‘હું ના કહીશ તો તેને ખોટું લાગશે.’ આવા વિચારોથી પોતાની ઈચ્છા ન હોય તેવા કામ પણ કરનારા લોકો બીજાની નજરોમાં સારા તો બની રહી છે પરંતુ પોતે ઇચ્છતા હોય તે કામ કરવા માટે ભાગ્યે જ સમય ફાળવી શકે છે. જો ભૂલે ચુકે તેમને પોતાની ઈચ્છા પ્રમાણે વિતાવવા સમય મળી જાય તો પણ તેમના મનમાં બીજો પ્રશ્ન સળવળ્યા કરે છે, ‘હું આમ કરીશ તો તેને કેવું લાગશે?’ આ રીતે પોતાની દરેક ક્રિયાને બીજાના ત્રાજવામાં તોલવાની આદત પોતાને સારા બતાવવા મથતા લોકોને ભેંટ તરીકે મળતી હોય છે.

કેટલાય લોકોને પોતાની પ્રસંશા સાંભળવાની, બીજા પાસેથી સ્વીકૃતિ મેળવવાની એટલી તો તાલાવેલી હોય છે કે તેઓ ધીમે ધીમે બીજાની ઈચ્છા અને અભિપ્રાયને આધીન થતા જાય છે. કોઈપણ તેમના વિષે ખરાબ બોલે કે નબળો અભિપ્રાય આપે તો તેમની રાતની ઊંઘ ઉડી જાય છે. કેમેય કરીને તેઓ બધાને ખુશ રાખવા મથ્યા કરે છે. મમ્મી-પપ્પા માટે એક તો ભાઈ-બહેન માટે બીજું, મિત્રો માટે ત્રીજું અને પાડોસી માટે ચોથું કામ તેમના લિસ્ટમાં હંમેશા નોંધાયેલું હોય છે. આ બધાય કામોની નીચે આવે છે – જો જગ્યા હોય તો – પોતાના માટે કરવાનું કોઈ કામ.

એવું માનવાની ભૂલ ન કરવી કે આવા લોકો હંમેશા સેવાભાવ અને પરોપકારની ભાવનાથી આવું વર્તન કરતા હોય છે. ખરેખર તો એ તેમની પ્રકૃતિ બની જાય છે કે હંમેશા તેમની ઉપર મિસ્ટર નાઇસ – સારા માણસ – નો બિલ્લો લાગેલો રહે – ટેગ લાગેલો રહે. જો આ ટેગને આંચ આવે તો જાણે તેમના અસ્તિત્વ અંગે પ્રશ્નો ઉભા થયા હોય તેમ તેઓ વિહ્વળ બની જાય છે. કોઈ પૂછે કે આવા સારા લોકો બીજાનું તો ભલું જ કરે છે – તો તેમાં ખોટું શું છે. વાત સાચી છે. તેઓ બીજાનું ભલું કરે છે – પરંતુ તે બીજા માટે નહિ, પોતાને માટે હોય છે. અહીં સ્વાર્થનો અંશ છુપાયેલો હોય છે જે તેમને બીજાને ગમે તેવું કરવા પ્રેરે છે. તેઓ કોઈને ના કહી શકતા નથી અને એટલા માટે આવા લોકો નિષ્પક્ષ નિર્ણય લઇ શકતા નથી – એટલે વસ્તુલક્ષિતા તેમના સ્વભાવમાં નહિવત હોય છે.

મિસ્ટર નાઇસ સાથે બીજી એક સમસ્યા એવી હોય છે કે તેઓ જે કઈ કરે તે હંમેશા બીજાને બતાવવા માટે કરતા હોય છે. કસરત કરવી, વહેલા ઉઠવું કે પછી નિયમિત રીતે મંદિરે જવું – આ બધું જ તેઓ પોતાની જાત માટે નહિ પરંતુ બીજા તરફથી શાબાશી મેળવવા માટે કરે છે. તેમને ગમે છે કે કોઈ તેમનું ઉદાહરણ એક આદર્શ વ્યક્તિ તરીકે લે. કોઈને માટે ઉદાહરણરૂપ બનવું તેમને ગમતું હોય છે. જ્યાં સમ્માન અને માન્યતા ન મળતાં હોય તેવા કામોમાં તેઓ પોતાનો સમય આપતા નથી.

આ પ્રકારની લાઇફસ્ટાઇલ અને સ્વભાવ વ્યક્તિની એક કમજોરી બતાવે છે. પોતાની દ્રઢ માન્યતા કે પ્રતીતિને બદલે બીજાના વિચારોને આધારે ચાલવાને કારણે તેઓ સ્વતંત્ર નિર્ણય કરી શકતા નથી. પોતાની ઈચ્છાઓ અને જરૂરિયાતોને પ્રાધાન્ય આપી શકતા નથી. પોતાના ભલા માટે – દુનિયાને અવગણીને – કામ કરી શકતા નથી. આવા લોકોનો ફાયદો ક્યારેક લૂંટારાઓ અને છેતરનારા લોકો ઉઠાવે છે. પાંચ-સાત લોકોની વચ્ચે તેમના વિષે સારું બોલીને તેમની પાસેથી પોતાના ફાયદાનું કામ કઢાવી લેનારા લોકોથી આવા મિસ્ટર નાઇસ હંમેશા લૂંટાયા કરે છે. ક્યારેક તેમને ખબર પણ હોવા છતાં પરિસ્થિતિને વશ થઈને તેઓ નુકસાન ભોગવ્યા કરે છે.

શું તમે પણ ક્યારેય આવી સ્થિતિમાં સપડાયા છો જયારે મિસ્ટર નાઇસ બનવાની ઈચ્છાને કારણે પોતાનું નુકશાન કરી બેઠા હોય? ક્યારેય એવું થયું છે કે તમે પોતાની પ્રાથમિકતા માટે સમય અને મહેનત ફેલાવવાને બદલે બીજાને સારું લગાડવા માટે કામ કર્યું હોય? આવું લગભગ બધા સાથે થાય છે કેમ કે ક્યાંક ને ક્યાંક આપણને સૌને સારા વ્યક્તિ તરીકે રહેવાનું પસંદ હોય છે. પરંતુ આવી સારપ કરતા કરતા પોતાની જાતને પાછળ ન રાખી દઈએ તેની કાળજી રાખવી જોઈએ. ક્યારેક ના કહેવામાં કોઈ વાંધો નહિ. હંમેશા આપણે સૌને ગમી શકીયે તે શક્ય નથી. આપણી પોતાની જિંદગી છે, પરિવાર છે અને કારકિર્દી છે. બીજાને ખોટું ન લગાડવાની ચિંતામાં આપણે પોતાની જાતને વારે વારે ખોટું લગાડ્યા કરીએ તે પણ યોગ્ય નથી.

Don’t miss new articles