વેલ્સમાં ડેનિસ વાવાઝોડાએ ફેલાવેલ ત્રાહિમામ તથા કોરોના વાઇરસ અંગે આશંકાઓથી સાવચેત બનેલું યુકે

આ સપ્તાહમાં પ્રધાનમંત્રી બોરિસ જોહન્સનની કેબિનેટમાં ચાન્સલર ઓફ એક્સચેકર એટલે કે આપણા દેશના નાણામંત્રીને સમકક્ષ હોદ્દો ભારતીયમૂળના ૩૯ વર્ષીય રિશી શૌનકને આપવામાં આવ્યો. આ પદ પર પહેલા પાકિસ્તાની મૂળના સાજીદ જાવેદ હતા જેમણે બોરિસ જોહન્સન સાથે મતભેદ થવાથી રાજીનામુ આપતા પ્રધાનમંત્રીએ રિશી શૌનકને શામેલ કર્યા છે. રિશી શૌનક યુકેના ચાન્સલર ઓફ એક્સચેકરના પદ પર બેસનાર યુવાવયના નેતાઓમાં બીજા ક્રમે છે. તેમનાથી યુવાન વયે જયોર્જ ઓસ્બોર્ન, ૨૦૧૦ થી ૨૦૧૬ સુધી પ્રધાનમંત્રી ડેવિડ કેમરૂનની કેબિનેટમાં માત્ર ૩૮ વર્ષની વયે શામેલ થયેલા. રિશી શૌનક ભારતીય ઉદ્યોગપતિ, અરબપતિ અને ફિલાન્થ્રોપિસ્ટ – પરોપકારી વ્યક્તિ, ઇન્ફોસિસના સ્થાપક અને પૂર્વ ચેરમેન શ્રી નારાયણ મૂર્તિના જમાઈ છે. 

પ્રીતિ પટેલ તો શરૂઆતથી જ બોરિસ જોહન્સનની કેબિનેટમાં ગૃહમંત્રી તરીકે શામેલ થઇ ગયેલા. આલોક શર્મા પણ કેબિનેટમાં હતા અને તેમને બઢતી સાથે સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર બિઝનેસ, એનેર્જી અને ઇન્ડસ્ટ્રીઅલ સ્ટ્રેટેજી બનાવવામાં આવ્યા છે. યુકેની ચૂંટણી લગભગ ૧૬ જેટલા મેમ્બર ઓફ પાર્લામેન્ટ આ વખતે ભારતીયમૂળનાં ચૂંટાયા છે. તેઓ હાઉસ ઓફ કોમન્સ – કે જેમાં ૬૫૦ સભ્યો છે તેમાં ચૂંટાયા છે. ઉપરાંત હાઉસ ઓફ લોર્ડ્સમાં પણ કેટલાય ભારતીયમૂળનાં લોકો સમાવિષ્ટ છે જેમના લોર્ડ મેઘનાદ દેસાઈ, લોર્ડ ભીખુ પારેખ વગેરેના નામથી તો આપણે પરિચિત છીએ જ. યુકેમાં ભારતીયમૂળના લગભગ પંદરેક લાખ લોકો વસે છે જેમાં પાંચેક લાખ ગુજરાતી હશે, પાંચેક લાખ પંજાબી અને બીજા પાંચેક લાખમાં અન્ય સમુદાયોનો સમાવેશ થાય છે. આ લોકો યુકેમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે અને અહીંના સામાજિક જીવન, રાજકીય પ્રવાહો અને અર્થવ્યવસ્થામાં ખુબ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. 

આ સપ્તાહ દરમિયાન યુકેના વેલ્સના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડું ડેનિશ આવ્યું છે. તેની ભયંકરતાને જોતા મેટેરોલોજિકલ ડિપાર્ટમેન્ટે રેડ વોર્નિંગ જાહેર કરી છે. રેડ વૉર્નિંગનો અર્થ એવો થાય કે લોકોના જીવનનું જોખમ હોઈ શકે. ૨૦૧૫ પછી પહેલીવાર યુકેમાં રેડ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. ડેનિશ સ્ટોર્મ વેલ્સ ઉપરાંત યુકેના કેટલાક બીજા વિસ્તારોમાં પણ ત્રાટકવાની સંભાવના છે અને તેનાથી કેટલાય ક્ષેત્રોમાં પૂર આવ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે જયારે એક તરફ લોકો સાવચેતીના પગલાં લઇ રહ્યા છે, લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે એક રમુજી ઘટના બની ગઈ. બીબીસીએ તેના વેધર ફોરકાસ્ટ મેપ પર સ્ટોર્મ ડેનિશની અસર અંગે જે આકૃતિ દર્શાવી તે પુરુષના શિશ્ન જેવા આકારની દેખાતી હતી એટલે કેટલાક લોકોએ તે ઇમેજને ટ્વીટર પર શેર કરીને કેટલીય રમુજી કમેન્ટ કરી. કોઈએ લખ્યું કે વેલ્સમાં પેનીસ આકારનું ડેનિશ વાવાઝોડું આવવાનું છે, તો સૌએ બચીને રહેવું! 

કોરોના વાઇરસનો ડર સર્વત્ર ફેલાયેલો છે અને તેનાથી યુરોપ અને યુકે પણ બાકાત નથી.  કોરોના એ વિશ્વભરમાં તબીબી કટોકટી જેવી સ્થિતિ ઉભી કરી દીધી છે અને તેની અસરથી યુકે પણ સાવચેત બની ગયું છે. અહીં કેટલાક કિસ્સાઓમાં કોરોના વાઇરસનો ડર હોવાની સંભાવના જણાતા દર્દીઓને સારવાર હેઠળ રાખવામાં આવેલા અને જ્યાં સુધી આ ડર સંપૂર્ણપણે રદબાતલ ન થયો ત્યાં સુધી તેમને રિલીઝ ન કરાયા. હોસ્પિટલ્સમાં અને બજારમાં માસ્ક્સ અને બીજા કેટલાક ઉપકરણોની માંગ અચાનકથી ખુબ વધી ગયેલી. અહીં નેશનલ હેલ્થ સર્વિસ – એનએચએસ સરકારી આરોગ્ય સેવા છે જે સૌ માટે મફત છે. તેના ઉપરાંત કેટલીક પ્રાઇવેટ હોસ્પિટલ્સ પણ છે પરંતુ તેનો ઈલાજ ખુબ મોંઘો હોય છે માટે સામાન્યરીતે લોકો એનએચએસ જવાને પ્રાથમિકતા આપે છે. પરંતુ ઘણા લોકો ખાનગી વીમો લઇ રાખે છે જેથી પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ સારવાર લઇ શકાય. 

Don’t miss new articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *