આપણી દરેક પ્રવૃત્તિ પાછળ કોઈને કોઈ કારણ તો જવાબદાર હોય જ છે. “શા માટે?” પૂછવાથી જે જવાબ મળે તે આપણી પ્રવૃત્તિનો પ્રાણ છે, તેનું ઇંધણ છે. આ પ્રશ્ન: શા માટે – નો જવાબ જ દરેક દલીલને મજબૂત બનાવે છે, દરેક સમજાવટનું કારણ બને છે. જયારે સેલ્સમેન પણ કઈ વેંચવા જાય ત્યારે ખરીદનારને ‘શા માટે તે વસ્તુ ખરીદવી જોઈએ’ તે સમજાવી શકે તો તેને સેલ્સમાં વધારે સફળતા મળે છે. સાઈમન સિનેક નામના પ્રખ્યાત વક્તા કે જેની ટેડેક્સ ટોકને લગભગ અઢી કરોડ લોકોએ જોઈ છે તેનું એક લોકપ્રિય પુસ્તક છે ‘સ્ટાર્ટ વિથ વ્હાઈ’ એટલે કે ‘શા માટેથી શરૂઆત કરો’ પણ આ જ વાતની પૂર્તિ કરે છે.

જે કાર્ય કરો તેની પાછળ કોઈ તો હેતુ હોવો જોઈએ, કોઈ તો પ્રયોજન હોવું જોઈએ. જો તે હેતુ કે પ્રયોજન સશક્ત હોય તો તમારું કાર્ય પણ વધારે સારું થાય. શા માટે સિંહ શિકાર કરવા નીકળે છે? કારણ કે તે જો શિકાર નહિ કરે તો ભૂખ્યો મરી જશે. શા માટે કોઈ મહેનત કરીને પૈસા કમાય છે? કેમ કે પૈસા નહિ હોય તો ગરીબાઈ સતાવશે. શા માટે તમે કોઈને પ્રેમ કરો છો કે શા માટે કોઈની સાથે દુશ્મની વહોરો છો? આ બધા ‘શા માટે’ ના જવાબ તો હોય જ છે. અમથા અમથા જ જોઈને દુશ્મન બનાવી લેવા કોઈને પોસાય ખરા? જેટલું સબળ કારણ, તેટલો વિશ્વાસ વધારે સચોટ.

આ કારણથી જ કહેવાય છે કે જયારે કોઈ મહત્ત્વપૂર્ણ પ્રવૃત્તિ હાથ ધરો, કોઈ મોટું લક્ષ્ય નિર્ધારિત કરો તો તેની પાછળ તમારું મોટિવેશન શું છે? તે લક્ષ્ય અંગેના ‘શા માટે’ નો જવાબ તમારો શું છે? તમારે પ્રેરણા, તમારો ઈરાદો જ નક્કી કરે છે કે તમે તમારા લક્ષ્યમાં સફળ થશો કે નહિ? એ પ્રેરણાની મજબૂતાઈ જ તમને મહેનત કરવા પ્રેરિત કરે છે. વિપરીત સંજોગોમાં પણ અડીખમ રહીને ઉભા રહેવું આસાન નથી હોતું પરંતુ તમારું આત્મબળ વધારનારૂ કોઈ કારણ હોય તો ગમે તેવી મુશ્કેલીઓ પણ તમે પાર કરી શકો છો અને સફળ થઇ શકો છો. યુપીએસસી જેવી અઘરી પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓ સામે તેટલી મોટી પ્રેરણા હોય તેટલી તેમની ધીરજ અને ખંત મજબૂત રહે છે. બારહવી ફેઈલ ફિલ્મ જોઈ હશે તો તમને જરૂર સમજાયું હશે કે ખંત વિના આટલી મોટી ચેલેન્જ પાર કરવી આસાન નથી.

સ્કવોડ ગેમ નામની કોરિયન સિરીઝ નેટફ્લિક્સ પર છે. તે જોનાર પણ આ વાતથી સહમત થશે કે તેમાં ભાગ લેનાર દરેક ખેલાડીના જીવનમાં એટલી મોટી મજબૂતી હોય છે કે તે મોતની પણ ચિંતા કર્યા વિના પ્રયત્ન કરતો રહે છે. કારણ? કારણ કે તેની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. તેના માટે આ મોતનો ખેલ ખેલવાનું કારણ બહુ જ મજબૂત છે. સારી સારી નવલકથા, ફિલ્મ કે ઘટનાઓનું વિશ્લેષણ કરતા જણાશે કે દરેક કાર્ય, કથાવસ્તુમાં મોટીવ બહુ મહત્ત્વ ધરાવે છે. જયારે ક્રિયા પાછળનું કારણ સબળ ન હોય ત્યારે વાંચક કે પ્રેક્ષક પ્રશ્ન જરૂર કરે છે કે નાયકે તેવું કરવાની જરૂર શું હતી? તેવી જ રીતે વાસ્તવિક જીવનમાં પણ પોલીસ ક્રિમિનલ કેસ સોલ્વ કરતી વખતે ગુનેહગારનો મોટીવ-ઈરાદો જરૂર શોધે છે. પ્રતીતિજનક હેતુ સામે આવે ત્યારે પોલીસ માટે અદાલત સમક્ષ એ સાબિત કરવું સરળ થઇ પડે છે કે ગુનેહગારને સજા થવી જોઈએ.

તમે જે કોઈ કાર્ય હાથમાં લો તેને જો સફળ બનાવવું હોય, તેની પાછળ પુરા પ્રયત્ન કરવા હોય અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ મનોબળ નબળું ન પડે તે નિશ્ચિત કરવું હોય તો તે કાર્ય માટેની પ્રેરણા, મોટીવ, ‘શા માટે?’ એટલો મજબૂત અને સબળ રાખો કે તમે પોતાની બધી જ તાકાત તેને સફળ કરવામાં લગાડી દો.

Don’t miss new articles