ગયા સપ્તાહે આપણે ‘ઇન્ટરનેશનલ વિમેન્સ ડે’ ખુબ ધામધૂમથી ઉજવ્યો. સોશ્યિલ મીડિયા પર ખુબ સારા સારા ફોટા અને ક્વૉટેશન્સ જોવા મળ્યા. કેટલાય સારા સારા વિડિઓ પણ શેર થયા. સૌ સ્ત્રીનો આદર કરતા થયા છે અને તે ઉત્સાહમાં કેટલાક લોકોએ તો સ્ત્રીને સમોવડી જ નહિ પરંતુ તેનાથી ચડિયાતી ગણાવી એ ખુબ સારી કહેવાય. આશા છે આ બાબતને હંમેશા યાદ રાખીશું.
ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં મહિલાઓની સ્થિતિની વાસ્તવિકતાથી તો આપણે વાકેફ છીએ જ. પરંતુ એ હકીકત પર પણ નજર નાખીએ કે વિશ્વભરમાં આજે મહિલાઓની સ્થિતિ કેવી છે. યુનાઇટેડ નેશન્સ વિમન નામના સંગઠનનો ફ્લેગશિપ રિપોર્ટ ‘પ્રોગ્રેસ ઓફ ધ વર્લ્ડ વિમેન’ પ્રસિદ્ધ થયો. વર્ષ ૨૦૧૯-૨૦ના આંકડાઓના આધારે ‘ફેમિલીઝ ઈન અ ચેન્જિન્ગ વર્લ્ડ’ શીર્ષક ધરાવતો આ અહેવાલ ચોંકાવનારા આંકડાઓ લઈને સામે આવે છે.
જ્યાં એક તરફ ઓછી અવાક ધરાવતા દેશો અને વિસ્તારોમાં બાળવિવાહ હજુ પણ એક સમસ્યા છે, ત્યાં
ચોંકાવનારી વાત એ સામે આવે છે કે સામાજિક અને આર્થિક પરિવર્તનોને કારણે કેટલીય સ્ત્રીઓ લગ્ન મોડા કરે છે અથવા તો લગ્ન કરવાનું ટાળે છે. ચારેક દેશ સિવાય, વિશ્વના લગભગ બધા જ દેશોમાં મહિલા માટે લગ્નની લઘુતમ વય ૧૮ વર્ષની છે પરંતુ તેમાંના ૬૬% દેશોમાં પૈતૃક કે ન્યાયિક સમંતિથી ઓછી ઉંમરે લગ્ન પણ કરી શકાય છે. વર્ષ ૧૯૯૦માં મહિલાની લગ્ન કરવાની સરેરાશ ઉમર ૨૧.૯ વર્ષ હતી જે ૨૦૧૦માં વધીને ૨૩.૩ વર્ષ થઇ. આ બાબત પર થોડો વિચાર કરવાની જરૂર છે. આપણે ત્યાં પણ સ્ત્રીને લગ્ન પહેલા ભણાવી ગણાવીને કે કોઈ વ્યવસાયિક કામ શીખાડીને પગભર કરવાની વાત કરતા થયા છીએ. તેનું કારણ એ છે કે દરેક સ્ત્રી અને તેના માતાપિતાને ચિંતા હોય છે કે જો લગ્નજીવનમાં કઈ આઘુંપાછું થઇ જાય તો છોકરી પગભર હોવી જોઈએ. આ વાત આપણે અનુભવના આધારે શીખ્યા છીએ. આપણા સમાજે પરણીને આવેલી સ્ત્રી પર અત્યાચાર કરવામાં ઓછપ રાખી નથી અને એટલે જ આજે છોકરી પોતાની સ્વતંત્રતા ખોવા ઇચ્છતી નથી. આ બાબત ક્યાંક તો આપણી સમાજવ્યવસ્થા પરથી મહિલાઓનો ડગી ગયેલો વિશ્વાસ બતાવે છે.
બિલકુલ લગ્ન ન કરનારી મહિલાઓની સંખ્યા પણ વિશ્વભરમાં વધી રહી છે. તેઓ પોતાની જિંદગી સ્વતંત્ર રીતે જીવવા ઈચ્છે છે. જે સમાજમાં લગ્ન પહેલા સ્ત્રી-પુરુષના સંબંધોમાં બાધ નથી ત્યાં તો મહિલાઓ લગ્નને બદલે લિવ-ઇનમાં રહેવાને પ્રાધાન્ય આપતી થઇ છે. થોડા સમયબાદ જો સારી રીતે ફાવી જાય તો જ લગ્ન કરવાનો નિર્ણય લે છે. લગ્ન બાદ ડિવોર્સનો રેટ પણ વધી રહ્યો છે.
૮૯ દેશોમાંથી મેળવેલા આંકડાઓ દર્શાવે છે કે વિશ્વમાં ૧૦ કરોડ મહિલાઓ સિંગલ મધર છે અને તેઓ બાળકને એકલા હાથે ઉછેરી રહી છે. જો તેમના પરિવાર સાથે (પતિ સાથે નહિ) રહેતી હોય તેવી સિંગલ મધરની વાત કરીએ તો આંકડો બમણો થઇ જાય છે. .
૧૯૯૦ના દશક સુધી બહુ ઓછા દેશોમાં ઘરેલુ હિંસાને ગુનો ગણવામાં આવતો. ૨૦૧૮ના વર્ષ સુધીમાં લગભગ ૭૬ દેશોમાં આવો કાયદો ઘડવામાં આવ્યો છે અને મહિલાઓને ઘરેલુ હિંસા સામે રક્ષણ મળ્યું છે. આવા કાયદાની આવશ્યકતા એટલા માટે છે કે ત્રણમાંથી એક મહિલા તેના પતિ કે પાર્ટનર દ્વારા શારીરિક હિંસાનો ભોગ બને છે. આજે પણ કેટલાક દેશો એવા છે જ્યાં વ્યક્તિ બળાત્કાર કર્યા બાદ તે સ્ત્રી સાથે લગ્ન કરી લે તો તેને સજા મળતી નથી. લગ્નજીવનમાં બળાત્કારને ગુનો ન ગણતા દેશોની સંખ્યા પણ ખુબ વધારે છે.
વધારે ચોંકાવનારી બાબત તો એ છે કે ધાર્મિક કારણોસર ફિમેલ જેનીટલ મ્યુટિલેશન – સ્ત્રીના ગુપ્તાંગ પર એક પ્રકારની શસ્ત્ર ક્રિયા – ની પ્રથા ઘણા દેશોમાં પ્રચલિત છે અને ૨૦ કરોડ જેટલી મહિલાઓને આવી પ્રક્રિયામાંથી પસાર થયું પડ્યું હોવાનું સામે આવ્યું છે. સ્ત્રી-પુરુષો માટે સમાન કાયદાની વાત કરીએ તો ૧૯ દેશોમાં એવું કાયદાકીય પ્રાવધાન છે કે મહિલાએ તેમના પતિની આજ્ઞાનું પાલન કરવું પડે. ૧૭ દેશોમાં પતિ અને પત્નીને ઘરની બહાર પ્રવાસ કરવા માટે અલગ નિયમો છે અને તેમાં મહિલાઓને ઓછા અધિકાર છે. ૩૭ દેશોમાં મહિલાએ પાસપોર્ટ મેળવવા પિતા કે પતિની મંજૂરી લેવી પડે છે. કેટલાય દેશોમાં મહિલાઓને ડિવોર્સ અરજી કરવાના અધિકાર પર કેટલીય મર્યાદાઓ છે. સંપત્તિના વારસાની બાબતમાં તો લગભગ ૨૦% દેશોમાં દીકરી કરતા દીકરાને વધારે હક છે.
ઇન્ટરનેશનલ વિમેન્સ ડેની ઉજવણી બાદ આ હકીકત થોડી કડવી લાગે તેમ છે પરંતુ તે જાણવી આપણા સૌ માટે જરૂરી છે. એક નજીવું સત્ય એ પણ છે કે છેલ્લા એક-બે દશકાથી આપણે સ્ત્રી સશક્તિકરણની વાત કરતા તો શીખી ગયા પરંતુ સશક્ત સ્ત્રીઓને સ્વીકારતા શીખ્યા નથી.