વર્ષ ૨૦૨૨નો આ છેલ્લો આર્ટિકલ છે. આવનારા વર્ષ માટે સૌ તૈયારી કરી રહ્યા હશે. આ વર્ષ આપણા જીવનમાં ખુબ મહત્ત્વપૂર્ણ બની રહ્યું છે. કેટલાય મહત્ત્વપૂર્ણ પાડવોમાંથી આપણે પસાર થયા છીએ અને ઘણા નવા અનુભવો કર્યા છે.
રાજકીય ઉથલપાથલથી લઈને યુદ્ધ સુધીની સ્થિતિ આ વર્ષ દરમિયાન સામે આવી. કોવિડનો ભય અને તેમાંથી બહાર આવ્યાની આશાએ મિશ્ર પ્રતિભાવ જગાવ્યા. આર્થિક સ્થિતિ કફોડી બની અને વર્ષ દરમિયાન કેટલીય ઉંચનીચ થઇ ગઈ. અત્યાર સુધી જેને મજબૂત માનતા હતા તેની ક્ષતિઓ સામે આવી અને જેને અવગણતા હતા તેનું મૂલ્ય સમજાયું. વિશ્વના નકશામાં જોવા પણ ન મળે તેવા નાનકડા દેશ કતારમાં ફિફા વર્લ્ડ કપ રમાયો અને ૩૬ વર્ષ પછી આર્જેન્ટિના ચેમ્પિયન બન્યું. ગયા વર્લ્ડ કપમાં ચેમ્પિયન રહેલ ફ્રાન્સ દ્વારા જબરદસ્ત ફાઇટ આપવામાં આવી એની જીતનારી ટીમ આર્જેન્ટિનાના સૌથી ફેવરિટ ગણાતા મેસી જેટલી જ ચર્ચા અને પ્રસંશા હરનારી ટીમના મ્બાપ્પેની થઇ. બ્રિટનમાં આંખના પલકારાની જેમ પ્રધાનમંત્રી બદલાયા અને તેમાં આપણે નસીબનું પલડું ભારે હોય તો હારેલી બાઝી પણ જીતી શકાય છે તે સ્પષ્ટ જોયું. બ્રિટૈનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું અવસાન થયું અને તેમના પુત્ર પ્રિન્સ ચાર્લ્સ કિંગ બન્યા. હોલીવુડમાં એક્ટર વીલ સ્મિથે કોમેડિયન ક્રિશ રોકને થપ્પડ મારી તે ટીવી પર કેદ થયું અને પછી વીલ સ્મિથને પાંચ વર્ષની બાન પણ થઇ. જે બિટકોઈને ધૂમ મચાવેલી તે બીટકોઈનને કેટલાય દેશોએ ગેરકાયદે ઠરાવ્યો અને કેટલાક દેશોએ તેને અધિકૃત ચલણ તરીકે સ્વીકાર પણ કર્યો. આખરે વર્ષના અંત સુધીમાં તેનો ભાવ લગભગ પાંસઠ હજાર ડોલરથી ઘટીને સોળ હજાર ડોલર સુધી પહોંચી ગયેલો. એને કહેવાય રૂપિયાના ચાર આના! અફઘાનિસ્તાનમાંથી અચાનક અમેરિકાએ પોતાના સૈનિકોને બોલાવી લેતા તાલિબાને સરકાર બનાવી લીધી. આ બધી ઘટનાઓ એ વર્ષ દરમિયાન ઘણી ચકચારી મચાવી.
પરંતુ આ બધી તો થઇ દુનિયાની ખબર. આપના જીવનમાં શું મહત્ત્વની ઘટનાઓ બની અને તેના આધારે આવનારા વર્ષનું શું ભવિષ્ય દેખાઈ રહ્યું છે? આવનારા વર્ષમાં પણ આવી કેટલીય મોટી અને અનિશ્ચિત ઘટનાઓ બનવાની સંભાવના છે. મોંઘવારી વધી રહી છે. વ્યાજદર વધી રહ્યા છે. આ બધું આવનારા વર્ષમાં આપણા સૌના જીવનમાં ઘણી અસર કરશે. કેટલાય લોકો માટે તે સારી તક પણ પુરી પડશે જયારે કેટલાક લોકોને માટે તે પડકારરૂપ સાબિત થશે. પરંતુ જીવનમાં આવા તો કેટલાય પરિવર્તનોનો સામનો કરવો પડતો હોય છે. પહેલા તો તેમના વિષે વિચારતા જ ભય પામી જવાય છે પરંતુ જેમ જેમ સમય નજીક આવતો જાય તેમ તેમ આવા પરિવર્તનનો ડર પણ ઘટતો જાય છે. આખરે સમયના ચક્રને કોઈ રોકી શક્યું છે ખરું?
પરિસ્થિતિ બદલાય ત્યારે જ માનવીને નવી તક મળે છે. વર્ષનું બદલવું નવી પરિસ્થિતિના આવવાનો સંકેત આપે છે અને તેની સાથે નવી ઉપલબ્ધીઓ માટે માર્ગ પણ ખોલી આપે છે. શું આવનારા વર્ષમાં તમે પણ નવી તકોને સાંપડવા તૈયાર છો? નવા સપના સેવીને તેમને સાકાર કરવા તત્પર છો? મનમાં કોઈ આશંકા હોય તો છોડી દેજો, પોતાની ક્ષમતા પર વિશ્વાસ રાખજો અને પ્રયત્નમાં લાગી જજો. ઊંચા લક્ષ્ય રાખવા અને સારા સપના જોવાની આદત કેળવજો અને તેમને માટે મહેનત કરવાની તૈયારી પણ રાખજો. આવનારા વર્ષને વધાવવાની ઉમંગ અને જનારા વર્ષને વિદાય કરવાની તૈયારી રાખવી.