે. તેઓની કેન્યાની અર્થવ્યવસ્થા તેમજ સમાજવ્યવસ્થાને મજબૂત બનાવવામાં જે ભૂમિકા છે તેને લઈને અહીંના લોકો તથા સરકાર એકંદરે ખુબ સકારાત્મક વલણ ધરાવે છે.

આ વર્ષે રાષ્ટ્રપતિ વિલિયમ રુટોએ દાવુદી વોહરા કોમ્યુનિટીના સર્વોચ્ચ ધાર્મિક ગુરુ શ્રી સયેદના મુફદ્દલ સૈફુદ્દીનને તેમના અને સમુદાયના પરોપકારના કર્યો માટે કેન્યાનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરષ્કાર ઓર્ડર ઓફ ધ ગોલ્ડન હાર્ટ એનાયત કર્યો. તેમને આ એવોર્ડ માટે રાષ્ટ્રપતિએ ખાસ સ્ટેટ ગેસ્ટ તરીકે આમંત્રણ આપીને બોલાવેલા. આ પહેલા તેમને ચીફ ઓફ ધ ઓર્ડર ઓફ ધ ગોલડન હાર્ટ વર્ષ ૨૦૧૭માં પણ મળી ચુક્યો છે જે પૂર્વ રાષ્ટ્રપતિ ઉહુરુ કેન્યાટાએ અર્પણ કરેલો. દાવુદી સમુદાયના લોકોએ બે સદીથી વધારે સમયથી કેન્યાને પોતાનું ઘર બનાવેલું છે અને તેઓ અનેક રીતે અહીંના સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક ઉત્થાનમાં કાર્યરત છે. તેમની કેટલીય હોસ્પિટલ, કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓ કેન્યામાં કાર્યરત છે.

આ ઉપરાંત ડો. મનોજ શાહ તથા ડો. મનીષ શાહ – બંને ભાઈઓને એલ્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બર્નિંગ સ્પીઅર (EBS) સમ્માન પ્રાપ્ત થયા છે. ઉપરાંત દિવ્યેસુ ઈન્દુભાઈ પટેલને પણ EBS આપવામાં આવ્યું. ડો રામનજી વિનોદજી લાલજી તથા તૈયબ અલી તૈયબને મોરાં ઓફ ધ ઓર્ડર ઓફ ધ બર્નિંગ સ્પેર (MBS) આપવામાં આવ્યું છે. ડો. બિમલ કંટારીયા, વિમલ ચઢા અને શ્રીમતી પળોમાં સારાહ ફર્નાન્ડીઝને ઓર્ડર ઓફ ધ ગ્રાન્ડ વૉરિઅર (OGW) સમ્માન આપયું છે. ઉપરાંત ડો. રસિકલાલ કંટારીયા, રશ્મિકાન્ત શાહ, અશોક કુમાર કચરા, તેજિન્દર સિંહ ઘટઔરાય, કાઝેરઅલી કુરબાન હુસૈન કરીમભાઇ અને સાહિબ સિંહ ખોસલાને હેડ ઓફ ધ સ્ટેટ્સ કમેન્ડેશન (સિવિલિયન ડિવિઝન) આપવામાં આવ્યા છે.