તમે ખોટી લિંક પર ક્લિક તો નથી કરતા ને?

આજે હાઈબ્રીડ મિટિંગ અને વર્ક ફ્રોમ હોમના જમાનામાં આપણે કેટલીય મિટિંગ વર્ચ્યુઅલ કરીએ છીએ. ઝૂમ, ગુગલ મીટ, વેબેક્સ, માઈક્રોસોફ્ટ ટિમ વગેરે જેવા પ્લેટફોર્મ પર આભાસી મુલાકાત ગોઠવવા માટે લિંક તૈયાર કરવામાં આવે છે અને જે લોકો એ મિટિંગમાં જોડાવા ઇચ્છતા હોય તેઓએ એ લિંક પર ક્લિક કરવું પડે છે. પરંતુ વિચારો કે ખુબ મહત્ત્વની મિટિંગ હોય અને તમે ખોટી લિંક પર ક્લિક કરીને બેઠા હોય તો? ક્યારેક આવી થતું હોય છે કે આપણે અને સામે પક્ષવાળા લકો અલગ અલગ લિંક પર ક્લિક કરીને એકબીજાની રાહ જોતા હોઈએ છીએ. પરિણામે મિટિંગ થઇ શકતી નથી અને ભયાનક કન્ફ્યુઝન થાય છે. આ રીતે અલગ અલગ લિંક પર ક્લિક કરવાનો અર્થ છે બે અલગ અલગ યુનિવર્સમાં એકબીજાની રાહ જોવી. આવા આભાસી તલ પર એવું પણ ન થઇ શકે કે આપણને બાજુવાળા રૂમમાં કોઈ દેખાય અને અને તેમને અવાજ દઈને બોલાવી લઈએ. આ ઝૂમ કે વેબએક્સના રૂમ તો તદ્દન અલગ અલગ સૃષ્ટિ જેવા હોય છે. તેમનો એકબીજા સાથે કોઈ સંબંધ જ હોતો નથી.

વાત માત્ર વર્ચ્યુઅલ મિટિંગમાં અલગ અલગ લિંક પર ક્લિક કરીને સમય વેડફવા પૂરતી સીમિત નથી. જીવનમાં ઘણીવાર આપણે અલગ અલગ આલાપમાં ગાતા હોઈએ છીએ અને પરિણામે ક્યારેક સમાધાનના સ્થાને પહોંચી શકતા નથી. એક જ સ્થળેથી શરુ કરીને ઉંધી દિશામાં ચાલનાર એકબીજાને મળી શકતા નથી. સામે વાળાની તાદાત્મ્ય સાધવાની કોશિશ ન કરે તે બીજી વ્યક્તિથી અલગ લિંક પર ક્લિક કરવા જેવી સ્થિતિમાં હોય છે. કેટલાય સંબંધોમાં તિરાડ એટલા માટે જ પડે છે કેમ કે લોકો અલગ અલગ પરિપ્રેક્ષ્ય ધરાવતા હોય છે. તેઓ એ પ્રયત્ન કરવામાં પાછા પડે છે કે બીજી વ્યક્તિ સાથે એક વેવલેન્થ પર આવીને વાત કરે. સામેની વ્યક્તિની વાતને સમજે. તેમની સમસ્યા અને સહૂલિયતનો આદર કરતા શીખે.

જ્યાં સુધી આપણે બીજા પક્ષ સાથે આંખોમાં આંખ મેળવીને ચર્ચા કરવા તૈયાર ન હોઈએ, પોતાના પક્ષને છોડીને સામેવાળાના મુદ્દાને સાંભળવા રેડી ન હોઈએ ત્યાં સુધી તો કોઈપણ સંજોગોમાં મન મેળાપ થઇ શકે નહિ, વિચારોનો સમન્વય સધાય નહિ. આપણી વાત સાચી હોય તેમાં કોઈ શક નહિ પરંતુ બીજાની વાત ખોટી જ હોય તેવું ધારી લેવું યોગ્ય નથી. પોતે જે લિંક પર ક્લિક કર્યું છે તે જ સાચી છે અને સામે વાળી વ્યક્તિ એ તેના પર જ ક્લિક કરવું જોઈએ તેવું અનુમાન લગાવીને મિટિંગમાં બેઠા રહેવાથી વાત આગળ વધી શકે નહિ. સામે વાળી વ્યક્તિને પોતાની લિંક પર લાવવી અથવા તો આપણે તેની લિંક પર જવું આવશ્યક છે. શરૂઆતમાં થયેલી ગેરસમજને કારણે અલગ અલગ દિશામાં ચાલી રહેલા વિચારોને પાછા ન વાલીએ, નિયંત્રણમાં ન લઈએ તો આપણી વચ્ચેનો ગેપ વધતો જાય છે, તિરાડ મોટી થતી જાય છે અને પછી તેને સાંધવાની કોઈ શક્યતા રહેતી નથી. એવું ન થાય એટલા માટે જેવી ખબર પડે કે ક્યાંક ગેરસમજ થઇ રહી છે, મંતવ્યોમાં દૂરી છે કે તરત જ એ ગાળો ભરવાની કોશિશ કરવી જોઈએ.

તમારા પારિવારિક કે વ્યવસાયિક જીવનમાં પણ જો ક્યારેય તમને એ વાત સમજાય કે તમે અને સામે પક્ષવાળા અલગ અલગ લિંક પર ક્લિક કરીને બેઠા છે ત્યારે તરત જ સંપર્ક અને સંચાર સાધવાની કોશિશ કરીને આ ગેરસમજ સુધારવી આવશ્યક ગણજો.

Don’t miss new articles