પરિવર્તન જગતનો નિયમ છે. આપણા જીવનમાં રોજ થોડું થોડું પરિવર્તન આવ્યા કરે છે જેનાથી આપણે ક્યારેક વાકેફ હોઈએ અને ક્યારેક અજાણ. પરંતુ પ્રકૃતિમાં આવતા બદલાવની જેમ જ જીવનમાં પણ બદલાવ એક નિયત ગતિએ આવ્યા જ કરે છે. તેની અસર આપણા જીવનના દરેક પાસાં પર થાય છે. આ પરિવર્તન આપણા શરીર, સામાજિક સ્થિતિ અને મનમાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે જે શરીર લઈને આપણે જન્મેલા તે શરીરનો કોઈ જ અંશ આજે આપણી પાસે નથી. રોજ આપણા શરીરમાંથી ૩૩૦ બિલિયન જેટલા કોષ બદલાય છે. જુના કોષના સ્થાને નવો કોષ આવે છે. ઘસારાને કારણે મરતાં કોષ બદલાય છે. આ રીતે ૧૦૦ દિવસમાં આપણા શરીરના બધા જ એટલે કે ૩૦ ટ્રિલિયન કોષ બદલાઈ જાય છે. હિસાબ કરો કે આજ સુધીમાં તમે કેટલીવખત બદલાઈ ગયા છો? જે શરીર લઈને તમે જન્મેલા તેને આજ સુધીમાં તમે કેટલી વખત કપડાંની માફક બદલી નાખ્યું છે તેની ગણતરી કરી છે?
જે શરીરના પ્રેમમાં આપણે છીએ તે નાશવંત છે પરંતુ તે સંજીવની શક્તિને કારણે જળવાઈ રહે છે. આ સંજીવની શક્તિ આપણામાં ચેતના પ્રેરે છે અને આપણું જીવન ચાલ્યા કરે છે. જે રીતે તમારા ફળિયામાં રહેલા અંબા કે વડના પણ ઋતુ પ્રમાણે ખરે છે અને તેને સ્થાને નવા પણ આવે છે તેવી જ રીતે આપણા જીવનમાં પણ બધું જ સમય સાથે, તેના એક પૂર્વનિર્ધારિત ક્રમ અનુસાર બદલાય છે, પરિવર્તન પામે છે અને તેના માટે સર્જન – નાશ – સર્જનનો ક્રમ ચાલ્યા કરે છે. આ રીતના ક્રમના ભાગ તરીકે આપણે જીવીએ છીએ તે વાતથી સભાન રહીને આપણે જીવન પ્રત્યેના અભિગમને કેટલો સ્વાભાવિક, સૃષ્ટિસંગત રાખી શકીએ તેના વિષે વિચાર કર્યો છે?
જીવનમાં આવતા તડકા છાયા અને ખુશી કે દુઃખના દિવસોમાં જીવતી વખતે આ નાશવંતતા અને પરિવર્તનશીલતા અંગે સભાનતા કેળવીને આપણે કોઈ પણ પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરીએ, કેવી રીતે તેમાંથી પસાર થઈએ તેનો અભિગમ જ બદલાઈ જાય છે. ભાગવત ગીતામાં કહેલો પાઠ કે શરીર નાશવંત છે અને આત્મા અમર છે તે તો આ રીતે બદલાતા કોષોથી જ સાબિત થઇ જાય છે. કોઈ જ પદાર્થ કે પુરુષ સાથે લાગણી કે મમતાના સંબંધો તો સારા પરંતુ લાગણીનું અવલંબન સારું નહિ તેવું જ તો ગીતામાં પણ કહ્યું છે ને? વાલ્મિકી ઋષિને પણ આ જ પાઠ સમજાયો ત્યારે તેમણે લૂંટફાંટ છોડીને પ્રભુ મહિમા લખવામાં જીવન સમર્પિત કર્યું.
ખ્રિસ્તીઓમાં વ્યક્તિની કબર પર અર્થપૂર્ણ સૂક્તિ લખવાની પ્રથા છે. એક કબ્રસ્તાનમાં કોઈની કબર પર લખેલું – આ વ્યક્તિને આવતી કાલની ચિંતા હતી પરંતુ તે આજે જ રાત્રે મૃત્યુ પામ્યો – કેટલી ગહન વાત છે. આવતી કાલની ચિંતા કરવાનો અર્થ જ શો જયારે આજની જ કોઈ નિશ્ચિતતા ન હોય? પરંતુ તેમ છતાંય આપણે જીવનની પરિવર્તનશીલતાને સ્વીકાર્ય વિના, જે તે સ્થિતિ જળવાઈ રહે અથવા તો તેમાં આપણી ઈચ્છા પ્રમાણે પરિવર્તન આવે તેવું ચાહતા હોઈએ છીએ અને એવું ન બને તો પરેશાન થતા હોઈએ છીએ. શા માટે આ સરળ વાત આપણે સમજવા છતાંય સ્વીકારી શકતા નથી કે બધું જ આપણા હાથમાં નથી?
એક દંતકથા પ્રમાણે અકબરે બીરબલને એવું વાક્ય લખવા કહેલું કે તેને ખુશીના સમયમાં વાંચો તો દુઃખ થાય અને દુઃખના સમયમાં વાંચો તો ખુશી થાય. કહેવાય છે કે બીરબલે લખેલું: એ વખત ભી ગુઝાર જાયેગા. હા, અત્યારે સમય સુખનો હોય કે દુઃખનો, તેને લઈને ખુબ પ્રસન્ન કે નિરાશ થવાનો અર્થ નથી કેમ કે તે સમય પણ વીતી જશે. પછી આવનારો સમય કેવો હશે તે કોઈને ખબર હોતી નથી. આપણે આયોજન તો કરીએ છીએ, પ્રયત્ન પણ કરીએ છીએ અને ઇચ્છીએ પણ છીએ કે પોતાના માટે બધું જ સારું સારું થાય પરંતુ તેમ છતાંય દરેક વખતે એવું બનતું નથી તે હકીકતથી કોણ વાકેફ નથી?
જીવનની પરિવર્તનશીલતાને, સમયની ચક્રવર્તી ગતિને સ્વીકારીને જે વ્યક્તિ જીવે તે જલ્દી દુઃખી પણ થતો નથી અને તેને સુખના સમુદ્ર પણ ભીંજવતા નથી. તે હંમેશા પાણીમાં કમળના પાનની જેમ રહે છે તેના પરથી પાણી પણ સરકીને નીચે પડી જાય છે.