તમે એવા ભૂગોળશાસ્ત્રીને મળ્યા છો જે માત્ર નકશા અને પુસ્તકોનું જ્ઞાન ધરાવતો હોય પરંતુ વાસ્તવમાં ક્યારેય તેણે ભૌગોલિક વૈવિધ્યની મુલાકાત લઈને અનુભવ ન કર્યો હોય? માત્ર પુસ્તકિયું જ્ઞાન મેળવીને અને નક્શાઓનો અભ્યાસ કરીને ભૂગોળવિદ બનેલ વ્યક્તિને પહાડોની રમણીયતા અને ખીણોની આહલાદકતા ભાગ્યે જ ખબર હોય. તેને લાવાના બનેલા ખડકો માત્ર કાગળ પર જ જોયા હોય અને દરિયામાં આવતા મોજાઓનો ધ્વનિ શબ્દો થકી જ સાંભળ્યો હોય તો શું તેનું જ્ઞાન વાસ્તવિક જ્ઞાન છે? તમારું મંતવ્ય આ પ્રશ્ન અંગે જે હોય તે પરંતુ તેના સંદર્ભે જો બીજો પ્રશ્ન એ પુછીયે કે તમે એવા પ્રવાસીઓને જોયા છે જે સ્વિત્ઝરલેન્ડના બરફાચ્છાદિત પહાડોને પોતાની આંખોથી નહિ પરંતુ મોબાઈલની સ્ક્રિન પર જુએ? મોટાભાગના લોકો આજે એવા જ થઇ ગયા છે. જયારે ક્યાંય ફરવા જાય ત્યારે મોબાઈલ હાથમાં લઈને કેમેરો ચાલુ કરીને ફોટા અને વિડિઓ લેવાનું શરુ કરે. તેઓ આંખોથી પ્રત્યક્ષ પ્રવાસના સ્થળની સુંદરતા માણવાને બદલે ફોનમાં તેને કેદ કરવા માટે, ફોટો અને વિડીઓમાં તેની સુંદરતાને સમાવવાને માટે મથતા હોય છે. કારણ? કારણ કે તે ફોટા અને વિડિઓ તેમને સોશ્યિલ મીડિયા પર અપલોડ કરવા હોય છે, લોકોને બતાવવા હોય છે અને લાઈક મેળવવા હોય છે. પોતે ફરવાના સ્થળને લાઈક કરે કે ન કરે પરંતુ તેના સોશ્યિલ મીડિયા પર લોકોના લાઈક અને કમેન્ટ્સનો ઢગલો થઇ જાય તે આવા લોકો માટે વધારે મહત્ત્વનું હોય છે. શું તમે પણ આવું વર્તન કરો છો?

આ રીતે ફોટો અને વિડિઓ લેવામાં આપણે સગી આંખને એ સ્થળની સુંદરતાથી વંચિત કરી દઈએ છીએ. સ્વિત્ઝરલેન્ડ બરફાચ્છાદિત આલ્પ્સની ભવ્યતા માટે જાણીતું હોય પરંતુ આપણે તે બરફની શીતળતાનો, આલ્પ્સ પર્વતમાળાની ભવ્યતાનો અનુભવ જ કરી શકતા નથી. એક હાથમાં સેલ્ફી-સ્ટિક લઈને પાઉટ કરી કરીને સેલ્ફી લેવામાં આપણે આ સ્થળની આહલાદકતાથી અળગા રહી જઈએ છીએ. પત્ની કે પ્રેમિકા સાથે કોઈ બીચ પર જઈએ ત્યાં પણ જો કોકટેઈલના ગ્લાસ હાથમાં લઈને અને આંખો પર ગોગલ્સ ચડાવીને આપણું ધ્યાન અલગ અલગ એંગલથી સેલ્ફી લેવામાં જ રહે તો એ વેકેશનનો શો અર્થ? ક્યારેક તો પતિ-પત્ની બંને એ જ કામ કરતા હોય છે – ફોટો, ફોટો ફોટો. જુદા જુદા એંગલથી ફોટો લેવામાં એટલી મહેનત થઇ પડે છે કે આખરે થાકીને પાછા રૂમમાં આવી જાય છે. પોતાના રૂમમાં આવ્યા પછી ફોટો એડિટ કરી કરીને વોટ્સએપ સ્ટેટસ, સોશ્યિલ મીડિયા હેન્ડલ્સ પર મુકવામાં તેમને બીજા એક-બે કલાક જોઈએ અને પછી લાઈક અને કમેન્ટ્સ સાથેનો પનારો અલગ.

આખરે પ્રશ્ન એ ઉભો થાય છે કે આપણે આ બધું કરીએ છીએ કોના માટે? વેકેશન કરવા, ફરવા જઈએ છીએ તો પોતાની ખુશી માટે કે પછી લોકોને બતાવવા માટે? આપણે ક્યાં ફરીયે છીએ અને શું ખાઈએ છીએ, શું ખરીદીએ છીએ તેનું વેલિડેશન – માન્યતા અન્ય લોકો પાસેથી મેળવવી આવશ્યક છે? જો લોકોને જાણ નહિ કરીએ કે આપણે કોઈ એક્ઝોટિક સ્થળે ફરવા આવ્યા છીએ તો શું એ ફરવાનો આનંદ ઓછો થઇ જશે? કે પછી આનંદ ફરવામાં રહ્યો જ નથી – આનંદ માત્ર લોકોને દેખાડવામાં જ છે? એક ટ્રાવેલ એજન્સીએ સોશ્યિલ મીડિયા પ્રવાસના પેકેજની જાહેરાત આપી. સોશ્યિલ મીડિયા પ્રવાસ એટલે શું એ પ્રશ્નની કુતુહલતા અને પેકેજમાં જણાવેલી કિંમતથી આકર્ષાઈને એક યુવાન યુગલ એજન્સીની ઓફિસે પહોંચી ગયું. એજન્સીના મેનેજરે તેમને સમજાવ્યું કે તમે જે લોકેશન નક્કી કરશો ત્યાંના સ્થળ, વાનગી અને વિશેષતાઓ માણતા હોય તેવા ફોટો અને વિડિઓ શૂટ એજન્સીના સ્ટુડીઓમાં જ કરવામાં આવશે અને ત્યાં ફરીને પાછા આવીએ તો જેટલી માહિતી અપેક્ષિત હોય તેટલી માહિતીના થીઅરી ક્લાસ શીખાડવામાં આવશે. આ બધું સોશ્યિલ મીડિયા પર અપલોડ કરવાથી વાસ્તવિક લાગશે અને બહુ લાઈક અને કમેન્ટ્સ મળશે. યુગલે પૂછ્યું કે સોશ્યિલ મીડિયા તો ઠીક પરંતુ અમે ફરવા ક્યાં જઈશું અને તેની વ્યવસ્થા કેવી રીતે થશે? મેનેજરે જવાબ આપ્યો કે તેમની એજન્સીનું પેકેજ માત્ર સોશ્યિલ મીડિયા ટુરિઝમ માટે છે, વાસ્તવમાં ફરવા જવું હોય તો કોઈ ટ્રાવેલ એજન્સી પાસે જતા રહો. આશા છે કે તમે આવા સોશ્યિલ મીડિયા ટુરિઝમ પેકેજ તો નહિ લીધા હોય પરંતુ ખરેખર જ્યાં ફરવા ગયા હોય તેને તો સોશ્યિલ મીડિયા ટુરિઝમ પેકેજમાં પરિવર્તિત નથી કરી દીધા ને?

Don’t miss new articles