એમેઝોન પ્રાઈમ પર એક નવી ફિલ્મ આવી છે – શેરશાહ. પરમવીર ચક્ર વિજેતા સ્વ. કેપ્ટ્ન વિક્રમ બત્રાએ ૧૯૯૯ના કારગિલ યુદ્ધ વખતે જે બહાદુરી બતાવી તેની સત્યકથા પરથી બનેલી આ ફિલ્મ એકવાર જોવા જેવી છે. ૧૩૬ મિનિટની લાંબી ફિલ્મ થોડી સ્લો ચાલે છે અને એટલે બીજી કોઈ યુદ્ધ પર આધારિત ફિલ્મ જેટલી દિલધડક નથી પરંતુ તેમ છતાંય દર્શકોને જકડી રાખે તેવી છે. આ ફિલ્મમાં લેફટનન્ટ વિક્રમ બત્રાને પ્રશ્ન પૂછવામાં આવે છે કે તે આર્મીની ફેમિલીમાંથી આવે છે કે કેમ તો તે જવાબ આપે છે કે તેના પેરેન્ટ્સ ટીચર્સ છે અને પછી કહે છે કે સોલ્જર કહી ભી પેદા હો શકતા હૈ. વાત ખુબ સાચી છે. સોલ્જર, સૈનિક ક્યાંય પણ પેદા થઇ શકે છે અને ક્યારેય પણ પેદા થઇ શકે છે. ઉપરાંત, સૈનિકને લડવા માટે હંમેશા યુદ્ધ મેદાનની આવશ્યકતા પણ નથી. એક-એક વ્યક્તિની અંદર એક સોલ્જર રહેલો છે અને તે જીવનના સંગ્રામમાં કોઈને કોઈ યુદ્ધ લડતો હોય છે.

તમે પણ જીવનમાં કેટલાય યુદ્ધ લડ્યા હશે. ક્યારેક આ યુદ્ધ બાહ્ય પરિસ્થિતિ, સંજોગો કે દુશ્મનો સામે હોઈ શકે તો ક્યારેક તે આંતરિક હોય છે. આંતરિક યુદ્ધ વૈચારિક, ભાવનાત્મક કે સૈદ્ધાંતિક હોય છે. બાહ્ય યુદ્ધમાં પણ જયારે દુશ્મન સ્પષ્ટ દેખાતો હોય અથવા પ્રતિકૂળ પરિસ્થિતિ આપણી સામે સ્પષ્ટ હોય ત્યારે આપણે આયોજન કરી શકીએ છીએ, રણનીતિ બનાવી શકીએ છીએ. પરંતુ જયારે પ્રતિકૂળતા છુપી રીતે આવે, નજીકના અને દુશ્મન ન ગણી શકાય તેવા લોકો આપણને સતાવે ત્યારે આ યુદ્ધ બહુ કપરું બને છે.

આંતરિક દ્વંદ્વ તો તેનાથી પણ વધારે કપરા હોય છે. જે વ્યક્તિ બધી રીતે સફળ હોય પરંતુ તેના મનમાં કંઇક ને કંઇક ખટરાગ રહ્યા કરતો હોય તે બધી જાહોજલાલી છતાં પણ ખુશ રહી શકતો નથી. જે વૈભવ, વિલાસના સપના લોકો જોતા હોય તે તમારા કદમોમાં પડ્યો હોય તેમ છતાંય આવી આંતરિક ચિંતા કે પરેશાનીને કારણે તમે જીવનનો આનંદ માણી શકતા નથી. આ સમયે શું તમે નિરાશ થઈને, હતોત્સાહ બનીને હાર માની લેશો? કે પછી એક સૈનિકની જેમ પોતાની ખુશી પાછી મેળવવા આંતરિક ખટરાગ સામે લડશો? આ સ્થિતિ ખાસ કરીને માનસિક તણાવ અને પરેશાની અનુભવતા લોકો સામે ઊભી થતી હોય છે. તેઓ ક્યારેક તો તેની વાત પણ કોઈ સાથે કરી શકતા નથી અને તેનું કારણ એ છે કે વ્યક્તિની અંદર બની રહેલી ઘટનાઓ અને વિચારોના વમળને બીજું કોઈ જોઈ શકતું નથી કે સમજી શકતું નથી.

વ્યક્તિ જીવનમાં અનેકવાર સૈનિકનું પાત્ર ભજવે છે અને પોતાની તથા બીજાની લડાઈ લડે છે. આ લડાઈ પોતે ઊભી કરેલી હોઈ શકે અથવા તો પરિસ્થિતિગત તેના પર થોપાયેલી હોઈ શકે. પરંતુ એક સૈનિકનું કામ છે લડવું, અને જો તે પોતાનું કર્તવ્ય સારી રીતે નિભાવે તો યુદ્ધમાં જરૂર વિજયી બને છે.