ગુજરાતીઓની અનેક ખાસિયત અને તે જગવિખ્યાત. તે પૈકી ત્રણ D તો ખાસ કહેવાય. આ ત્રણ D એટલે ઢોકળા, દાંડિયા અને ધંધો. એવો કોઈ ગુજરાતી ભાગ્યે જ મળશે જેને તમે ઢોકળા, દાંડિયા અને ધંધાથી દૂર રાખી શકો. ભલે ગુજરાતી માણસ નોકરીમાં હોય પણ તેનું મગજ તો ધંધાની જેમ જ ચાલે.

અમેરિકા હોય કે ઇંગ્લેન્ડ, જ્યાં જ્યાં ગુજરાતીઓ દેખાય ત્યાં ઢોકળા મળે. લોકો પોતાના ઘરે પણ બનાવે. હવે તો અમેરિકાના પ્રેસિડેન્ટ પણ ઢોકળા ખાય છે. ઓસ્ટ્રેલિયાના પ્રાઈમ મિનિસ્ટરે ભારતના પ્રાઈમ મિનિસ્ટર સાથેની વર્ચ્યુઅલ મિટિંગમાં ઢોકળા ખાધા હતા. ભારતની સંસદની કેન્ટીનમાં પણ હવે ઢોકળા મળે છે. આ બધું આમ તો એક ગુજરાતીના પ્રધાનમંત્રી બનવાને કારણે થયું કહેવાય પરંતુ તેના ઉપરાંત પણ દેશ વિદેશમાં જે ગુજરાતીઓ વસ્યા છે તેઓએ ઢોકળા અને દાંડિયાને બહુ પ્રચલિત કર્યા છે.

જો કે ખાવા-પીવાની બાબતમાં ગુજરાતીઓની જોડે બીજું કોઈ ન આવે અને તેમની વાનગીઓ ઢોકળા, થેપલા, ફાફડા તો થ્રી ઇડિયટ ફિલ્મમાં કરીના કપૂર કહે છે તેમ મિસાઈલ જેવા નામ ધરાવે છે. પણ સાચું કહું તો તે મિસાઈલ જેમ અગમ્ય વિસ્તારોમાં ઘુસી જાય તેમ લોકોની જીભે લાગી જાય છે. જે લોકો પણ એકવાર ખાય તે જરૂર બીજીવાર માંગે.

દાંડિયા અને ગરબાનો નવ નવ દિવસનો સૌથી લમ્બો ડાન્સિંગ ફેસ્ટિવલ એટલે નવરાત્રી. ગુજરાતીઓ જ્યાં પણ હોય ત્યાં નવરાત્રી જરૂર ઉજવે. લંડનમાં શ્રી કચ્છી લેઉઆ પટેલ સમાજ દ્વારા જે નવરાત્રીનું ફંક્શન થાય છે તે તો આપણને બરોડાના યુનિવર્સીટી ગ્રાઉન્ડની યાદ અપાવે. હજારો લોકો એક સાથે ગરબે ઘુમતા હોય અને તે પણ લંડનમાં – વાહ. શું દ્રશ્ય જામે છે. તેમાં વળી બ્રિટિશ ગોરા લોકો પણ અંબે માતની જાય બોલાવતા હોય અને દાંડિયા લઈને પોતાને આવડે તેવું રમતા હોય તે તો ગુજરાતીઓ જ કરાવી શકે હો!

ધંધો કરવાની વાત કરીએ તો મોટાભાગના ગુજરાતીઓ વિદેશમાં નોકરી માટે નહિ પણ ધંધા માટે સ્થળાંતરિત થયા છે. તેઓ જ્યાં પણ જાય છે ત્યાં પરિવાર સાથે જાય છે અને પછી કામધંધો સેટ કરીને તે દેશને જ પોતાનું ઘર બનાવે છે. આવું જ પૂર્વ આફ્રિકામાં થયું અને યુકે અને અમેરિકાનું પણ થયું. ગુજરાતીની ધંધા સૂઝ પણ ખુબ આગવી. તેના ઉપર કોઈ સવાલ ન ઉઠાવી શકે. ભાગ્યે જ કોઈ ગુજરાતી ધંધાકીય સાહસ કરતા ડરે અને ભાગ્યે જ કોઈ ગુજરાતી ધંધામાં નુકસાન કરે. એકાદ વાર નુકસાન થઇ પણ જાય તોયે બીજીવારમાં તો સારો સોદો પાડીને બધું સરભર કરી દે. શેર માર્કેટમાં પણ ગુજરાતીઓની બોલબાલા એટલા માટે જ છે ને?

પણ આ ત્રણ D ની વાત કરી છે તો આપ સૌને કહી દઉં કે erosnow પર એક સિરીઝ છે – મેટ્રો પાર્ક. તે જરૂર જોજો. અમેરિકાના ન્યુ જર્સીનો મેટ્રો પાર્ક વિસ્તાર ગુજરાતીઓનો ગઢ ગણાય છે અને તેના પર બનેલી આ સરસ મજાની પરિવાર સાથે બેસીને જોવા જેવી સિરીઝ ખરેખર જ માણવા લાયક છે. આ સિરીઝમાં જ એક ડાઇલોગમાં આ ત્રણ D ની વાત કરી છે. મારા મનમાં બેસી ગઈ તો થયું કે તમારી સાથે પણ શેર કરું. સમય મળે તો erosnow પર મેટ્રો પાર્ક સિરીઝ જોજો.

Don’t miss new articles