કીનું રીવ્સની જ્હોન વીક – ચેપ્ટર ૪ રિલીઝ થઇ છે અને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. જે લોકોએ જ્હોન વીક સિરીઝની પ્રથમ ત્રણ ફિલ્મો જોઈ હશે તેમને ખબર હશે કે આ ફિલ્મમાં હીરો ખુબ માર ખાય છે. ખાસ કરીને ફિલ્મના ત્રીજા ભાગમાં. પરંતુ આખરે તે જીતે છે. કારણ? કારણ એ કે તેનામાં માર સહન કરવાની શક્તિ છે અને ફરીથી ઉઠવાની હિમ્મત છે. વાસ્તવિક જીવનમાં પણ જે લોકો તૂટવાની ક્ષણે પહોંચે તોયે ફરીથી હિંમત કરીને લડવાની તૈયારી રાખે તે જ જીતે છે. વારેવારે પ્રયત્ન કરવાનો અને હાર ન માનવાનો સોનેરી મંત્ર જ સફળતાની ખરી કુંજી છે.

જે લોકો એવું ઇચ્છતા હોય કે તેમને નિષ્ફળતા વિના જ સફળતા મળી જાય, તેઓ મોટી ભૂલ કરે છે. ક્યારેક લોકો એવી સ્ટ્રેટેજી અપનાવે છે કે જ્યાં સુધી પુરી રીતે તૈયાર ન હોઈએ ત્યાં સુધી મેદાનમાં ઝંપલાવવું જ નહિ, જેથી કરીને નિષ્ફળતા ન સહેવી પડે. પહેલાથી જ એટલી મહેનત કરી લેવી કે સફળતા નિશ્ચિત થઇ જાય. ખુબ પ્રેક્ટિસ કરવી અને ખુબ સારી રીતે તૈયાર થઈને પછી જ પરીક્ષામાં બેસવું. બહુ વ્યાયામ કરીને, ખુબ તકનીક શીખીને પછી જ અખાડામાં ઉતારવું. આવી રણનીતિ બનાવીને ચાલનારા લોકો પણ જયારે વાસ્તવિક સ્પર્ધામાં આવે છે ત્યારે તેમને નિષ્ફળતા સહેવી પડતી હોય છે. કેમ કે ખરી સ્પર્ધાનો માહોલ અલગ હોય છે ત્યાં ન માત્ર તમારું જ્ઞાન અને આવડત ચકાસાય છે પરંતુ તમારી માનસિક શક્તિ અને શિથિલતાની પણ ટેસ્ટ લેવાય છે.

ડેવિડ અને ગોલિઆથની લડાઈમાં ડેવિડ મહાકાય ગોલિઆથની હરાવી દે છે. કારણ કે તેનામાં પછડાટ ખાઈને પણ ઉભા થવાની હિમ્મત છે. તે હાર માનવા તૈયાર નથી. તે પુરા ધ્યાનથી અને સાવચેતીથી મેદાનમાં લડે છે. એકેય ક્ષણ માટે બેદરકારી તેનામાં દેખાતી નથી. પરંતુ જે લોકો વિજયને સરળતાથી લે છે, ઓવર કોન્ફિડન્સમાં રહે છે અને ગફલત કરી જાય છે તેઓને જીતેલી લડાઈ પણ હારવી પડે છે. ઘણીવાર ચેસની રમતમાં પણ આવું થતું હોય છે. જીતેલી બાજી હરનારા લોકો આપણે જોઈએ છીએ. ક્રિકેટ કે બીજી રમતોમાં પણ આવું બન્યું છે. તેના માટે કેટલાય કારણો જવાબદાર હોઈ શકે પરંતુ સૌથી મોટું કારણ છે આખરી ક્ષણ સુધી જીતની આશા છોડ્યા વિના ટકી રહેવાની હિમ્મત.

મોટા ભાગની લડાઈ માણસના મગજમાં જ ખેલાય છે. જો મનમાં જ જીતવાની આશા ન હોય તો વ્યક્તિ મેદાનમાં પણ જીતી શકતો નથી. એક ગામમાં યુવાને અનાજ કરિયાણાનો ધંધો શરુ કર્યો. પરંતુ શરૂઆત કરતા પહેલા જ તેના મનમાં એક ડર હતો કે અહીં દુકાન ચાલશે કે કેમ. ધંધાને જામવામાં તો સમય લાગે છે અને ત્યાં સુધી ધીરજ રાખવી પડે છે. પરંતુ આ યુવાનનો માનસિક ડર ધીમે ધીમે તેના પર હાવી થવા લાગ્યો અને બિઝનેસ સેટ થાય તે પહેલા જ તેણે ધંધો સમેટી લીધો. વ્યક્તિ મનનાં મેદાનમાં જ હારી જાય તો પછી જીવનમાં મેદાનમાં તેના જીતવાની સંભાવના નહિવત જ હોય છે.

માનસિક શક્તિ કેળવવી, આશાવાદી બનવું અને બધી તકલીફો સહન કરીને ધાર્યું પરિણામ મળે ત્યાં સુધી લાગી રહેવું સફળ થવા માટે આવશ્યક પગલાં છે. જે લોકો આ તબક્કાઓમાંથી પસાર ન થઇ શકે તેઓ સફળતા સુધી ન પહોંચી શકે. એવું શા માટે બને છે કે જે વ્યક્તિ એક ક્ષેત્રમાં સફળ હોય તે દરેક જગ્યાએ સફળ થાય છે? કેમ કે તેનામાં આ બધા ગુણો હોય છે જે સફળતા માટે આવશ્યક શરતો છે. તે ધીમે ધીમે, એક એક ડગલું ભરીને, સામે આવતી મુશ્કેલીઓનો શારીરિક અને માનસિક રીતે સામનો કરીને, જરૂર પડે તો નિષ્ફળતાઓને પચાવીને પણ પોતાના લક્ષ્ય માટે સતત લાગ્યો રહે છે. જો સાતત્ય તૂટે તો સફળતા છૂટે – એ મંત્રને સમજીને તે સાતત્ય તૂટવા દેતો નથી. જ્હોન વિકના કીનું રીવ્સની જેમ ગમે તેટલો માર ખાય તો પણ હાર માનતો નથી.