કેન્યામાં ૭મી જુલાઈને સબા સબા ડે તરીકે ઉજવવામાં આવે છે. સબા સબા નો અર્થ સ્વાહીલીમાં સાત સાત થાય છે. સાતમાં મહિનાની સાતમી તારીખનું મહત્ત્વ પૂર્વ આફ્રિકાના ઇતિહાસમાં એટલું કે ૭મી જુલાઈ ૧૯૫૪ના રોજ ટાન્ઝાનિયાની સૌથી મોટી પોલિટિકલ પાર્ટી તાન્જાનયિકા આફ્રિકન નેશનલ યુનિયન (TANU) ની સ્થાપના થયેલી અને કેન્યાના સંદર્ભના તેનો ઇતિહાસ એટલો જૂનો નથી પરંતુ લોકશાહીની દ્રષ્ટિએ ખુબ મહત્ત્વનો છે. ૭મી જુલાઈ ૧૯૯૦ના રોજ કેન્યામાં તે સમયના પ્રખર રાજકીય નેતાઓએ સાથે મળીને, તેમની વચ્ચેના રાજકીય મતભેદો ભુલાવીને, ત્યારના રાષ્ટ્રપતિ ડેનિયલ મોઇ સામે પ્રદર્શન કરેલા. કેન્યામાં મલ્ટીપાર્ટી સિસ્ટમ વિકસે, જળવાઈ રહે અને સૌને રાજકીય મંતવ્યો વ્યક્ત કરવાનો તથા સ્વતંત્ર રીતે રાજનીતિમાં ભાગ લેવાનો અધિકાર મળે તે માટે આ પ્રદર્શન થયેલા. જો કે પ્રદર્શન થાય તેના થોડા દિવસો પહેલા જ સરકારે કેનેથ માટીબા, ચાર્લ્સ રુબિયા જેવા મોટા નેતાઓને તો ગિરફ્તાર કરી લીધેલા. જેરુ ગાથાગું, જ્યોર્જ અન્યોના અને રાયલા ઓડિંગા જેવા બીજા નેતાઓએ સાથે મળીને મોટી સંખ્યામાં જનરેલી કાઢી અને પોલીસનો માર પણ ખાધો અને ગિરફ્તારી પણ વહોરી. ત્યારથી ૭મી જુલાઈને કેન્યામાં લોકશાહીના રક્ષણના પ્રતીક તરીકે યાદ કરવામાં આવે છે. માનવ અધિકારોના રક્ષણ માટે કે પર્યાવરણના સંરક્ષણ માટે સક્રિય જૂથો પણ આ દિવસે સભાઓ ભારે છે, દેખાવો કરે છે અને પોતાના લોકશાહીના અધિકારનો ઉપયોગ કરે છે.

આજે ઘણા સમય બાદ ફરીથી વિપક્ષના નેતા રાયલા ઓડિંગાએ પ્રેસિડેન્ટ વિલિયમ રૂટોની સરકાર વિરુદ્ધ રેલી કાઢી અને તાજેતરમાં પારીત કરવામાં આવેલા બજેટનો વિરોધ કર્યો. બજેટ દ્વારા લોકો પર કરવેરાનો બોજ વધ્યો છે, મોંઘવારી વધી રહે છે અને લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે તેવા કારણોથી આજે જાહેર વિરોધ સભાઓ ભરવામાં આવી. પોલીસે ટીઅર ગેસનો ઉપયોગ કરીને લોકોની ભીડને વિખેરવાના પ્રયત્નો કરેલા. વર્ષ ૨૦૨૦માં સબા સબા ડેની ૩૦મી ઉજવણીમાં પણ પોલીસે ટીઅર ગેસનો ઉપયોગ કરીને લોકોને ભગાડવાનો પ્રયત્નો કરેલો. કેન્યામાં સબા સબા ડે પર ક્યારેક પોલીસના અત્યાચારી વલણનો વિરોધ કરવા માટે પણ પ્રદર્શન નીકળે છે.

કેન્યા વિષુવવૃત અને દક્ષિણ અર્ઘતાલમાં આવેલું હોવાથી અહીંનો મોસમ ભારતથી ઉલટો ચાલે છે. ત્યાં ગરમી હોય ત્યારે અહીં ઠંડી હોય છે અને ઠંડી હોય ત્યારે અહીં ઉનાળો હોય છે. અત્યારે જુલાઈ બેસતાં જ અહીં ઠંડીની શરૂઆત થઇ ગઈ છે. તાપમાન ૧૭ ડિગ્રીએ પહોંચ્યું છે અને હજી વધારે નીચું જશે. જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર ઠંડીના મહિના છે અને થોડો ઘણો વરસાદ પણ આવી જાય છે. પરંતુ જુલાઈ ઓગસ્ટ કેન્યા માટે તો જાણીતા છે પ્રાણીઓના ગ્રેટ માઈગ્રેશનને કારણે. લાખોની સંખ્યામાં વિલ્ડેબિસ્ટ – હરણ જેવું આફ્રિકાનું એક પ્રાણી – અને ઝીબ્રા ટાન્ઝાનિયાથી કેન્યામાં માઈગ્રેશન કરે છે. બ્લેક વિલ્ડેબિસ્ટનું લાખોનું ઝુંડ એક સામટું દોડીને પસાર થતું હોય તે નજારો જોવા જેવો હોય છે. સેરેંગીટીમાં ગરુમેટી નદીને પાર કરીને આગળ વધી રહેલા વિલ્ડેબિસ્ટ અને ઝીબ્રા પૈકી કેટલાય દોડભાગમાં અને નદીના મગરમચ્છનો શિકાર બનીને પોતાનો જીવ ગુમાવે છે. જે બચી જાય તેઓ આગળ વધતા રહે છે અને મારાના ફળદ્રુપ વિશાલ મેદાન સુધી પહોંચવાને તેઓને હજી એક બીજી ચુનૌતીનો સામનો કરવાનો બાકી હોય છે જે છે મારા નદી – આ તોફાની નદી અને તેમાં રહેલા હિંસક મગરમચ્છ જેવા ખતરાને પાર કરનારા વિલ્ડેબિસ્ટ મારાના મેદાનોમાં પ્રજનન પ્રક્રિયા શરુ કરીને તેમની સંખ્યામાં થયેલા ઘટાડાને પૂરો કરે છે.

જંગલોમાં જયારે તેઓ ભાગતા હોય છે ત્યારે ધૂળની ડમરીઓ ઉડે છે અને હેલીકૉપટરમાંથી જોતા મોટું કાળું ધાબુ પૃથ્વીના વિશાલ ફલક પર ભાગી રહ્યું હોય તેવું દ્રશ્ય નજરે ચડે છે. કેટલાક લોકો કહે છે કે આ ગ્રેટ માઈગ્રેશનની આ ઘટના તો અવકાશમાંથી પણ જોઈ શકાય છે. પ્રતિ ચો કિલોમીટર દીઠ ૧૦૦૦થી વધારે પ્રાણીઓ હોય અને તેઓ એકસાથે ભાગી રહ્યા હોય ત્યારે ઊડતી ધૂળનો વંટોળ રોમાંચક તો હોવાનો જ. આવી ઘટના પૃથ્વી પર બીજા કોઈ સ્થળે બનતી નથી અને એટલા માટે પૂર્વ આફ્રિકાનું આ માઈગ્રેશન ખુબ પ્રખ્યાત છે અને તેને જોવા કેટલાય પ્રવાસીઓ કેન્યા આવે છે.