જૂન ૨૦૨૦માં બ્રિસ્ટોલ શહેરમાં એક ગુલામોના વ્યાપાર સાથે સંકળાયેલા એડવર્ડ કોલ્સ્ટનની પ્રતિમાને તોડી પાડવામાં આવેલી ત્યાર બાદ તાજેતરમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે સીટી ઓફ લંડનમાંથી પણ બે એવા વ્યક્તિઓ કે જે ગુલામીના વ્યાપાર સાથે સંકળાયેલા હતા તેમની પ્રતિમા ખસેડવામાં આવશે.

સીટી ઓફ લંડન એટલે લંડનની મધ્યમાં આવેલો સૌથી સમૃદ્ધ વિસ્તાર જ્યાં બેન્ક અને એવી બીજી કંપનીઓ છે. આ વિસ્તાર એક કોર્પોરેશન તરીકે નોંધાયેલો છે અને તે સીટી ઓફ લંડનના અધ્યક્ષ લોર્ડ મેયર હોય છે. (લોર્ડ મેયરનું પદ અને તેની સંસ્થા પણ ખુબ મહત્ત્વના અને જાણવા જેવા છે. તેમના વિષે ક્યારેક અલગ આર્ટિકલ કરીશું.)

સીટી ઓફ લંડન કોરોપોરેશન દ્વારા તાજેતરમાં જ જાહેરાત કરવામાં આવી છે કે તે મૂરગેટ સ્થિત ગિલ્ડહોલમાંથી વિલિયમ બેકફોર્ડ અને સર જોન કાસની મૂર્તિઓ હટાવશે. દેશવ્યાપી બ્લેક લાઇવ્સ મેટરના વિરોધ પ્રદર્શન થયેલા તેના પગલે સીટી ઓફ લંડન દ્વારા આંતરિક આંતરિક ટાસ્ક ફોર્સ રચવામાં આવેલી જેના દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

વિલિયમ બેકફોર્ડ ૧૭૦૦ના દાયકાના અંતમાં લંડનના બે વખતના લોર્ડ મેયર હતા. તેમણે જમૈકામાં વેપાર અને ખેતીથી ખુબ સંપત્તિ મેળવી હતી અને આફ્રિકન ગુલામો પણ રાખ્યા હતા. તેમની પ્રતિમાને હટાવીને તેના સ્થાને નવું આર્ટવર્ક મુકવામાં આવશે.

સર જોન કાસ ઈ.સ.ની ૧૭ મી અને ૧૮ મી સદીના સાંસદ હતા. તે રોયલ આફ્રિકન કંપનીમાં પણ એક મોટું પદ ધરાવતા. આ કંપની ગુલામોની લે-વેચની વ્યાપારિક પ્રવૃત્તિ કરતી. સર જોન કાસની પ્રતિમા તેની માલિકી ધરાવનાર સર જોન કાસ ફાઉન્ડેશનને પરત કરવામાં આવશે.

લંડનમાં ફરીથી ગુલામ વ્યાપાર અને તેની સાથે સંકળાયેલા લોકોના પૂતળાંઓ દેશમાંથી હટાવવાની માંગ કરવામાં આવી રહી છે. તેના સંદર્ભમાં ‘સ્લેવરી મેમોરિયલ પાર્ક’ બનાવવા માંગ ફરીથી જાગી છે. આ માંગણી ઘણી જૂની છે અને વર્ષ ૨૦૦૮માં બોરિસ જ્હોનસ લંડનના મેયર હતા ત્યારે તેમણે આ પ્રસ્તાવને સમર્થન આપતા કહેલું કે ગુલામીના ઇતિહાસને દર્શાવતી કાંસાની પ્રતિમા માટે હાઇડ પાર્ક યોગ્ય સ્થળ ગણી શકાય. પરંતુ ત્યારબાદ તેમની જ સરકારે ભંડોળ આપવાનો ઇનકાર કરી દીધો છે અને હવે ફરીથી મંજૂરીના પ્રસ્તાવ મુકવામાં આવશે.

બ્લેક લાઇવ્સ મેટર્સ આંદોલનો અમેરિકા ઉપરાંત બ્રિટનમાં પણ ખુબ જોરશોરથી ચાલેલા તેની એક કારણ એ છે કે બ્રિટન વિશ્વના અગ્રણી ગુલામ-વેપાર કરનારા દેશોમાંનું એક હતું. લિવરપૂલ બંદર તેના સૌથી મોટા ગુલામ વ્યાપાર માટે જાણીતું હતું. ત્યારબાદ બ્રિસ્ટોલ, ગ્લાસગો અને લંડનનો નંબર આવતો.

ઈ.સ.ની ૧૭ મી અને ૧૮ મી સદીમાં ગુલામ વેપાર કરનારા વેપારીઓ દ્વારા લાખો આફ્રિકન લોકોને ભયાનક સ્થિતિમાં રાખવામાં અને વેચવામાં આવ્યા હતા.

બ્રિસ્ટોલમાં ગયા વર્ષે આ આંદોલન ખુબ ચાલેલું. અહીં જેની પ્રતિમા હાટડાવામાં આવી હતી તે એડવર્ડ કોલ્સ્ટન હતા અને બહુ ઓછા ગુલામના વેપારીઓ એડવર્ડ કોલ્સ્ટન કરતા વધુ કુખ્યાત અથવા શ્રીમંત હતા. તેણે કારણે બ્રિસ્ટોલમાં અનેકવાર તેમની પ્રતિમા વિવાદનું કારણ બનતી રહી છે. આખરે જૂન ૨૦૨૦ના એક રવિવારે દસ હજાર લોકો વિરોધમાં ઉતર્યા અને કોલ્સ્ટનની મૂર્તિ તોડી પડી અને પછી તેને શેરીઓમાં ખેંચીને બંદર પર લઈ જઈ ત્યાં પાણીમાં ફેંકી દીધી હતી.

એડવર્ડ કોલસ્ટન ગુલામીના વ્યાપાર માટે ખુબ કુખ્યાત હતો. ઈ.સ. ૧૬૮૦માં તે રોયલ આફ્રિકન કંપનીનો સભ્ય બન્યો હતો. આ કંપની તે સમયે ગુલામ વેપાર પર મોનોપોલી ધરાવતી હતી. ઈ.સ. ૧૬૮૯ સુધીમાં કોલ્સ્ટન તેનો નાયબ ગવર્નર પણ બન્યો. પશ્ચિમ આફ્રિકામાં ખરીદેલા ગુલામોના શરીર પર આ કંપનીના પહેલા RAC ના થપ્પા લગાવતી અને ત્યારબાદ તેમને જહાજોમાં બેસાડીને ખુબ કપરી સ્થિતિમાં સફર કરાવી ઇંગ્લેન્ડ લાવતી. આ કંપની લગભગ ૮૦,૦૦૦ પુરુષો, સ્ત્રીઓ અને બાળકોને આફ્રિકાથી અમેરિકા લઈ ગઈ હતી. ઈ.સ. ૧૭૨૧ માં કોલસ્ટનના મૃત્યુ બાદ તેમની સંપત્તિ ચેરીટેબલ ટ્રસ્ટને આપી દીધી હતી જેને કારણે બ્રિસ્ટોલની શેરીઓ, સ્મારકો અને ઇમારતો પર તેમનો વારસો હજી પણ જળવાઈ રહ્યો છે.

સરકારે આ રીતે મૂર્તિઓ તોડવાના કૃત્યને વખોડ્યું છે પરંતુ લોકોમાં ગુલામી પ્રત્યે તિરસ્કાર અને રોષ જગ્યા છે અને તેને કારણે જ કેટલાય સ્થળોએ જુના સમયમાં ગુલામ વ્યાપાર સાથે જોડાયેલા લોકોના નામ અને પૂતળા જાહેર સ્થળોએથી હટાવાની માંગણીઓ થઇ રહી છે.

Don’t miss new articles