દિવાળી ગઈ અને વિક્રમ સંવંતનું વર્ષ ૨૦૮૦ શરુ થઇ ગયું. નવા વર્ષની શુભેચ્છાઓ સાથે સાથે સૌને ૨૦:૮૦ ના રેશિઓ અંગે ફરીથી એકવાર યાદ કરાવીએ. પરેટો પ્રિન્સીપલ અનુસાર ૮૦% કામ એવા હોય છે જે માત્ર ૨૦% મહેનતથી થઇ જાય છે અને બાકીના ૨૦% કામ એવા હોય છે જે આપણી ૮૦% મહેનત માંગી લે છે. આ દ્રષ્ટિએ જયારે કામોની લાંબી યાદી આપણી સામે હોય ત્યારે એવા ૮૦% કામો પહેલા કરવા જોઈએ કે જે માત્ર ૨૦% મહેનતથી પાર પડી જાય. બાકીના ૨૦% કામોને ત્યારબાદ જ શરુ કરવા હિતાવહ છે જેથી કરીને આપણી કામોની યાદીમાંથી ૮૦% કામો ઓછા થઇ ગયા હોય.વર્ષ ૨૦૮૦માં આપણે જીવનમાં પણ એવો જ સિદ્ધાંત અપનાવવાનો છે. માત્ર ૨૦% સમય અને ઉર્જા ખર્ચીને આપણે કરવા પડતા કામો પૈકી ૮૦% કામો પુરા કરી લેવા અને બાકીનો ૮૦% સમય અને ઉર્જા એવા કામોમાં લગાડવા જે કરવા પડતા ન હોય, પરંતુ કરવા ગમતા હોય. પોતાના અને પરિવારના, મિત્રોના અને સંબંધીઓના ભલા માટે, સૌને ઉપયોગી બનવા માટે આપણી મહેનત અને ઉર્જાને એવી રીતે કામે લગાડવી કે તેનો મહત્તમ ફાયદો મળે. નાહકના જ મુશ્કેલ કામોમાં બધી મહેનત કરીને નબળું પરિણામ મેળવવા કરતા સરળ અને સહેલાઈથી થઇ શકે તેવા કામોમાં થોડો ઘણો સમય આપીને વધારે સારું પરિણામ મેળવવાથી આપણો ઉત્સાહ પણ બની રહે છે અને પેન્ડિંગ કામોની યાદી પણ ટૂંકી થતી જાય છે.
આ સિદ્ધાંતનો અર્થ એ પણ છે કે આપણી ૮૦% સમસ્યાઓ માટે પણ માત્ર ૨૦% કારણો જ જવાબદાર હોય છે. આ એવા પરિબળ હોય છે કે જે વારેવારે આપણા કામમાં, જીવનમાં કે બીજી કોઈને કોઈ રીતે અડચણો ઉભી કરતા હોય છે. જો આ ૨૦% પરિબળોને ઓળખીને તેમનું નિરાકરણ કરી લેવામાં આવે તો મોટાભાગની સમસ્યા હલ થઇ જાય. બાકીના ૨૦% પ્રોબ્લેમ્સ સાથે જીવી શકાય અથવા તો તેમનું પણ ધીમે ધીમે નિરાકરણ આવી જ જાય. પરંતુ જો ૮૦% સમસ્યાઓ એકવખત આપણા માથેથી હટી જાય તો ટેંશન કેટલું હળવું થઇ જાય? એટલા માટે જ પહેલા જલ્દીથી નિવેડો આવે તેવા પ્રશ્નો ઉકેલી લેવા સારા.પરેટો પ્રિન્સિપલને ત્રીજી રીતે વિચારીએ. જીવનમાં આપણને મળતા લોકો પૈકી ૨૦% જ એવા હોય છે કે જેમનું આપણને ૮૦% કામ પડે છે. બાકીના બધાય ૮૦% મળીને પણ ભાગ્યે જ આપણને ૨૦% જેટલા ઉપયોગમાં આવતા હોય છે. એટલા માટે જે આપણી વધારે નજીક હોય અથવા તો આપણા જીવનમાં વધારે કામના હોય તેવા ૨૦% લોકોને સાચવવા જરૂરી છે. તેમની સાથે સંબંધ જાળવી રાખવો જરૂરી છે. આવા ૨૦% લોકોને જ આપનો ૮૦% સમય આપવો જોઈએ. બાકીના ૮૦% લોકોને માત્ર ૨૦% સમય અને એટેંશન આપીએ તો પણ ચાલી જાય તેમ છે કેમ કે તેમનું મહત્ત્વ માત્ર ૨૦% જેટલું જ તો છે.
આ રીતે જીવનમાં જો ગણતરી સારી રીતે કરીને સમય, શક્તિ, સંશાધનો અને ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે તો કેટલા અસરકારક રહે? આપણે નાહકની જ આપણી ૮૦% એનેર્જી એવી જગ્યાએ વાપરી નાખતા હોઈએ છીએ જ્યાં ૨૦% જેટલી પણ આવશ્યકતા ન હોય અને જ્યાં ૮૦% ધ્યાન એવું જોઈએ ત્યાં આપણે માત્ર ૨૦% જેટલો સમય કે ઉર્જા વાપરીએ છીએ. પરિણામે આપણને જ્યાં ૮૦% પરિણામ મળવું જોઈએ ત્યાં ૨૦% જ મળે છે. આખરે આવા મિસમેનેજમેન્ટને કારણે આપણે હતાશા તરફ ધકેલાઈએ છીએ. એવું ન થાય એટલા માટે જ પરેટો પ્રિન્સિપલનો અમલ કરીને સારી રીતે પોતાના કામોનું, પોતાના સમયનું અને પોતાની પાસે ઉપલબ્ધ સંશાધનોનું મેનેજમેન્ટ કરતા શીખવું આવશ્યક છે. જો કોઈને એવું લાગતું હોય કે હવે આ વળી નવું મેનેજમેન્ટ શીખવા ક્યાં મહેનત કરવી, તો તેના જવાબમાં એવું કહી શકાય કે એકવાર ૮૦% મહેનત આ નવી તરકીબ શીખવામાં કરી લેશો તો જીવનમાં બાકીના કામ ૨૦% મહેનતમાં જ થવા લાગશે અને પરિણામે ૮૦% સમયનો ફાયદો થઇ જશે.