કોરોનાએ લોકોને જીવનનું મૂલ્ય બતાવ્યું. ગરીબ હોય કે તવંગર, સૌને એક સમાન રીતે પોતાની લપેટમાં લેનાર આ વાયરસે અચાનક આવીને આપણી મર્યાદાઓ અંગે ભાન કરાવી દીધું. આપણે વૈજ્ઞાનિક રીતે ગમે તેટલા આગળ વધી ગયા હોવાના દાવા કરતા રહીએ પરંતુ વિશ્વભરનો એકેય દેશ આ વાઇરસથી બચ્યો નથી. કોઈ જ દેશ છ મહિનાના સમય પછી પણ વાઇરસનો ઈલાજ કે રસી શોધી શક્યો નથી. એક વાયરસે આપણને સૌને છુપાઈને ઘરમાં બેસવા, માસ્કમાં મોં છુપાવીને ફરવા મજબુર કરી દીધા છે. અત્યારે જ આપણે સમજ્યા છીએ કે જીવનથી વધારે મૂલ્યવાન અને મહત્ત્વનું બીજું કઈ જ નથી. લોકડાઉન દરમિયાન માનવતાના કેટલાય સારા દ્રષ્ટાંતો સામે આવ્યા. પરંતુ કમનસીબે કેટલાક લાલચી લોકોની લોભવૃત્તિ પણ આવા સમયે છુપી ન રહી. શા માટે માણસ ઉદારભાવ કે લોભલાલચ ધરાવે છે? શું છે માનવીના સ્વભાવ અને પ્રલોભનની પ્રકૃતિ?
બર્ટ્રાન્ડ રશેલ નામના ફિલોસોફરે એક નિબંધમાં લખ્યું કે બે પ્રકારની સંપત્તિ હોય છે. એક તો એવી સંપત્તિ જેની ખાનગી માલિકી શક્ય છે જેમ કે જમીન, સોનુ, મકાન, કપડાં, ગાડી વગેરે. આ પ્રકારની સંપત્તિ મેળવવા માટે, બીજા કરતા વધારે મેળવવા માટે, તેમની માલિકી અખત્યાર કરવા માટે, લોકો જીવનભર દોડ્યા કરે છે. બીજી સંપત્તિ એવી છે જેની ખાનગી માલિકી શક્ય નથી. જેમ કે પ્રેમભાવ, કલા, જ્ઞાન, કીર્તિ, સમ્માન. જ્ઞાનની ખાનગી માલિકી શક્ય નથી. એક વૈજ્ઞાનિક કોઈ સંશોધન કરે તો શક્ય છે કે દુનિયાના બીજા કોઈ ખૂણામાં બીજો વૈજ્ઞાનિક તેવું જ સંશોધન કરી રહ્યો હોય. એક ચિત્રકાર સારું ચિત્ર બનાવે તો બીજા ચિત્રકારનો સારું ચિત્ર બનાવવાનો હક જતો રહેતો નથી. એટલે કે જ્ઞાન અને કલા પર એક વૈજ્ઞાનિક કે ચિત્રકારની માલિકી હોઈ શકે નહિ.
આ બંને પ્રકારની સંપત્તિ સાથે સંકળાયેલા બે ભાવો પણ માનવીની પ્રકૃતિમાં આવે છે. જેની માલિકી શક્ય હોય તેની સાથે આધિપત્યભાવ સંકળાયેલો છે. જેની માલિકી શક્ય નથી તેની સાથે સર્જનાત્મકભાવ સંકળાયેલ છે. જેની પાસે જમીન હોય તેનામાં આધિપત્ય હોય અને જેની પાસે કલા હોય તેનામાં સર્જનાત્મક ભાવ હોય. જો કે આધિપત્યભાવ વાળા સર્જનાત્મકભાવ વાળી વ્યક્તિએ તૈયાર કરેલ સંપત્તિ – ચિત્ર કે સિદ્ધાંત – ની માલિકી મેળવીને આધિપત્ય જમાવી લે તે શક્ય છે. આખરે બને છે એવું કે સર્જનાત્મકભાવના પરિણામે તૈયાર થયેલ સંપત્તિને પણ અધિપત્યભાવ વાળા લોકો માલિકી હકમાં લઇ લે છે. એટલા માટે જ વૈજ્ઞાનિકોના સંશોધનો પર પેટન્ટ મેળવીને કંપનીઓ પોતાનો વ્યાપાર વધારે છે. ચિત્રકારના ચિત્ર, લેખકના લખાણો વગેરે ખરીદીને તેના પર ખાનગી આધિપત્ય જમાવી દેવામાં આવે છે.
દુનિયામાં સંપત્તિને લગતા ગુનાઓ શા માટે થાય છે? લોભ, લાલચ, કપટ, ભ્રષ્ટાચાર થવાનું કારણ શું છે? જે સંપત્તિ પર ખાનગી માલિકી શક્ય છે તેના પર આધિપત્ય જમાવવાની ઈચ્છા. પોતાની પાસે વધારે હોય, બીજા પાસે ઓછું હોય તેવો ભાવ. બીજી વ્યક્તિના ભોગે પોતે મેળવવાની અને કબજો જમાવી રાખવાની પ્રકૃતિ જ આવા ગુનાઓ અને દુર્ગુણોનું કારણ છે. જયારે આવા દુર્ગુણો વ્યક્તિના મનમાં ઘર કરી જાય ત્યારે સંપત્તિ પર માલિકીહક મેળવવા જોર, જબરદસ્તી, છળ, કપટ પણ ઉપયોગ કરવામાં આવે છે. જે સમાજને દુષિત કરે છે. માનવીનું અવમૂલ્યન કરે છે અને સંપત્તિ પ્રધાન સમાજ બનાવે છે.
આજે આપણે કમનસીબે આવા જ સંપત્તિપ્રધાન સમાજમાં રહીએ છીએ જેમાં માનવી કરતા સંપત્તિનું મૂલ્ય વધી ગયું છે. દુઃખની વાત તો એ છે કે કોરોનાના સમયમાં પણ અમુક લોકોએ માનવતા ભૂલીને સંપત્તિ પાછળ દોટ લગાવી છે. પરંતુ તેવા લોકો ઓછા છે. વધારે લોકોએ આ સમયે પોતાનું ભાવાત્મક પાસું નિખાર્યું છે. તેમને સમજાયું છે કે બહુમતીનું હિત ખાનગી માલિકીમાં નહિ પરંતુ માનવીય વહેંચણીમાં છે. આ ભાવના વધારે મજબૂત બને અને કપરા સમયની એક શિખ તરીકે આપણે સૌ ઉમદા બનીએ તેવી આશા અને પ્રયત્નો કરવા જોઈએ. મહત્ત્મા ગાંધી, વિનોબા ભાવે, ઠક્કર બાપા વગેરેએ જે નિઃસ્વાર્થ સેવાના ઉમદા સંદેશ અને ઉદાહરણ આપણને પુરા પડ્યા છે તેને સાકાર કરવાનો આનાથી સારો સમય ક્યારેય આપણને નહિ મળે.