સ્વ. જગજીત સિંઘની પ્રખ્યાત ગઝલ છે: 
‘દુનિયા જિસે કેહ્તે હૈ, જાદુ કા ખિલોના હૈ,મિલ જાયે તો મિટ્ટી હૈ, ખો જાયે તો સોના હૈ.’


આજની સ્થિતિમાં આપણે એવું જ અનુભવી રહ્યા છીએ ને? જયારે સમય નહોતો મળતો ત્યારે આપણે થોડી રાહતની ક્ષણો પામવા ઝંખતા રહેતા. ક્યારેક એવો ફુરસતનો સમય મળે કે જયારે ઘરમાં બેસીને ચાની ચુસ્કી મારતાં ટીવી જોઈ શકીએ, પરિવારના લોકો સાથે બેસીને વાતો કરી શકીએ, બાળકો સાથે સમય વિતાવી શકીએ. તે બધું આપણા માટે લગભગ અશક્ય જેવું હતું. કોણે એવું વિચાર્યું હશે કે એકાદ મહિના સુધી કામથી રજા મળશે અને ઘરે રહેવાનું થશે. આવો સમય તો આપણે સોના જેવો ગણ્યો હોત. પરંતુ હવે જયારે તેવો સમય આવી ગયો છે, ઘરના લોકો સાથે સમય વિતાવવા મળી રહ્યો છે તો આપણને તે માટી જેવો નિરર્થક લાગે છે.

 
વાત એ છે કે આટલા લાંબા લોકડાઉનને કારણે મોટાભાગના લોકોને ઘરેથી કામ કરવાની કે કામમાંથી રજા લેવાની ફરજ પડી. આ બાબતના લાભાલાભની ચર્ચા ન કરતા આપણે માત્ર માનવીના સ્વભાવની વાત કરીએ તો જગજીત સિંઘની ગઝલ સાચી લાગે છે. આ દુનિયામાં આપણને જ્યાં સુધી કઈ ન મળ્યું હોય ત્યાં સુધી તે સોના જેવું મૂલ્યવાન જણાય છે પરંતુ જયારે મળી જાય ત્યારે આપણે તેની કદર કરતા નથી, માટી ગણીને અવગણીએ છીએ. 


જીવનમાં મળ્યું તેની કદર કરવાને બદલે ન મળ્યું તેની તલાશ આદરવી આપણી ફિતરત છે. અજાણ્યાને જાણવાનું કૌતુક આપણા હૃદયમાં એક વસવસો જગાવે છે અને તેને સંતોષવા આપણે મથ્યા કરીએ છીએ. માનવીની આવી કુતુહુલતા જ તેને નવી શોધ કરાવે છે. નવા ભૂમિખંડોની ખોજ કરનારાઓ કદાચ જિજ્ઞાસાવૃત્તિને કારણે અથવા તો જરૂરિયાતને કારણે નીકળા હશે. ઇતિહાસ ઉખેડીને જોઈ લો. કોન્સ્ટેન્ટિનોપલ – આજનું ઇસ્તંબુલ – મુસ્લિમોના હાથમાં આવ્યું અને ભૂમિ માર્ગે ભારત આવવાનું બંધ થયું એટલે યુરોપીયનોએ ભારત તરફ આવવા દરિયાઈ માર્ગ શોધવાની શરૂઆત કરી. આખરે તેઓ ભારત પહોંચી ગયા. તે પ્રક્રિયામાં તેઓએ અમેરિકા ખાંડ પણ શોધી કાઢ્યો. આ જરૂરિયાત અને ખોજ કરવાની સાહસિક વૃત્તિ જ આપણી દુનિયાને ચલાવ્યા કરે છે. 


જો કે આટલી મહેનત પછી જે કઈ મળી જાય તેની કદર કેવી રીતે કરવી? કેવી રીતે સોનાને માટી સમજીને અવગણવાની ભૂલ કરતા અટકવું? તેના માટે પણ કેટલાક ઉપાય જરૂર કરવા જોઈએ. સમયે સમયે પોતાના ભૂતકાળની સ્થિતિને યાદ કરી જોવી. કઈ મેળવવા માટે કેટલી મહેનત કરી હતી તે ભૂલવું નહિ. ઇચ્છયું તે પામ્યા તેની પહેલા કેવી ઝંખના હતી તેનો અહેસાસ સમયે સમયે થતો રહે તો જ હાંસલ થયાની કદર થાય. મળેલી સફળતાને ઓછી આંકીને તેને અવગણવાની, તરછોડવાની ભૂલ ન કરવી. 


ક્યારેક એવું પણ બને કે જેનું મૂલ્ય ન આંકીને આપણે જતું કરીએ તેને ફરીથી પામવું અશક્ય થઇ પડે. સામાજિક સંબંધોમાં તો આવું ઘણીવાર થતું હોય છે. પ્રેમી અને પ્રેમિકા જ્યાં સુધી મિલન ન થાય ત્યાં સુધી એકબીજા માટે તડપ્યા કરે અને પછી જયારે મળી જાય ત્યારે ધીમે ધીમે એક્બીજામાંથી રસ ખોઈ બેસે. આ બહુ સામાન્ય વાત છે. નોકરીની બાબતમાં પણ આવું બને. જોઈએ તેવી નોકરી મેળવવા જે મહેનત કરી હોય તે અમુક વર્ષો બાદ ભુલાઈ જાય અને આખરે એ નોકરીને ગાળો દીધા કરીએ. પરંતુ એ ન ભૂલવું જોઈએ કે આવી નોકરી ફરી ફરી નહીં મળે. આવું જ આપણે સમય સાથે કરી રહ્યા છીએ. યાદ રાખજો કે જો તમને ઘરે રહેવાનો સમય મળ્યો હોય તો તે એક અમૂલ્ય તક છે. આવી સુવર્ણ તક જીવનમાં ફરી મળશે નહિ. 


એટલા માટે, સ્વ. જગજીત સિંઘની ગઝલને થોડી બદલીને યાદ કરી લો:
‘દુનિયા જિસે કેહ્તે હૈ, જાદુ કા ખિલોના હૈ,અગર માન લિયા મિટ્ટી તો ખો જાયેગા જો સોના હૈ’

Don’t miss new articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *