સૌ પહેલા તો દિવાળી અને નવા વર્ષની ખુબ ખુબ શુભેચ્છાઓ.
ગયા વર્ષથી દિવાળીથી આ દિવાળી સુધી અનેક ઘટનાઓ બની અને તેનાથી વિશ્વભરમાં ક્યાંકને ક્યાંક માનવજાતને, પર્યાવરણને, અર્થવ્યવસ્થા કે સમાજને બહુ અસર થઇ હોય. આવી કેટલીક ઘટનાઓનું એક વિહંગાવલોકન કરીએ અને નવા વર્ષમાં બધું સારું સારું થાય તેવી પ્રાર્થના સાથે આગળ વધીએ.
આમ તો ગઈ દિવાળી પછી આપણને કોરોના અંગે સમાચાર સાંભળવા મંડેલા. ચીન અને યુરોપ થઈને લગભગ માર્ચ સુધી કોરોના ભારત પહોંચી ગયેલો. કેટલાક દેશોમાંથી તેની અસર ઓછી થઇ ગઈ અને ક્યાંક ક્યાંક તો સેકન્ડ વેવ આવી ગયો છે. એટલે, લઇ દઈને આખું વર્ષ કોરોના ભરખી ગયો તેમ કહેવું ખોટું નથી. વૈશ્વિક અર્થવ્યવસ્થા, માનવીય સંપર્કો અને આપણા સામાજિક પ્રસંગોને લપેટમાં લઈને આ સંક્રમણે આપણને સૌને કેટલાય નવા પાઠ ભણાવ્યા છે. આપણું જીવન ઘણા સમય સુધી પહેલાની માફક નહિ થઇ શકે તેમાં બે મત નથી.
ગયા વર્ષના સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગ એટલી ભીષણ રહી કે તેને બુઝાવતા બુઝાવતા માર્ચ આવી ગયેલો. લગભગ છ મહિના ચાલેલી આ આગમાં ૩ બિલિયન પશુ-પક્ષીઓએ જીવ ગુમાવ્યા હોવાનો અંદાજ છે. ૩૩ જેટલા માનવીઓએ પણ જીવ ગુમાવ્યા છે. લાખો વૃક્ષઓ બળીને રાખ થઇ ગયા તેનો તો હિસાબ જ નથી. આ ઉપરાંત બ્રાઝીલમાં અમેઝોનના જંગલો અને અમેરિકામાં કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગથી પણ વન્યજીવનને અને પર્યાવરણને બિનહિસાબ નુકશાન થયું છે.
આ વર્ષની શરૂઆતમાં યુરોપીય સંઘમાંથી બ્રિટને એક્ઝીટ લઇ લીધી. બ્રિટનની આ એક્ઝીટને બ્રેક્ઝિટ તરીકે ઓળખવામાં આવી જેના માટે અગાઉ બે પ્રધામંત્રી – ડેવિડ કેમરૂન અને થેરેસા મે પોતાનું પદ ગુમાવી ચુક્યા છે. ડિસેમ્બર ૨૦૧૯માં ચૂંટણી થઇ અને બોરિસ જોહન્સન પ્રધાનમંત્રી તરીકે આવ્યા. બ્રેક્ઝિટની તરફેણ અને વિરોધમાં અનેક પ્રદર્શનોની વચ્ચે આખરે ૧લી જાન્યુઆરીથી બ્રેક્ઝિટ થઇ ગઈ અને અત્યારે ૩૧ ડિસેમ્બર સુધી તેનો ટ્રાન્ઝીશન પીરીઅડ ચાલી રહ્યો છે.
અમેરિકાએ ઇરાનના જનરલ કાસિમ સુલેમાનીની ઇરાકના બગદાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્રોન દ્વારા હત્યા કરી તેને લઈને વિશ્વભરમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો અને ખાડી પ્રદેશમાં યુદ્ધ થઇ જાય તેવી સંભાવનાઓ ઉભી થયેલી. ત્યાર બાદ અમેરિકા અને ચીન વચ્ચે પણ ટ્રેડ વોરને કારણે આર્થિક યુદ્ધની પરિસ્થિતિ ઉભી થયેલી જેની અસર હજુ પણ ચાલી રહી છે.
અમેરિકામાં ચૂંટણી થાય એટલે આખા વિશ્વની નજર ત્યાં મંડાયેલી રહે. કારણકે અમેરિકાના પ્રમુખની નીતિઓથી આખા વિશ્વના પ્રવાહો પ્રભાવિત થતા હોય છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બૈંડેને કોરોનાની સ્થિતિમાં પણ નવેમ્બરમાં ચૂંટણીઓ યોજી અને આખરે ડોનાલ્ડ ટ્રમ્પને વ્હાઇટ હાઉસ છોડવું પડે તેવું પરિણામ આવ્યું છે. ડોનાલ્ડ ટેમ્પ અમેરિકાના ઇતિહાસમાં અલગ પ્રકારના પ્રમુખ હતા તે આપણે સૌ જાણીએ છીએ.
આ વર્ષ દરમિયાન જ ચીને હોંગકોંગમાં સેક્યુરીટીને લગતા કાયદાઓને એવી રીતે બદલ્યા કે ચીનનો પ્રભાવ વધે. તેનાથી હોંગકોંગમાં અનેક પ્રદર્શનો થયા અને કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા હોવાના પણ સમાચાર છે. હિંસક વિરોધોની વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે હોંગકોંગની સ્થિતિ ચર્ચાતી રહી અને કેટલાય દેશોએ ચીનની સામે વિરોધ પણ નોંધાવ્યો છે. લાખો લોકો હોંગકોંગ છોડીને પલાયન કર્યું હોય તેવા સમાચાર પણ છે.
અમેરિકામાં ૨૫ મેના દિવસે ૨૫ વર્ષીય જ્યોર્જ ફ્લોઇડના પોલીસ દ્વારા કરાયેલા બળ પ્રયોગ પછી થયેલા મૃત્યુને કારણે વિશ્વભરમાં બ્લેક લાઇવ્સ મેટર્સને લગતા આંદોલનો ફેલાયા. કેટલીય જગ્યાએ તે હિંસક પણ બન્યા અને રંગભેદની નીતિ હજુ પણ અસ્તિત્વ ધરાવતી હોવાની હકીકત સામે આવી. દેખીતી અને છુપી રીતે આવા સામાજિક ભેદભાવને કારણે આપણે સૌ કોઈને કોઈ રીતે અન્યાય સહન કરતા હોઈએ છીએ. સમાજમાં સમરસતા હોવી કેટલી આવશ્યક છે તે સમજવામાં વધારે મોડું કરવું હિતાવહ નથી.
આવી અનેક ઘટનાઓથી આ વર્ષ ભારે રહ્યું છે તેવું કહેવામાં અતિશયોક્તિ નથી. આ દિવાળી આપણા સૌ માટે ખુબ આશા અને ઉમ્મીદ લઈને આવી છે. આવનારું નવું વર્ષ શાંતિપૂર્ણ, સલામત અને સમૃદ્ધિ આપનારું નીવડે તેવી પ્રાર્થના સૌએ કરવી રહી.